08 October, 2024 09:15 AM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક તસવીર
સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં ઉપલા મથાળાથી ૧૪૧૨ પૉઇન્ટ ગગડી ૮૧,૦૦૦ની અંદર ગયો : વિશ્વબજારો સુધારામાં, પાકિસ્તાની બજાર ૮૫,૦૦૦ના બેસ્ટ લેવલને પાર કરી ૧૪૨૮ પૉઇન્ટની તેજીમાં બંધ : બીએસઈનો શૅર વિક્રમી સપાટી બનાવી પોણાસાત ટકા ગગડ્યો, અન-લિસ્ટેડ માર્કેટમાં થર્ડ પાટી ધોરણે NSEનો ભાવ ૧૮૦૦ની સર્વોચ્ચ સપાટીએ : રિયલ્ટીમાં ખુવારી પાછળ બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ ઑલટાઇમ તળિયે ગયો : હીરો મોટર્સે ૯૦૦ કરોડનો ઇશ્યુ લાવવાની યોજના પડતી મૂકી, બજારની મંદીની અસર
રાધનપુર જિલ્લાના સિનાડ ગામમાં ખોહલી માતાનું મંદિર આવેલું છે જ્યાં લોકો માનતા માનવા માટે સબરસ કહેવાતું પાસાદાર વડાગરુ મીઠું પ્રસાદ તરીકે ચડાવે છે.
સેન્સેક્સ ૨૬ સપ્ટેમ્બરે ૮૫,૮૩૬ની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો અને વળતા દિવસે ૨૭મીએ ઇન્ટ્રા-ડેમાં ૮૫,૯૭૮ના બેસ્ટ લેવલે ગયો ત્યારે સર્વત્ર તેજીનો ઝામો હતો. દિવાળીના દીવા દલાલ સ્ટ્રીટમાં ૯૦,૦૦૦ના સેન્સેક્સથી થવાનાં ગાણાં ગવાતાં હતાં. ત્યાર પછીના પાંચેક દિવસમાં જ ચિત્ર સદંતર બદલાઈ ગયું છે. ઘટાડાની ચાલમાં સેન્સેક્સ સોમવારે ઇન્ટ્રા-ડેમાં ૮૧ની અંદર, ૮૦,૭૨૬ની બૉટમ બતાવી અંતે ૬૩૮ પૉઇન્ટ બગડી ૮૧,૦૫૦ બંધ થયો છે. નિફ્ટી ૨૧૯ પૉઇન્ટ ગગડી ૨૪,૭૯૬ રહ્યો છે. બજારનું માર્કેટકૅપ વધુ ધોવાઈ ૪૫૧.૯૯ લાખ કરોડે આવી ગયું છે જે ૨૭ સપ્ટેમ્બરે ૪૭૯.૧૦ લાખ કરોડની વિક્રમી સપાટીએ હતું. બોલે તો, પાંચ દિવસમાં જ ૨૭.૧૧ લાખ કરોડ રૂપિયા ગાયબ.
સેન્સેક્સનો આરંભ ગઈ કાલે ૨૩૯ પૉઇન્ટના સુધારામાં ૮૧,૬૨૭ના ઓપનિંગ સાથે થયો હતો. ત્યાંથી ઉપરમાં ૮૨,૧૩૮નું લેવલ દેખાયું હતું, પરંતુ આ ગ્રીનેરી માંડ કલાકની હતી. ત્યાર પછી બજારે ડાઉન વર્ડ રફતાર પકડી એમાં શૅર આંક ઉપલા મથાળેથી ૧૪૧૨ પૉઇન્ટ તૂટી નીચામાં ૮૦,૭૨૬ થઈ ગયો હતો. બન્ને બજારના તમામ સેક્ટોરલ માઇનસ થયા છે. આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ મામૂલી સુધારામાં અપવાદ હતા. સ્મૉલકૅપ ઇન્ડેક્સ ૧૮૨૭ પૉઇન્ટ કે ૩.૩ ટકા ડૂલ થયો છે. એના ૯૫૦માંથી ફક્ત ૬૨ શૅર પ્લસ થયા છે. પીએસયુ બેન્ચમાર્ક સર્વાધિક ૩.૪ ટકા ધોવાયો છે. NBCC પોણાત્રણ ટકા વધ્યો હતો, અન્ય ૫૮ શૅર માઇનસ હતા. રિયલ્ટી, યુટિલિટી, પાવર, એનર્જી, ઑઇલ-ગૅસ, મેટલ, કૅપિટલ ગુડ્સ, બૅન્કેક્સ, ટેલિકૉમ ઇત્યાદી આંક બેથી સાડાત્રણ ટકા કપાયા છે. માર્કેટ બ્રેડ્થ ખાસ્સી બગડી હતી. NSE ખાતે વધેલા ૩૮૪ શૅર સામે ૨૪૯૨ જાતો રેડ ઝોનમાં ગઈ હતી.
ભારતીય બજારથી વિપરિત તમામ અગ્રણી એશિયન બજારોનો સોમવાર સારો ગયો છે. જપાન તથા તાઇવાન પોણાબે ટકા, સાઉથ કોરિયા અને હૉન્ગકૉન્ગ દોઢ-દોઢ ટકા વધ્યાં છે. યુરોપ રનિંગમાં એકંદર સાધારણ સુધારામાં હતું અને એક નવાઈની વાત, પાકિસ્તાની શૅરબજાર ગઈ કાલે સતત પાંચમા દિવસની આગેકૂચમાં ૮૫,૦૪૮ની ઑલટાઇમ હાઈ બનાવી પોણાબે ટકા કે ૧૪૨૮ પૉઇન્ટની તેજીમાં ૮૪,૯૬૦ ઉપર બંધ થયું છે. બોલો કઈ કહેવું છે?
BSE ખાતે મહિન્દ્ર, આઇટીસી, ભારતી ઍરટેલ ટૉપ ગેઇનર બની સવા-દોઢ ટકો વધ્યા હતા. અદાણી પોર્ટ્સ સવાચાર ટકા ગગડી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. આઇટી ઇન્ડેક્સ ૫૬માંથી ૪૨ શૅરની નરમાઈ છતાં સાધારણ વધ્યો એ ઇન્ફી, ટીસીએસ, લાટિમ, પર્સિસ્ટન્ટ જેવા જૂજ હેવી વેઇટ્સના સુધારાનું પરિણામ છે.
અદાણીની નજરમાં આવતાં હાઇડલબર્ગ સિમેન્ટ ત્રણ વર્ષની ટોચે
અંબુજા સિમેન્ટ, સાંધી ઇન્ડસ્ટ્રીઝ અને હૈદરાબાદી પેન્ના સિમેન્ટને હસ્તગત કર્યા પછી અદાણી ગ્રુપ હવે જર્મન મલ્ટિ-નૅશનલ હાઇડલબર્ગની ૬૯.૪ ટકા માલિકીની સબસિડિયરી હાઇડલબર્ગ સિમેન્ટને હસ્તગત કરવાની વેતરણમાં હોવાના અહેવાલ છે. એના પગલે હાઇડલબર્ગ સિમેન્ટ્સ ગઈ કાલે ૨૫૮ની ત્રણ વર્ષની ટૉપ બનાવી ચાર ટકા વધી ૨૨૭ બંધ થયો છે. વૉલ્યુમ ૪૦ ગણું હતું. હાઇડલબર્ગ ૪ પ્લાન્ટ સાથે વાર્ષિક ૧૨૬ લાખ ટન સિમેન્ટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. એ જોતાં વિશ્લેષકો શૅરદીઠ ૪૩૦થી ૪૪૦ના ભાવે ડીલ થવાની ગણતરી મૂકે છે. JSW ગ્રુપ પણ આ કંપની લેવા મેદાનમાં હોવાનું કહેવાય છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૬૫ જેવી છે. કંપનીનું માર્કેટકૅપ હાલ ૫૧૪૮ કરોડ છે. ગઈ કાલે સિમેન્ટ શૅર લગભગ સાર્વત્રિક ઘટાડામાં હતા. ઉદ્યોગના ૪૪માંથી ૩૯ શૅર માઇનસ થયા છે. અદાણીની એસીસી ૩.૪ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૩.૨ ટકા તથા સાંધી ઇન્ડ. અઢી ટકા ડાઉન હતી. અલ્ટ્રાટેક બે ટકા, જેકે સિમેન્ટ ચાર ટકા, દાલમિયા ભારત ૪.૩ ટકા, શ્રી સિમેન્ટ ૨.૭ ટકા, પ્રિઝમ જૉનસન ૭.૪ ટકા, બિરલા કૉર્પ ૩.૩ ટકા, સૌરાષ્ટ્ર સિમેન્ટ ૪.૫ ટકા, મંગલમ ૨.૭ ટકા, સાગર સિમેન્ટ ૨.૨ ટકા બગડ્યા હતા. જેકે લક્ષ્મી પાંખા વૉલ્યુમે ૨.૩ ટકા વધી ૭૯૮ થઈ છે. ગ્રાસિમ સવા ટકો નરમ હતી.
બૅન્કિંગમાં બૂરાઈ, ૪૧માંથી ૩૯ શૅર રેડ ઝોનમાં બંધ
બૅન્કિંગમાં બગાડ વધ્યો છે. ઇન્ટ્રા-ડેમાં ૧૨૦૦ પૉઇન્ટ કરતાં વધુ ખરડાયેલો બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના ઘટાડે ૯૮૩ પૉઇન્ટ કે બે ટકા નજીક ધોવાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅરમાં એકથી પાંચ ટકાની ખરાબી સાથે ૩.૪ ટકા સાફ થયો છે. સમગ્ર બૅન્કિંગ ઉદ્યોગના ૪૧માંથી કેવળ બે શૅર પ્લસ હતા. એયુ બૅન્ક બે ટકા તો IDFC બૅન્ક અડધો ટકો સુધરી હતી. સામે ફેડરલ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, જેકે બેન્ક, CSB બૅન્ક, સેન્ટ્રલ બૅન્ક, આઇઓબી, ફીનો પેમેન્ટ બૅન્ક, ઇસફ બૅન્ક, સૂર્યોદય બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, RBL બૅન્ક, તામિલનાડુ બૅન્ક, પીએનબી, યુનિયન બૅન્ક, યુકો બૅન્ક જેવી જાતો ત્રણથી પાંચ ટકા લથડી હતી. સ્ટેટ બૅન્ક ૩.૪ ટકા, ઇન્ડ્સઇન્ડ અઢી ટકા, HDFC બૅન્ક સવાબે ટકા તો ઍક્સિસ બૅન્ક ૨.૩ ટકા ઘટી છે. કોટક બૅન્ક તથા ICICI બૅન્ક અડધો ટકો નરમ હતી.
ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૫૨માંથી ૧૪૩ શૅરની નરમાઈ છતાં બૅન્કિંગના મુકાબલે ઓછો, ૧.૯ ટકો ડાઉન હતો. એપ્ટસ વૅલ્યુ, નુવામા વેલ્થ, એયુ બૅન્ક, કૅર રેટિંગ, બજાજ ફાઇનૅન્સ, આઇડીએફસી જેવા શૅર અડધાથી ત્રણ ટકા વધતાં અત્રે ઘટાડો સીમિત બન્યો હતો. સામે જિયોજિત ફાઇ અને IIFL સિક્યૉરિટી ૧૦-૧૦ ટકા તો આદિત્ય બિરલા સન લાઇફ, જનરલ ઇન્શ્યૉરન્સ, પેટીએમ, મોનાર્ક નેટવર્થ, ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ, ઇન્ડાંસ્ટાર, પૈસાલો ડિજિટલ, સુમિત સિક્યૉરિટી, ધાની સર્વિસિસ, રેલીગેર, સેન્ટ્રમ કૅપિટલ, દૌલત અલ્ગો, પાવર ફાઇનૅન્સ, હુડકો, એડલવીસ જેવી જાતો આશરે સવાપાંચથી સાડાઆઠ ટકા સાફ થઈ હતી. એલઆઇસી ૪.૨ ટકા ગગડી ૯૩૦ તો બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ ૧૩૫ની વર્સ્ટ બૉટમ બનાવી ૯.૭ ટકા તૂટી ૧૩૬ રહી છે. જિયો ફાઇનૅન્સ સર્વિસિસ પોણો ટકો ઢીલો હતો.
ઇશ્યુની પૂર્વસંધ્યાએ ગરુડા કન્સ્ટ્રક્શનમાં પ્રીમિયમ તૂટ્યું
બીએસઈ લિમિટેડનો શૅર ૪૨૬૦ની સર્વાચ્ચ સપાટી દેખાડી પ્રૉફિટ બુકિંગમાં પોણાપાંચ ટકા કે ૨૮૨ રૂપિયા ખરડાઈ ૩૮૨૬ બંધ થયો છે. MCX પોણા ટકાની પીછેહઠમાં ૫૭૬૪ હતો. NSEનો શૅર અન-લિસ્ટેડ માર્કેટમાં થર્ડ પાર્ટી એટલે કે એક્સ બોનસ ધોરણે ૧૭૭૦-૧૮૦૦ના ભાવે છે. સત્તાવાર રીતે એક શૅરદીઠ ચાર બોનસની રેકૉર્ડ ડેટ બીજી નવેમ્બર છે, પણ અન-લિસ્ટેડ માર્કેટમાં એક્સ બોનસના ભાવ ૩ ઑક્ટોબરથી બોલાવા માંડ્યા છે. આ રેટના ધોરણે NSEનો શૅર કમ બોનસમાં હાલ ૮૯૦૦-૯૦૦૦ રૂપિયાના બેસ્ટ લેવલે પહોંચી ગયો હોવાનું કહી શકાય.
SME સેગમેન્ટમાં સુબમ પેપર્સ અને પેરામાઉન્ટ ડાઇનું લિસ્ટિંગ આજે, મંગળવારે થશે. સુબમમાં ૨૪ તથા પેરામાઉન્ટમાં પાંચનું પ્રીમિયમ છે. શિવ ટેક્સ કેમ ૧૦ના શૅરદીઠ ૧૬૬ની અપર બૅન્ડમાં ૧૦૧ કરોડનો BSE SME ઇશ્યુ આજે કરવાની છે. ગ્રે માર્કેટમાં ૪૦નું પ્રીમિયમ ચાલે છે. મેઇન બોર્ડમાં મુંબઈના બાંદરા-ઈસ્ટની ગરુડા કન્સ્ટ્રક્શન પાંચના શૅરદીઠ ૯૫ની અપર બૅન્ડમાં ૨૬૪ કરોડનો ઇશ્યુ મંગળવારે કરશે. કંપનીની કામગીરીમાં ખાસ દમ નથી. મૂળ યોજના જુલાઈ ૨૦૨૩માં ૩૭૯ કરોડનો આઇપીઓ કરવાની હતી જે પડતી મૂકવી પડી હતી. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ બાવીસથી ઘટી હાલમાં ૧૦ રૂપિયા બોલાય છે.
રિલાયન્સ નવરાત્રિમાં ઝૂમવાને બદલે ઝૂલવા માંડ્યો
રિલાયન્સને હમણાં-હમણાંથી નોરતાં માફક નથી આવતાં. નવરાત્રિ ટાંકણે શૅર ઝૂમવાના બદલે ઝૂલવા માંડે છે. શૅર સતત પાંચમા દિવસે ઘટી સવા ટકાની નરમાઈમાં ૨૭૪૧ બંધ આવ્યો છે. પાંચ દિવસ પૂર્વે ભાવ ૩૦૪૭ હતો અને ત્રણેક માસ પૂર્વે, ૮ જુલાઈએ અહીં ૩૨૧૮ની ઑલટાઇમ હાઈ બની હતી. ગત નવરાત્રિની જેમ હાલમાં પણ આ શૅર એની ૨૦૦ દિવસની ડેઇલી મૂવિંગ ઍવરેજ કરતાં-કરતાં સારો એવો નીચે આવી ગયો છે. મોટા ભાગનાં બ્રોકરેજ હાઉસ બુલિશ વ્યુ સાથે લેવાની ભલામણ કરી રહ્યાં છે એ વાત જુદી છે. દરમ્યાન કંપનીએ એના પાર્ટ પેઇડ અપ શૅરના ધારકો માટે બોનસની પાત્રતા માટે આ શૅરને ફુલ્લી પેઇડ અપ શૅરમાં કન્વર્ટ કરાવવા માટેની આખરી તારીખ ૭ ઑક્ટોબર જાહેર કરી હતી એ જોતાં શૅરદીઠ એક બોનસ માટેની રેકૉર્ડ ડેટની વિધિવત જાહેરાત ટૂંકમાં અપેક્ષિત છે.
પાવરમેક પ્રોજેક્ટ્સમાં શૅરદીઠ અને બોનસની રેકૉર્ડ ડેટ ૮ ઑક્ટોબર છે. શૅર ગઈ કાલે નજીવો સુધરી ૬૨૪૮ બંધ હતો. જિંદાલ સો બેના શૅરના એકમાં વિભાજનમાં એક્સ સ્પ્લિટની પૂર્વસંધ્યાએ પોણાત્રણ ટકા ઘટી ૭૦૬ રહ્યો છે. જિયોજિત ફાઇનૅન્સ સર્વિસિસ ૬ શૅરદીઠ એકના પ્રમાણમાં એકના શૅરદીઠ ૫૦ના ભાવે એક્સ રાઇટ થતા ૧૦ ટકાની મંદીની સર્કિટમાં ૧૩૪ બતાવી ત્યાં જ બંધ હતો.
અગરવાલની તુમાખી ઓલા ઇલેક્ટ્રિકને ભારે પડી
સ્ટૅન્ડ અપ કૉમેડિયન કુણાલ કામરાના આક્રોશનો ભોગ બનેલી ઓલા ઇલેક્ટ્રિક સામે સોશ્યલ મીડિયામાં વિરોધ વ્યાપક બનતાં શૅર ગઈ કાલે ભારે વૉલ્યુમ સાથે ૯૦ની અંદર જઈ ૮.૩ ટકા તૂટી ૯૧ બંધ થયો છે. આ સતત ત્રીજા દિવસનો ઘટાડો છે. કંપનીના CEO ભાવિશ અગરવાલે બુદ્ધિનું દેવાળું કાઢ્યું લાગે છે. મામલો કુનેહથી હલ કરવાના બદલે તુમાખી ભર્યો વાણીવિલાસ આ માણસ કરી રહ્યો છે. ગયા મહિને સતત બીજી વખત કંપનીનું વેચાણ ઘટ્યું છે. માર્કેટ શૅર જે એપ્રિલમાં ૫૦ ટકા હતો એ સતત પાંચમા મહિને ગગડી ૨૭ ટકા થઈ ગયો છે.
દરમ્યાન ગઈ કાલે ઑટો ઇન્ડેકસ ૧૭માંથી ૧૪ શૅરના ઘટાડામાં ૦.૪ ટકા નરમ હતો. હીરો મોટોકૉર્પ, મારુતિ, ટીવીએસ મોટર, બજાજ ઑટો, અશોક લેલૅન્ડ બે ટકા સુધી ડાઉન હતા. એક્સાઇડ ઇન્ડ. સર્વાધિક ૪.૩ ટકા ડૂલ થઈ છે. ટૂ-થ્રી વ્હીલર્સ સેગમેન્ટના તમામ ૭ શૅર ઘટ્યા છે. વર્ડવાઇઝ ઇનોવેશન ૪.૩ ટકા અને ઇરાયા લાઇફ સ્પેસ પાંચ ટકા તૂટ્યા હતા. ઑટો એન્સિલિયરી સેક્ટરમાં ૧૨૯માંથી માત્ર ૧૦ શૅર સુધર્યા હતા. અત્રે ડઝન જાતો પાંચથી દસ ટકા ગગડી છે. સેમકર્ગ પિસ્ટન ૧૦.૨ ટકા લથડ્યો હતો. ટ્રૅક્ટર કંપની ઍર-કોર્ટ ૪.૨ ટકા તો વીએસટી ટીલર્સ ૩.૫ ટકા ડૂલ થઈ છે. અપોલો, બાલક્રિશન, MRF, ગુડયર, સિયેટ, ટીવીએસ શ્રીચક્ર, જેકે જેવા ટાયર શૅર સવાથી સવાચાર ટકા ડાઉન થયા હતા.