આજના ઑનલાઇનના જમાનામાં આપણી માર્કેટોની કેવી છે દિવાળી?

28 October, 2024 08:40 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ડ્રાયફ્રૂટ્સ, ઇલેક્ટ્રૉનિક્સ અને ગિફ્ટ-આર્ટિકલ્સમાં શું છે ડિમાન્ડમાં એ જાણી લો

દિવાળી માટેનું ડેકોરેશન

દિવાળી આવી ગઈ છે ત્યારે વિવિધ માર્કેટમાં ખરીદી નીકળી છે. ઑનલાઇનના જમાનામાં પણ લોકો હજી દુકાનમાં આવી રહ્યા છે અને લોકલ દુકાનદારો પાસેથી પરંપરાગત પ્રોડક્ટ્સ લઈને દિવાળીની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. આ વખતે દિવાળીની ઘરાકી કેવી છે, કન્ઝ્યુમર માર્કેટમાં કયો ટ્રેન્ડ છે, ઇલેક્ટ્રૉનિક્સ અને હોમ-અપ્લાયન્સિસ તથા ગિફ્ટ-આર્ટિકલ્સ અને ડ્રાયફ્રૂટ્સની કઈ રીતે ખરીદી થઈ રહી છે એ જાણવા ‘મિડ-ડે’એ માર્કેટના પ્રતિનિધિઓ સાથે વાત કરીને માર્કેટની રૂખ જાણવાનો પ્રયાસ કર્યો. 

ડ્રાયફ્રૂટ્સ હૈ સદા કે લિએ : વિજય ભુતા

દિવાળીમાં ડ્રાયફ્રૂટ્સ આપવાનું ચલણ આમ તો વર્ષોથી છે જ, પણ હવે લોકો પોતે પણ હેલ્થ-કૉન્શ્યસ રહીને ઇમ્યુનિટી વધે એ માટે બદામ અને અખરોટ ખાય છે એટલે અન્યોને પણ ડ્રાયફ્રૂટ્સ ગિફ્ટમાં આપી રહ્યા છે.

માર્કેટમાં રાબેતા મુજબ આ વર્ષે પણ વેચાણમાં ૧૦થી ૧૫ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. દિવાળીનાંગિફ્ટ-પૅક્સમાં મુખ્ય ચાર આઇટમ ચાલે છે : કાજુ, બદામ, પિસ્તા અને કિસમિસ. જોકે એની સાથે કૉમ્બિનેશનમાં જરદાલુ, અંજીર અને અખરોટ પણ ચાલે. જોકે એ ત્રણેય આઇટમ વહેલી કન્ઝ્યુમ કરવી પડે, કારણ કે એ થોડી પૅરિશેબલ આઇટમ ગણાય છે. એ સિવાય પણ ફૉરેનની આઇટમો થાઇલૅન્ડ ડેટ્સ કે બ્રાઝિલ નટ્સ પણ કેટલાક પ્રમાણમાં હવે ઊપડે છે. બ્રાઝિલ નટ્સ થાઇરૉઇડ જેવી બીમારી પર દવાની અસર કરતાં હોવાથીધીમે-ધીમે એની પણ ડિમાન્ડ વધી રહી છે. કૉર્પોરેટ્સમાં ગિફ્ટ આપવાના ચલણમાં ડ્રાયફ્રૂટ્સનાં પૅકેટ હૅન્ડલ કરવાનું આસાન રહેતું હોવાથી બહુ ઊપડે છે. ૫૦૦ રૂપિયાથી લઈને ૫૦૦૦ રૂપિયા સુધીનાં બૉક્સ/ગિફ્ટ-પૅક બને છે. દરેકને પોતાના બજેટ પ્રમાણે એ મળી રહે છે. એમાં પ્રાઇસ પ્રમાણે ક્વૉન્ટિટીમાં ફરક પડે, પણ મોટા ભાગે આઇટમો સરખી હોય છે. ક્વૉ​લિટીમાં પણ કાજુમાં ઘણીબધી જાત આવે છે, જ્યારે અન્ય ડ્રાયફ્રૂટ્સમાં એટલી બધી વિવિધતા નથી હોતી. હવે મીઠાઈ જે ભાવે વેચાય છે એના કરતાં ડ્રાયફ્રૂટ્સ સસ્તાં છે. વળી એ મીઠાઈની સરખામણીમાં લાંબાં ટકે છે અને જલદી ખરાબ નથી થતાં એટલે પણ એ આપવા-લેવા માટેનો સેફ ઑપ્શન ગણાય છે. ભલે અમે ધંધો હોલસેલ કરીએ; પણ પૅકિંગ તો કન્ઝ્યુમર પૅકિંગ, નાનાં જ થાય છે. ૨૫૦ ગ્રામ, ૫૦૦ ગ્રામ અને એક કિલોનું પૅકિંગ થાય અને એ પછી ૩૦ કિલોના બૉક્સમાં પૅક કરીને સપ્લાય કરાય. આમ ડ્રાયફ્રૂટ્સની ડિમાન્ડ તો રહેવાની જ છે અને એમાં પણ દિવાળીના તહેવારોમાં તો લોકો ડ્રાયફ્રૂટ્સ ખાવાના પણ છે અને ખવડાવવાના પણ છે.

- મુંબઈ ડ્રાયફ્રૂટ્સ ઍન્ડ ડેટ્સ મર્ચન્ટ્સ અસોસિએશનના પ્રેસિડન્ટ, APMCના ડિરેક્ટર અને ભુતા બ્રધર્સના માલિક

લોકો નવી ટેક્નૉલૉજી આવે તો અપગ્રેડ થવા જૂનાં અપ્લાયન્સિસ બદલી નાખે છે : મિતેશ મોદી

કન્ઝ્યુમર ઇલેક્ટ્રૉનિક્સમાં હાલ જે નવાં-નવાં ઇન્વેન્શન થાય છે અને જે રીતે નવી પ્રૉડક્ટ્સનું અપગ્રેડેશન થાય છે એ જોતાં હાલ જે જૂના કસ્ટમરો છે તેઓ પણ તેમની પ્રોડક્ટ્સ અપગ્રેડ કરે છે અને ન્યુ બાયર્સ પણ નવી પ્રોડક્ટ્સ ખરીદી રહ્યા છે. આપણે ત્યાં એક ટ્રેન્ડ છે કે તહેવારોની મોસમમાં એટલે કે ગણપતિ, નવરાત્રિ, દશેરા, દિવાળીએ લોકો નવી સારી ચીજ ઘર માટે ખરીદતા હોય છે. એ પ્રમાણે ખરીદી રહેતી જ હોય છે. મોબાઇલ, ટીવી વગેરેમાં નવાં-નવાં ફીચર્સ આવતાં હોય છે અને અપગ્રેડ કરીને વેચાવા મુકાતાં હોય છે એથી લોકો એ નવી પ્રોડક્ટ્સ લેતા હોય છે. ફેસ્ટિવલ સીઝનમાં એ વધુ લેવાય છે. લોકો માનસિક રીતે પણ હવે દિવાળીમાં નવી વસ્તુઓ લેવાની તૈયારી રાખે છે અને આ વર્ષે પણ એ કન્ટિન્યુ રહેશે. કોરોના પછી જે લોકોએ વર્ક ફ્રૉમ હોમ કરવાનું હતું તેમણે લૅપટૉપ, આઇપૅડ, ટીવી કે ફોન એ જરૂરિયાત પ્રમાણે ખરીદ્યાં હતાં. એ વખતે દુનિયા એના આધારે જ ચાલતી હતી. હવે એમાં અપગ્રેડ થઈ રહ્યું છે અને ઈવન હાઈ-એન્ડ પ્રોડક્ટ્સમાં પણ લોકો સારુંએવું સ્પેન્ડ પણ કરી રહ્યા છે. હમણાં ઍપલ-૧૬ લૉન્ચ થયો તો એને અહીં પણ સારું સેલ મળ્યું છે. ઓવરઑલ ટ્રેન્ડ સારો છે. લોકો સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં પણ ઇન્વેસ્ટ કરી રહ્યા છે. CCTV કૅમેરા, ડોર કૅમેરા, સ્માર્ટ લૉક, ઇલેક્ટ્રૉનિક સેફ, ફાયર કન્ટ્રોલ જેવી પ્રોડક્ટ્સ પણ હવે લેતા થઈ ગયા છે. પહેલાં એ ફક્ત ઑફિસ અને કમર્શિયલ બિલ્ડિંગમાં જ જોવા મળતી, પણ હવે લોકો પોતાના ઘરમાં એ સેફ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ્સ લગાડી રહ્યા છે. એક અલગ જ વર્ગ તૈયાર થયો છે જે પહેલાં ઑનલાઇન ખરીદી કરતો હતો, પણ એમાં કેટલાક લોકો છેતરાયા છે. હેવી ડિસ્કાઉન્ટવાળી ખરીદીમાં મૂળ પ્રોડક્ટ બરાબર હોય, પણ ઍક્સેસરીઝ અને બીજી આઇટમો સબસ્ટાન્ડર્ડ પધરાવી દેવાતી હોય છે. બીજું, હવે એ કંપનીઓએ રિટર્ન પૉલિસી બદલી નાખી છે. વળી પહેલાં રિપ્લેસમેન્ટ માટે પણ એ કંપનીઓ ઘરે પિક-અપ માટે માણસ મોકલતી. જોકે હવે એ બધામાં ચેન્જિસ આવ્યા છે અને કસ્ટમરે જાતે સર્વિસ સેન્ટર પર લાંબા થવું પડે છે એટલે હવે લોકો ઘર પાસેની દુકાનમાં જઈ ફિઝિકલી ચેક કરીને પ્રૉપર વૉરન્ટી સાથે પ્રોડક્ટ લેવાનું પ્રિફર કરે છે. વળી ઑનલાઇન અને એના દુકાનોના રેટમાં પણ બહુ ફરક નથી હોતો. એથી થોડા પૈસા વધારે આપીને પણ આફટર-સેલ્સ સર્વિસનો ફાયદો લેવા ખરીદી કરવામાં તેઓ અચકાતા નથી. એક નવી બાબત એ આવી છે કે હવે વેપારીઓ પણ તેમનું ગ્રુપ બનાવીને બલ્ક પર્ચેઝ કરે છે અને એથી તેમને કંપની તરફથી જે બેનિફિટ થાય એ તેઓ કસ્ટમરને પાસ-ઑન કરીને પણ ધંધો જાળવી રાખે છે.

- ઑલ ઇન્ડિયા ઇલેક્ટ્રૉનિક અસોસિએશનના નૅશનલ જનરલ સેક્રેટરી તથા જયમિત સિક્યૉરિટી સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર

દિવાળીમાં ગિફ્ટ તરીકે દેવી-દેવતાની મૂર્તિ આપવાનો ટ્રેન્ડ વધુ છે : હિંમત વોરા

દિવાળીમાં ગિફ્ટ તરીકે કૅન્ડલ્સ વધુ ચાલે છે અને સાથે જ દેવી-દેવતાઓની પૉલિરેઝિનની મૂર્તિઓનું પણ ધૂમ વેચાણ થાય છે. એની સાથે જ પિરામિડ, સ્ટોનનાં બ્રેસલેટ્સ આ બધું વધુ વેચાય છે. બીજું, આ બધું ક્વૉન્ટિટીમાં જતું હોય છે. નાના રીટેલર્સ, કૉર્પોરેટ્સ બધા જ એ લે છે. દરવાજાની સાઇડ પર કે ઉપર લાગતાં કાચથી ડેકોરેટ કરેલાં વૉલ-હૅન્ગિંગ્સ પણ એટલાં જ ચાલે છે.

નાની-નાની આઇટમો હોય અને એની કૉસ્ટ પણ ૫૦-૧૦૦ રૂપિયા જેટલી હોય છે એટલે એનો ઉપાડ પણ બહુ હોય છે. નાના દુકાનદારો પણ હજાર-બે હજાર પીસનો ઑર્ડર લખાવતા હોય છે. આમાં પણ જે પૉલિરેઝિનની મૂર્તિઓ છે એ બહુ ચાલે છે. પહેલાં ચીનથી એ માલ આવતો; પણ એના ચહેરા-મહોરાના હાવભાવ કે પછી ફિનિશિંગ એટલાં ઍક્યુરેટ નથી હોતાં, જ્યારે આપણે ત્યાં સ્વદેશમાં બનેલી એ મૂર્તિઓના બહુ સરસ હાવભાવ હોય છે અને ક્લિયર હોય છે એટલે એ વધુ વેચાય છે. જોકે આપણે ત્યાંની સરખામણીમાં પ્રોડક્શન થોડું ઓછું નીકળે છે એટલે ચીનનો માલ આવે તો છે, પણ ઓછો. કૉર્પોરેટ્સમાં ગિફ્ટ-સેટ પણ ચાલતા હોય છે. ખાસ કરીને ટેબલપીસની પણ ડિમાન્ડ હોય છે જેમાં મેટલ વધુ વપરાય છે. કૃષ્ણના માત્ર બે હાથ, હાથમાં વાંસળી અને એના પર એક મોરપીંછ આવી મેટલની અનેક ડિઝા​​ઇનની આઇટમો ટેબલપીસમાં વેચાય છે.

અલગ-અલગ પેપરવેઇટ પણ વેચાય છે. યુટિલિટી આઇટમ, પેન-હોલ્ડર, વૉચ વગેરે પણ હોય છે. કૉર્પોરેટ્સમાં હવે લોકોનું પીસદીઠ ૫૦૦ રૂપિયાનું મિનિમમ બજેટ હોય છે. એ બલ્કમાં જ જાય. આ વખતે પણ ઓવરઑલ ૨૫ ટકાથી ૩૦ ટકાનો વેચાણમાં વધારો છે. ધંધો વધી રહ્યો છે. વિન્ડચાઇમ પણ બહુ ચાલે છે. એમાં ૭૦ રૂપિયાથી ૨૦૦૦ રૂપિયા સુધીનાં વિન્ડચાઇમ આવે છે. એમાં કંપની પોતાનો લોગો લગાવી દે એટલે ગિફ્ટ સાથે ઘરે-ઘરે એનું નામ પહોંચી જાય છે. ગિફ્ટ-આર્ટિકલ્સમાં હવે પ્લાસ્ટિકની પ્રોડક્ટ્સ બહુ જ ઓછી છે. એની ડિમાન્ડ ઘટતી જ જાય છે. મેટલ, વુડન, ગ્લાસ વગેરે ચાલે છે. સ્ટેશનરીની આઇટમો પણ ચાલતી રહે છે. દિવાળી એટલે શુભ અને લોકો ગિફ્ટ દ્વારા શુભેચ્છાઓની આપ-લે કરતા હોય છે જે બધા માટે આનંદ લાવે છે.

- વિવોરા, ગિફ્ટ-આર્ટિકલ્સના હોલસેલર

diwali festivals andheri mumbai business news bakulesh trivedi commodity market