જીવનજરૂરી ચીજોના વાયદાથી મોંઘવારી વધે એ વાત સાવ ખોટી

25 November, 2024 08:39 AM IST  |  Mumbai | Mayur Mehta

સરકારે ૭ ચીજોના વાયદા બંધ કર્યા એની અવળી અસરનો સ્ફોટક રિપોર્ટ બહાર પાડ્યો દેશની બે ખ્યાતનામ એજ્યુકેશન રિસર્ચ એજન્સીઓએ, નરેન્દ્ર મોદી સરકારે મોંઘવારીને કાબૂમાં લેવા ત્રણ વર્ષથી જીવનજરૂરી ચીજોના વાયદા બંધ કર્યા છે છતાં મોંઘવારી ઘટવાને બદલે વધી રહી છે

પ્રતીકાત્મક તસવીર

નરેન્દ્ર મોદી સરકારે દેશમાં વધી રહેલી મોંઘવારીને કાબૂમાં કરવા માટે ત્રણ વર્ષ અગાઉ જીવનજરૂરી સાત ચીજોના વાયદા પર પ્રતિબંધ મૂક્યો હતો જે પ્રતિબંધ હજી સુધી ચાલુ છે ત્યારે દેશની ખ્યાતનામ બે એજ્યુકેશન એજન્સીઓએ સ્વતંત્ર અભ્યાસ કરીને સરકારના પગલાને ખોટું ઠેરવ્યું છે અને વિશ્વના તમામ દેશોની જેમ ભારતમાં પણ કૉમોડિટી વાયદા બજારો ચાલુ રાખવાં જોઈએ એવું તારણ આપ્યું છે. આ બન્ને સંસ્થાઓએ કૉમોડિટી વાયદા ચાલુ રાખવાથી આખી વૅલ્યુ-ચેઇનને શું લાભ થાય છે એનો પણ વિગતવાર ઉલ્લેખ કર્યો છે. ૨૦૨૧ના ડિસેમ્બરમાં સાત જીવનજરૂરી ચીજોના વાયદા એક વર્ષ માટે બંધ કરવાનો નિર્ણય કરાયો હતો, પણ ત્યાર બાદ સતત બે વર્ષ ડિસેમ્બરમાં આ પ્રતિબંધને વધુ એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે આગામી મહિને કૉમોડિટી વાયદાના પ્રતિબંધની મૂદત પૂરી થાય છે એ વખતે ઍગ્રી કૉમોડિટી એક્સચેન્જ, નૅશનલ કૉમોડિટી ઍન્ડ ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ (NCDEX) અને અન્ય ટ્રેડ અસોસિએશન દ્વારા સાત જીવનજરૂરી ચીજોના વાયદા ફરી ચાલુ કરવા સરકાર પર દબાણ થઈ રહ્યું છે, પણ આખરી નિર્ણય ગૃહપ્રધાન અમિત શાહની આગેવાની હેઠળની ઇન્ટરમિનિસ્ટ્રિયલ કમિટી લેશે.

બે એજ્યુકેશન રિસર્ચ એજન્સીનો રિપોર્ટ
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ટેક્નૉલૉજી અને શૈલેષ જે મહેતા સ્કૂલ ઑફ મૅનેજમેન્ટ-IIT બૉમ્બે આ બન્ને એજ્યુકેશન સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા બે સ્વતંત્ર અભ્યાસોનું તારણ એ છે કે જીવનજરૂરી ચીજોના વાયદા ત્રણ વર્ષ બંધ રહ્યા એ દરમ્યાન મોંઘવારી ઘટવાને બદલે બેન્ચમાર્ક કિંમતને અભાવે દેશની તમામ મંડીઓમાં ગ્રાહકોને સામાન્ય કરતાં વધુ ભાવ ચૂકવવા પડ્યા છે જેને કારણે મોંઘવારીને કાબૂમાં લેવા સરકારે સાત જીવનજરૂરી ચીજોના વાયદા બંધ કર્યા એનો હેતુ નાકામિયાબ રહ્યો છે. બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ટેક્નૉલૉજીએ રાયડો, સોયાબીન, સોયાતેલ અને રાયડાતેલના ભાવના જાન્યુઆરી ૨૦૧૬થી એપ્રિલ ૨૦૨૪ સુધીના ડેટાનો અભ્યાસ કરીને તારણ આપ્યું હતું કે આ ચારેય જીવનજરૂરી ચીજોના વાયદા બંધ કર્યા બાદના સમયગાળામાં છૂટક ગ્રાહકોએ આ ચારેય જીવનજરૂરી ચીજોની ખરીદી માટે સામાન્ય કરતાં ઊંચા ભાવ ચૂકવ્યા છે. શૈલેષ જે મહેતા સ્કૂલ ઑફ મૅનેજમેન્ટ-IIT બૉમ્બે દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસનું તારણ હતું કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં રાયડો, સોયાબીન, ચણા અને ઘઉંના વાયદા ખેડૂતોનું ભાવની શોધ કરી ભાવના જોખમ-વ્યવસ્થાપન સામે રક્ષણ કરે છે. ખેડૂતોને મદદ કરતી અને ખેડૂતો સાથે સંલગ્ન સંસ્થાઓ અને આખી ચીજવસ્તુઓની બજારની વૅલ્યુ-ચેઇન માટે કૉમોડિટી વાયદા બજાર ઉપયોગી પુરવાર થયાં છે.

પ્રોફેસરોનું સટીક વિશ્લેષણ
બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ટેક્નૉલૉજીના ડિરેક્ટર પ્રોફેસર પ્રબીના રાજીબે જણાવ્યું હતું કે ‘ભારતમાં કૉમોડિટી વાયદાનું સસ્પેન્શન મોંઘવારીના વિરોધનો ઉકેલ બની ગયો છે, પરંતુ વિશ્વભરનાં કૉમોડિટી એક્સચેન્જોએ માગ અને પુરવઠાની અસંગતતા વચ્ચે અને બેફામ મોંઘવારી વચ્ચે જીવનજરૂરી ચીજોના વાયદા કદી બંધ કર્યા નથી. વિશ્વના એક પણ દેશમાં ભાવમાં ગમે તે વધઘટ થાય, પણ વાયદા બંધ કરવાનું કોઈ સરકાર વિચારતી પણ નથી, જ્યારે ભારતમાં છાશવારે કૉમોડિટી વાયદા બંધ થઈ રહ્યા છે. વાયદા બંધ કરવાથી મોંઘવારી ઘટે એવું છેલ્લાં ત્રણ વર્ષમાં સાવ પોકળ સાબિત થયું છે, કારણ કે છેલ્લાં ત્રણ વર્ષના સમયગાળામાં છૂટક અને જથ્થાબંધ મોંઘવારી સતત વધતી રહી છે. શૈલેષ જે મહેતા સ્કૂલ ઑફ મૅનેજમેન્ટના અસોસિએટ પ્રોફેસર સાર્થક ગૌરવે જણાવ્યું હતું કે ડેરિવેટિવ્ઝ એક્સચેન્જો પરની ભાવની ગતિવિધિ કરતાં કૉમોડિટીઝના છૂટક ભાવોની વધઘટથી માગ અને પુરવઠાનું ગણિત વધુ પ્રભાવિત થાય છે. જીવનજરૂરી ચીજોના વાયદા બંધ  થવાથી પ્રાઇસ ડિસ્કવરી ખોરવાઈ જતાં કૉમોડિટી વૅલ્યુ-ચેઇનના સહભાગીઓના ભાવ-જોખમના સંચાલનને મોટો ફટકો પડ્યો છે. સરકારે જીવનજરૂરી ચીજોના વાયદા બંધ કરવાને બદલે એને ચાલુ રાખીને ખેડૂતોને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં સક્રિયપણે ભાગ લેવા પ્રોત્સાહિત કરીને ભાવ-જોખમને સંચાલિત કરવામાં મદદ કરવી જોઈએ, જેનાથી વૉલ્યુમમાં વધારો થાય અને બજારનો વિશ્વાસ વધી શકે છે.

ડિસેમ્બરમાં સાત ચીજોના વાયદાના પ્રતિબંધનો શું નિર્ણય લેવાશે
કૉમોડિટી વાયદા બજારના નિયમનકાર SEBIએ સરકારની સૂચના હેઠળ ૨૦૨૧ના ડિસેમ્બરમાં નૉન બાસમતી ડાંગર, ઘઉં, ચણા, મગ, રાયડો-રાયડાતેલ, સોયાબીન-સોયાતેલ અને ક્રૂડ પામતેલના વાયદા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો હતો જે સતત બે વર્ષ લંબાવ્યો હતો. હાલ આ પ્રતિબંધિત વાયદાઓ ફરી ચાલુ કરવાની રજૂઆત માટે NCDEXના પ્રતિનિધિઓ અનેક વખત સરકારને મળી ચૂક્યા છે. NCDEX સહિત અનેક ટ્રેડ એજન્સીઓની રજૂઆતને પગલે સરકારી સૂત્રોનું કહેવું છે કે સરકાર કઠોળ અને તેલીબિયાંના વાયદાને પ્રથમ તબક્કામાં મંજૂરી આપશે. હવે દેશની બે ખ્યાતનામ એજ્યુકેશન રિસર્ચ એજન્સીઓએ જ્યારે જીવનજરૂરી ચીજોના વાયદા બંધ કરવાની અવળી અસરનો અભ્યાસપૂર્ણ રિસર્ચ-રિપોર્ટ આપ્યો છે ત્યારે ડિસેમ્બરમાં અમિત શાહના નેતૃત્વમાં મળનારી ઇન્ટરમિનિસ્ટ્રિયલ મીટિંગ પર અનેક પ્રકારનું દબાણ કામ કરશે. દેશમાં જ્યારે પણ મોંઘવારી માઝા મૂકે ત્યારે જીવનજરૂરી ચીજોના વાયદા બંધ કરવાનું ત્રણ વર્ષ પહેલાં પહેલી વખત નથી બન્યું, એ પહેલાં કૉન્ગ્રેસની સરકારે છાશવારે વાયદા બંધ કર્યા છે. એ જ રીતે કૉમોડિટી વાયદા બજારો ચાલુ રાખવાથી મોંઘવારી ન વધે એવો રિપોર્ટ પણ અગાઉ આવી ચૂક્યો છે. બૅન્ગલોરની એજ્યુકેશન સંસ્થાએ પણ કૉમોડિટી વાયદા બજારો ચાલુ રાખવાની હિમાયત કરતો રિપોર્ટ અગાઉ આપ્યો હતો. આઝાદી પછી છેક ૨૦૦૩ સુધી તમામ જીવનજરૂરી ચીજોના વાયદા પર પ્રતિબંધ હતો. વર્લ્ડ બૅન્કના કૉમોડિટી વાયદા ચાલુ કરવાના સૂચનના આધારે ૧૯૯૩માં કાબરા કમિટીએ ૨૩ ચીજોના વાયદા ચાલુ કરવા સરકારને ભલામણ કરી હતી, પણ એના પર છેક ૧૯૯૬માં સૈદ્વાંતિક નિર્ણય લેવાયો અને છેક ૨૦૦૩માં પૂર્ણ કૉમોડિટી વાયદા બજારો ચાલુ થયાં હતાં. ૧૯૬૩માં તત્કાલીન ફાઇનૅન્સ મિનિસ્ટર મોરારજી દેસાઈએ સોનાના વાયદા પર મૂકેલો પ્રતિબંધ અત્યાર સુધીના ઇતિહાસનો સૌથી ચર્ચાસ્પદ ચુકાદો હતો. ખેર, જીવનજરૂરી ચીજોના વાયદાનો પ્રતિબંધ ચાલુ રાખવો કે વાયદા ચાલુ કરવા એનો નિર્ણય ડિસેમ્બરમાં કે એ અગાઉ લેવાશે, પણ જે નિર્ણય લેવાશે એના વિશે સરકાર પર પસ્તાળ પડશે એ નક્કી છે.  

commodity market oil prices narendra modi sebi share market business news