02 November, 2024 08:30 PM IST | Mumbai | Anil Patel
બૉમ્બે સ્ટૉક એક્સચેન્જના નામે ઓળખાતા ફિરોઝ જીજીભોય ટાવરને દિવાળી નિમિત્તે રોશનીથી શણગારવામાં આવ્યું છે. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જમાં ગઈ કાલે BSEના મૅનેજિંગ ડિરેક્ટર ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિ અને બેઇન કૅપિટલના ચૅરપર્સન તથા ફાઉન્ડર અમિત ચંદ્રાએ બેલ વગાડીને એક કલાકના મુહૂર્તના ટ્રેડિંગની શરૂઆત કરાવી હતી.
મુહૂર્ત ટ્રેડિંગ ભારતમાં, પણ એનું જશન પાકિસ્તાનમાં હોય એમ કરાચી શૅરબજાર ૨૧૦૦ પૉઇન્ટ ઊછળીને ૯૧,૧૦૦ ઉપર બંધ થયું ઃ રીલિસ્ટિંગ બાદ તેજીની સર્કિટની હૅટ ટ્રિકમાં એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સનો શૅર ૧૨,૪૦૦ રૂપિયા વધી ૨.૬૦ લાખ રૂપિયાના શિખરે ઃ નવા સુકાનીની વરણીમાં MCX મુહૂર્ત ટ્રેડિંગમાં નરમ ઃ ૬૩ મૂન્સ આઇટી ઇન્ડેક્સમાં સતત બીજા દિવસે બેસ્ટ ગેઇનર બન્યો
એશિયન બજારોએ નવેમ્બરની શરૂઆત નરમાઈથી કરી છે, પરંતુ ઘરઆંગણે બજાર આરંભથી અંત સુધી પૉઝિટિવ ઝોનમાં રહ્યું છે. સેન્સેક્સ લગભગ ૬૩૫ પૉઇન્ટના ગૅપમાં ઉપર ૮૦૦૨૪ નજીક ખૂલી તેમ જ ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી છેલ્લે ૩૩૫ પૉઇન્ટ વધીને ૭૯૭૨૪ તથા નિફ્ટી ૯૯ પૉઇન્ટના સુધારામાં ૨૪૩૦૪ બંધ થયો છે. આ સાથે મુહૂર્ત ટ્રેડિંગમાં માર્કેટ સતત ૭મા વર્ષે પ્લસમાં જોવા મળ્યું છે. એકાદ કલાકના કામકાજના અતિ ટૂંકા સ્પેશ્યલ સત્રમાં સેન્સેક્સ અને નિફ્ટી ૦.૪ ટકા વધ્યા છે. બન્ને બજારનાં તમામ સેક્ટોરલ પ્લસ હતાં. રોકડું સવા ટકો, મિડકૅપ અને બ્રૉડર માર્કેટ પોણા ટકા જેવું મજબૂત હતું. ઑટો, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑઇલ-ગૅસ, રિયલ્ટી, પાવર, એનર્જી જેવા ઇન્ડાઇસિસ પોણાથી સવા ટકા અપ હતા. બૅન્ક નિફ્ટી ૧૯૮ પૉઇન્ટ કે ૦.૪ ટકા અને આઇટી બૅન્ચમાર્ક નહીંવત્ ૮૬ પૉઇન્ટ સુધર્યો હતો. માર્કેટ-બ્રેડ્થ જબરી સ્ટ્રૉન્ગ હતી. NSEમાં વધેલા ૨૨૪૭ શૅર સામે માત્ર ૪૩૬ જાતો માઇનસ થઈ છે. બજારનું માર્કેટકૅપ પ્રોવિઝનલ ફિગર પ્રમાણે ૩.૨૮ લાખ કરોડ વધીને ૪૪૮.૦૧ લાખ કરોડ નજીક ગયું છે. એશિયા ખાતે માત્ર હૉન્ગકૉન્ગ એક ટકા નજીક સુધર્યં હતું. સામે જૅપનીઝ નિક્કી ૧૦૨૭ પૉઇન્ટ કે પોણાત્રણ ટકા તૂટ્યો છે. અન્ય બજાર નહીંવતથી સાધારણ ઢીલાં હતાં. સાઉથ કોરિયા અડધો ટકો ઢીલું હતું. યુરોપ રનિંગમાં પોણાથી એક ટકો ઉપર દેખાયું છે.
ગઈ કાલે BSEમાં લક્ષ્મીપૂજન કરવામાં આવ્યું હતું.
પાકિસ્તાની શૅરબજાર અઢી ટકા કે ૨૧૬૬ પૉઇન્ટની તેજીમાં ૯૧૧૩૩ બંધ આવ્યું છે. બિટકૉઇન રનિંગમાં અઢી ટકા જેવી પીછેહઠમાં ૭૦૨૫૮ ડૉલર આસપાસ હતો. ઇઝરાયલના પારોઠના પગલાથી ઈરાન જોરમાં આવી ફરીથી આક્રમણ માટે ઉત્સુક બન્યું હોવાના અહેવાલથી ક્રૂડ પોણાબે ટકા વધી ૭૫ ડૉલર ભણી ગતિમાન બન્યું છે.
પૉલિમેડિક્યૉર અને બાસ્ફ સેંકડા ફેરવી તેજીમાં બંધ
એફકૉન્સ ઇન્ફ્રાનું લિસ્ટિંગ સોમવારે છે ત્યારે ગ્રે માર્કેટમાં ત્રણ રૂપિયાનું ડિસ્કાઉન્ટ યથાવત્ રહ્યું છે. સ્વિગીમાંય ૧૮નું પ્રીમિયમ ટકેલું છે. સેજિલિટી ઇન્ડિયાનો IPO મંગળવારે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં કામકાજ શરૂ થયું નથી. બુધવારે સ્વિગીની સાથે જ ગુરગ્રામની એક્મે સોલર હોલ્ડિંગ્સ બેના શૅરદીઠ ૨૮૯ની અપર બૅન્ડમાં ૫૦૫ કરોડની OFS સહિત કુલ ૨૯૦૦ કરોડ રૂપિયાનું ભરણું કરવાની છે. ગ્રે માર્કેટમાં સોદા નથી.
પૉલિમેડિક્યૉર પરિણામ પાછળ ૩૩૫૦ના શિખરે જઈ ૨૮૮ કે દસ ટકાના જમ્પમાં ૩૧૬૩ બંધ આવી એ-ગ્રુપમાં બેસ્ટ ગેઇનર હતી. બાસ્ફ સાડાઆઠ ટકા કે ૬૫૯ના ઉછાળે ૮૨૯૫ થઈ છે. પ્રુડેન્ટ કૉર્પોરેટ તેજીની ઇનિંગ આગળ ધપાવતાં વધુ ૧૪.૮ ટકા કે ૪૬૦ની મજબૂતીમાં ૩૫૭૭ના નવા શિખરે બંધ આવી છે. નિફ્ટી ખાતે આગલા દિવસે બેસ્ટ ગેઇનર બનેલી સિપ્લા ગઈ કાલે સાધારણ સુધારામાં ૧૫૫૯ રહી છે. ૬૩ મૂન્સ ૧૦ ટકાની ગુરુવારની તેજી બાદ ગઈ કાલે સાડાચાર ટકા ઊંચકાઈ ૫૯૯ના બંધમાં આઇટી ખાતે વધવામાં મોખરે હતો. મુહૂર્ત ટ્રેડિંગમાં સતત ૭મા વર્ષે પૉઝિટિવ ઝોનમાં રહેવાનો શિરસ્તો બજારે નિભાવ્યો છે છતાં આ વેળાનો ૦.૪૨ ટકાનો વધારો એ છેલ્લાં ૭ વર્ષમાંનો સૌથી નાનો સુધારો છે. ગયા વર્ષે ૨૦૨૩ના મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શૅરઆંક ૦.૫૫ ટકા પ્લસ થયો હતો, જ્યારે ૨૦૨૨માં સેન્સેક્સ ૦.૯ ટકા વધ્યું હતું જે ૨૦૧૩થી લઈ આજ સુધીનો બેસ્ટ ગેઇન છે.
મહિન્દ્ર વેચાણના આંકડામાં બન્ને બજારમાં બેસ્ટ પર્ફોર્મર
મહિન્દ્રનું SUVનું વેચાણ ગયા મહિને રેકૉર્ડ લેવલે નોંધાયું હોવાના પગલે શૅર ૩.૩ ટકાની તેજીમાં બન્ને બજારમાં ટૉપ ગેઇનર બન્યો છે. ONGCમાં પરિણામ ૧૧મીએ છે. બોનસ આવવાની હવા છે. શૅર બે ટકા ઊંચકાઈ ૨૭૨ થયો છે. રિલાયન્સમાં બોનસના શૅર ટ્રેડિંગમાં દાખલ થવા છતાં અડધો ટકો સુધરી ૧૩૩૯ હતો. તાતા મોટર્સ ફ્લૅટ વેચાણ વચ્ચે માથે પરિણામને લઈ ૧.૧ ટકા વધી ૮૪૩ થયો છે. ભારત ઇલેક્ટ્રિક તથા અદાણી પોર્ટ્સ સવા ટકા આસપાસ પ્લસ હતા. આઇશર સવા ટકા નજીક, મારુતિ સાધારણ, હ્યુન્દાઇ અડધો ટકો, અશોક લેલૅન્ડ ૦.૪ ટકો, હીરો મોટોકૉર્પ તથા બજાજ ઑટો અડધા ટકા આસપાસ સુધર્યા હતા. ઑટો ઇન્ડેક્સ ૬૧૭ પૉઇન્ટ વધ્યો એમાં મહિન્દ્રનું પ્રદાન ૩૯૧ પૉઇન્ટ હતું. બજારનેય આ શૅર સર્વાધિક ૭૫ પૉઇન્ટ ફળ્યો છે. નિફ્ટી ખાતે ડૉ. રેડ્ડીઝ લૅબ એકાદ ટકો તો સેન્સેક્સમાં HCL ટેક્નૉ અડધા ટકા જેવો ઘટી ટૉપ લૂઝર હતા. ICICI બૅન્ક, વિપ્રો, ઇન્ફોસિસ, ટ્રેન્ટ એશિયન પેઇન્ટ્સ, HDFC બૅન્ક, ભારતી ઍરટેલ અતિ નાની અને નજીવી વધ-ઘટમાં ફ્લૅટ હતા. MCXમાં નવા સુકાની તરીકે પ્રવીણા રાયની વરણી થઈ છે. શૅર મુહૂર્ત ટ્રેડિંગમાં ઉપરમાં ૬૬૧૪ વટાવી નીચામાં ૬૪૨૩ થઈ સાધારણ ઘટી ૬૪૯૨ હતો. BSEનો ભાવ નેગેટિવ બાયસમાં ૪૪૬૪ નજીક ફ્લૅટ રહ્યો છે. એલ્સિડ ઇન્વેસ્ટમેન્ટ્સ રીલિસ્ટિંગ પછી ઉપલી સર્કિટની હૅટ ટ્રિકમાં પાંચ ટકા કે ૧૨૪૦૩ રૂપિયાની છલાંગ મારીને ૨૬૦૪૬૫ને વટાવી નવી વિક્રમી સપાટીએ બંધ હતો.