28 October, 2024 08:40 AM IST | Mumbai | Jayesh Chitalia
શેરબજાર
આ દિવાળી માર્કેટ માટે કોઈ પણ પ્રકારની રહે, ચિંતા ન કરવી. માર્કેટ ઘટાડાતરફી હોવાથી દિવાળી સારી ન ગણાય એવું માનવું ભૂલભર્યું છે, કારણ કે દિવાળીમાં જ આપણે દરેક વસ્તુની વધુ ખરીદી કરતા હોઈએ છીએ, તો પછી શૅરબજારમાં ઘટેલા ભાવોએ સ્ટૉક્સ કેમ નહીં? લાંબી તેજી અને ઊંચાઈની યાત્રા બાદ માર્કેટ ઇન્ડેક્સ નીચે જાય, ભાવ ડાઉન થાય એ વાસ્તવમાં મંદી ન કહેવાય, બલકે તક કહેવાય. ભારતમાં દિવાળીનો માહોલ ભલે ખરીદી અને ઉત્સવનો હોય, ગ્લોબલ માહોલ યુદ્ધ સહિતની સમસ્યાઓને કારણે અનિશ્ચિતતાનો હોવાથી અત્યારે બુલિશ ટ્રેન્ડને બ્રેક લાગે એ સહજ છે. આમ પણ આપણે ઘણા લાંબા સમયથી ઓવરહીટેડ માર્કેટની ચિંતા કરતા હતા, જેથી માર્કેટની ઓવરહીટ પણ સમજવી પડે અને સહન પણ કરવી પડે.
ઑક્ટોબર-માર્કેટ હીટ શહેરના માહોલમાં ઑક્ટોબર હીટ (અતિગરમીનું વાતાવરણ) ચાલી રહી છે ત્યારે શૅરબજારમાં બીજા પ્રકારની હીટ ચાલી રહી છે. આ હીટ ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI) તરફથી જંગી વેચાણની છે, જે હાલમાં માર્કેટના કરેક્શનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. આનું એક કારણ ચીન પણ બન્યું છે. ચીન એના અર્થતંત્રને વેગ-બળ આપવા વ્યાજદરમાં કાપ મૂકી રહ્યું હોવા સાથે સ્ટિમ્યુલેશનનાં પગલાં ભરવા માંડ્યું હોવાથી ગ્લોબલ ઇન્વેસ્ટર્સ અત્યારે ચીન તરફ ધ્યાન આપવા માંડ્યા છે અને રોકાણપ્રવાહ ત્યાં વાળવા માંડ્યા છે. ઑક્ટોબર મહિનામાં ગયા સોમવાર સુધીમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ દ્વારા આશરે ૯૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ વેચાણ થયું છે જે એક મહિનાનું વિક્રમજનક વેચાણ ગણાય છે. આ વિદેશી રોકાણકારોએ રોજ સરેરાશ ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કર્યું છે. ભારતીય સ્ટૉક માર્કેટ અતિ મોંઘું થયું હોવાને કારણે પણ ગ્લોબલ સહિત મોટા ઇન્વેસ્ટર્સ માલ વેચીને નાણાં ઉપાડી રહ્યા છે. જોકે રસપ્રદ અને આશ્વાસનની વાત એ છે કે આની સામે સ્થાનિક રોકાણકારો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડ્સ તરફથી બજારમાં સારો નાણાપ્રવાહ આવતો રહ્યો છે તેમ જ આવતો રહેવાની આશા નક્કર છે, જેનાં કારણો સ્પષ્ટ છે.
આ રહ્યાં ટેકાનાં કારણો રીટેલ રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી યોજનાઓમાં થેલા ભરી-ભરીને નાણાં ઠાલવી રહ્યા છે. વિવિધ કારણસર રીટેલ રોકાણકારો ફન્ડ્સની યોજનાઓમાં રસ વધારી રહ્યા છે, જેમાં સર્વોચ્ચ સ્થાને સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) છે. છેલ્લાં ચારેક વર્ષમાં આ રોકાણકારોને જે વૃદ્ધિ (ગ્રોથ) જોવા મળી છે એ અસાધારણ છે. ફન્ડ્સના વિભિન્ન લાભ હોવાનું અને ‘મ્યુચ્યુઅલ ફન્ડ સહી હૈ’નું ઉત્તમ ઉદાહરણ હાલ જોવા મળી રહ્યું છે અને એને રોકાણકારો તરફથી સમર્થન પણ મળી રહ્યું છે. આ રોકાણપ્રવાહ આવતો રહેશે જેથી હાલ કરેક્શનમાં પૅનિક સેલની જરૂર નથી. ફૉરેન ઇન્વેસ્ટર્સ તો નફા માટે વેચાણ કરી રહ્યા છે.
ગયા વર્ષથી આ વર્ષ સુધી ગયા સપ્તાહમાં અહીંથી વ્યક્ત કરવામાં આવેલી ધારણા મુજબ કરેક્શનનો દોર ચાલુ રહ્યો હતો. હવે દિવાળીનું સપ્તાહ શરૂ થઈ રહ્યું છે. ગઈ દિવાળીમાં અર્થાત્ ૨૦૨૩માં સેન્સેક્સ ૬૫,૦૦૦ આસપાસ અને નિફ્ટી ૧૯,૦૦૦ આસપાસ હતો, જે હાલમાં અનુક્રમે ૭૯-૮૦ હજાર અને ૨૪-૨૫ હજાર આસપાસ છે. આ આંકડા પરથી અંદાજ લગાવી શકાય છે કે એક જ વર્ષમાં કેટલો ગ્રોથ થયો છે. અલબત્ત, આ ગ્રોથ વધુ હતો, જે હાલના કરેક્શનને પગલે થોડો પ્રમાણમાં ઓછો નોંધાયો છે. ભારતીય માર્કેટમાં કરેક્શનનું એક કારણ ગ્લોબલ સંસ્થા ગોલ્ડમૅન સાક્સ દ્વારા ભારતના રેટિંગને ડાઉનગ્રેડ કરવાનું પણ છે. આ સંસ્થાના મતે ભારતનો ગ્રોથ ધીમો પડ્યો છે અને કૉર્પોરેટ અર્નિંગ્સ પણ નબળાં પડ્યાં છે. જોકે એ માને છે કે લાંબા ગાળાનું ભાવિ મજબૂત અને ઉજ્જ્વળ રહેશે જેથી આ કરેક્શનને લાંબા ગાળાની તક માનવામાં સાર રહેશે એવું અમને લાગે છે. જોકે એ માટે દરેક ઘટાડાના માહોલમાં થોડી-થોડી સિલેક્ટિવ ખરીદી કરવામાં શાણપણ ગણાય.
ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતમાં સ્ટૉક્સ વેચી રહ્યા છે તો તેઓ એ નાણાં ક્યાં મૂકી રહ્યા છે એ સવાલ થવો સ્વાભાવિક છે. આ મામલે પ્રાપ્ત માહિતી મુજબ આ ગ્લોબલ રોકાણકારો હાલ ચીન, જપાન, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયાની માર્કેટમાં રોકાણ વધારી રહ્યા છે. આ માર્કેટ તેમને માટે આકર્ષક છે.
વિશેષ ટિપ
લાંબા સમય બાદ શૅરબજાર અને સોનું વિરુદ્ધ દિશામાં ચાલી રહ્યાં છે. યુદ્ધનો માહોલ છે એથી સોનું ઊંચું જઈ શકે અને સ્ટૉક માર્કેટ નીચે જઈ શકે છે. સોનામાં રોકાણ ન હોય તો કરવા જેવું અને હોય તો થોડું વધારવા જેવું. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) સારો માર્ગ ગણાય.
ફૉરેન ઇન્વેસ્ટર્સ માર્કેટ નથી છોડી રહ્યા: મનીષ ચોખાણી
એનમ હોલ્ડિંગ્સના ડિરેક્ટર મનીષ ચોખાણી ફૉરેન ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુશન (FFI) અને ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)ના વેચાણ વિશે પોતાનો મત વ્યક્ત કરતાં કહે છે, ‘ગઈ દિવાળીથી લઈને આ દિવાળી સુધીમાં માર્કેટ ૩૦ ટકા જેટલું વધ્યું છે. આ વધારામાં રીટેલ રોકાણકારોનો ફાળો ઊંચો રહ્યો, ખાસ કરીને મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી સ્કીમ્સમાં દર મહિને ૪ અબજ ડૉલરનો રોકાણપ્રવાહ આવતો રહ્યો છે જે નાણાં માર્કેટમાં આવ્યાં છે. ભારતીય અર્થતંત્ર જે ગતિ સાથે અને જે દિશામાં વિકાસ કરી રહ્યું છે એને ધ્યાનમાં રાખતાં રોકાણકારોનો વિશ્વાસ અને પ્રવાહ અકબંધ રહેશે એમ લાગે છે. વાસ્તવમાં ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતીય માર્કેટમાં કુલ રોકાણના ૧૫ ટકા જેટલો હિસ્સો ધરાવે છે, જે આશરે ૮૦૦ અબજ ડૉલર જેટલું થાય છે. આમાંથી તેમણે હાલમાં ૧૦ અબજ ડૉલરનું રોકાણ પાછું ખેંચ્યું છે. આનો અર્થ એવો ન કરાય કે તેઓ આપણું બજાર છોડી રહ્યા છે. આની સામે આપણા સ્થાનિક રોકાણકારો સતત ખરીદીને રોકાણપ્રવાહ માર્કેટમાં લાવી રહ્યા હોવાથી માર્કેટની મજબૂતી તૂટતી નથી. ચીન યા અન્ય માર્કેટ તરફ વિદેશી રોકાણકારોનું વળવું એ માટે ભારતે પૅનિક થવાની જરૂર નથી. અલબત્ત, ફૉરેન ઇન્વેસ્ટર્સના વેચાણનું કારણ ભારતીય માર્કેટ અતિ મોંઘું થયું હોવાનું પણ છે અને એનો ઇનકાર થઈ શકે એમ નથી. આ વાતનો બોધ કે સંકેત ભારતીય રોકાણકારોએ પણ લેવો જોઈએ, જેથી હાલનું કરેક્શન વાજબી છે.’