26 December, 2022 04:23 PM IST | Mumbai | Mayur Mehta
પ્રતીકાત્મક તસવીર
નરેન્દ્ર મોદીની સરકારે ૨૦૧૪માં સત્તાનાં સૂત્રો સંભાળ્યા ત્યારથી દેશને ખાદ્ય તેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર કરવાની છાશવારે વાતો થતી આવે છે. ૨૦૧૪માં ભારત એની જરૂરિયાતની ૭૦ ટકા કરતાં વધુ ખાદ્ય તેલોની આયાત કરતું હતું અને ૨૦૨૨માં પણ ભારતે એની જરૂરિયાતની ૭૦ ટકા કરતાં વધુ ખાદ્ય તેલોની આયાત કરી હતી. ખાદ્ય તેલોના ઉત્પાદન ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવાની મોટી-મોટી જાહેરાતો થઈ છે, પણ પરિણામ શૂન્ય છે.
૨૦૧૮માં સરકારે ઉપરાઉપરી આઠ વખત આયાતી પામતેલ અને સોયાતેલની આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો, પણ ૨૦૨૧માં ખાદ્ય તેલોના ભાવ વધતાં ૨૦૧૮માં ખાદ્ય તેલોની આયાત ડ્યુટીમાં જેટલો ઘટાડો કર્યો હતો એ તમામ વધારી દેવામાં આવ્યો હતો.
ખાદ્ય તેલોનું ઉત્પાદન આયાત-જરૂરિયાત
દેશની ખાદ્ય તેલોની વાર્ષિક જરૂરિયાત ૨૨૦થી ૨૨૫ લાખ ટનની છે અને છેલ્લાં બે વર્ષથી ભારત ૧૪૫થી ૧૫૦ લાખ ટન ખાદ્ય તેલોની આયાત કરી રહ્યું છે, જેમાં સૌથી વધુ મલેશિયા અને ઇન્ડોનેશિયાથી પામતેલની આયાત થઈ રહી છે. હાલ ૧૪૫થી ૧૫૦ લાખ ટનની આયાતમાં ભારત મલેશિયા-ઇન્ડોનેશિયાથી ૯૦થી ૯૫ લાખ ટન પામતેલ, બ્રાઝિલ-આર્જેન્ટિનાથી ૩૫ લાખ ટન સોયાતેલ અને રશિયા-યુક્રેનથી ૨૫ લાખ ટન સૂર્યમુખીતેલની આયાત કરી રહ્યું છે. છુટુંછવાયું રાયડાતેલ કૅનેડા અને યુરોપિયન દેશોમાં પણ આયાત થઈ રહ્યું છે. ખાદ્ય તેલોના ભાવ વધતાં ગયા વર્ષે ખાદ્ય તેલોનું આયાત બિલ ૧.૫૩ લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું હતું, જે ત્રણ વર્ષ અગાઉ ૭૦થી ૧ લાખ કરોડ રૂપિયાની રેન્જમાં લાંબો સમય રહ્યું હતું.
તાજેતરમાં ફરી ભારતને ખાદ્ય તેલોના ઉત્પાદન બાબતે આત્મનિર્ભર બનાવવા ચર્ચા શરૂ થઈ છે, પણ આવી ચર્ચા અગાઉ ઘણી વખત થઈ ચૂકી છે. ૧૯૮૯થી સરકારના દર વર્ષના બજેટમાં તેલીબિયાં અને કઠોળનું ઉત્પાદન વધારવા નાણાંની ફાળવણી થતી આવી છે, પણ આ પ્રકારની નાણાં ફાળવણીનું કોઈ પરિણામ મળ્યું નથી.
આત્મનિર્ભરતા બાબતે સૂચનો
ભારત જો તેલીબિયાં મિશનને અપનાવે તો ખાદ્ય તેલની આયાત નિર્ભરતામાં વર્ષ ૨૦૨૯-’૩૦ સુધીમાં ૩૮થી ૪૦ ટકા સુધીનો ઘટાડો થાય એવી સંભાવના રહેલી છે, એમ ઇન્ડિયન વેજિટેબલ ઑઇલ પ્રોડ્યુસર્સ અસોસિએશનના પ્રમુખે એક નિવેદનમાં જણાવ્યું હતું.
ખાદ્ય તેલ વિશેની એક કૉન્ફરન્સમાં બોલતાં અસોસિએશનના પ્રમુખ સુધાકર દેસાઈએ જણાવ્યું હતું કે ભારતની આયાત નિર્ભરતા હાલમાં ૬૦થી ૬૫ ટકા છે, જે ઘટાડીને ૩૮થી ૪૦ ટકા સુધી લઈ જઈ શકાય છે. દેશમાં તેલીબિયાં પાકોનું ઉત્પાદન હાલમાં ૮૯ લાખ ટન થશે જેને તેલીબિયાં મિશન અપનાવીને ૨૦૩૦ સુધીમાં ૨૦૯ લાખ ટન સુધી પહોંચાડી શકાય એમ છે.
દેશમાં રાયડો અને મગફળીના વાવેતર વિસ્તારમાં વધારો કરી શકાય એમ છે. રાયડાનો વાવેતર વિસ્તાર હાલમાં ૯૦ લાખ હેક્ટર જેવો છે, જેને ૧૫૦ લાખ હેક્ટર સુધી વિસ્તારી શકાય એમ છે અને જો આવું થાય તો રાયડાનું ઉત્પાદન ૨૨૫ લાખ ટન અને રાયડા તેલનું ઉત્પાદન ૯૦ લાખ ટન સુધી વધારી શકાય એમ છે.
મગફળીનું વાવેતર પણ હાલમાં ૫૧ લાખ હેક્ટરથી વધારીને ૬૧ લાખ હેક્ટર સુધી પહોંચાડી શકાય એમ છે અને ઉત્પાદન ૧૧૦ લાખ ટન અને સીંગતેલનું ઉત્પાદન ૪૫ લાખ ટન સુધી વધારી શકાય એમ છે. હાલમાં સીંગતેલનું ઉત્પાદન માત્ર ૭૦,૦૦૦ ટન જેટલું જ છે.
દેશનો ખાદ્ય તેલનો વપરાશ ૨૧૭ લાખ ટનથી વધીને ૨૦૩૦માં ૩૩૮ લાખ ટન સુધી પહોંચી શકે છે અને સ્થાનિક ઉત્પાદન ૮૯ લાખ ટનથી વધીને ૨૦૯ લાખ ટન સુધી પહોંચે તો આયાત નિર્ભરતા ઘટાડવામાં મોટી મદદ મળી શકે એમ છે.
સુધાકર દેસાઈએ જીએમ રાયડા સહિતના બીજા તેલીબિયાં પાકોને પણ અપનાવવાની તરફેણ કરી હતી અને જીએમથી જ ભારતની આયાત નિર્ભરતામાં ઘટાડો કરી શકાય એમ છે.
આત્મનિર્ભરતા હાંસલ કરવામાં શા માટે નિષ્ફળતા?
અગાઉની કૉન્ગ્રેસ સરકાર અને ૨૦૧૪માં સત્તારૂઢ થયેલી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા આટલાં વર્ષોથી ખાદ્ય તેલોના ઉત્પાદન બાબતે આત્મનિર્ભરતા હાંસલ કરવા પ્રયત્નો થઈ રહ્યા છે, જેમાં અત્યાર સુધી શા માટે નિષ્ફળતા મળી રહી છે? એ પ્રશ્ન બધાને સતાવી રહ્યો છે.
સૌથી મોટું કારણ ભારતમાં તેલીબિયાંની ઉત્પાદકતા એકદમ નીચી હોવાથી અન્ય દેશોથી આયાત થતાં ખાદ્ય તેલો એકદમ સસ્તાં છે. મલેશિયા અને ઇન્ડોનેશિયામાં પ્રતિ હેક્ટરમાં પામતેલનું ઉત્પાદન ૫૦૦૦થી ૬૦૦૦ કિલો થઈ રહ્યું છે એની સામે ભારતમાં પ્રતિ હેક્ટર સીંગતેલ ૫૦૦થી ૬૦૦ કિલો, રાયડાતેલ પણ ૫૦૦થી ૬૦૦ કિલો મળી રહ્યું છે. મગફળી, સોયાબીન, રાયડો વગેરે તેલીબિયાંની ઉત્પાદકતા પ્રતિ હેક્ટર વિશ્વની સરેરાશ કરતાં માત્ર ૪૦ ટકા જ હોવાથી અહીં તેલીબિયાંની ખેતી મોંઘી છે. આથી જ તેલીબિયાં ઉગાડતા ખેડૂતોને છેલ્લાં ૨૦થી ૨૫ વર્ષથી તેલીબિયાંના ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. આથી તેલીબિયાં ઉગાડતા ખેડૂતો અન્ય પાકોની ખેતી તરફ સતત જઈ રહ્યા છે અને ભારતમાં તેલીબિયાંનું ઉત્પાદન સતત ઘટી રહ્યું છે.
ભારતમાં મગફળીમાંથી ૫૦ ટકા અને રાયડામાંથી ૪૨ ટકા તેલ મળી રહ્યું છે. સોયાબીનમાંથી માત્ર ૧૯ ટકા જ તેલ મળી રહ્યું છે. સરકાર દ્વારા મગફળી અને રાયડાનો વાવેતર વિસ્તાર વધારવા યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધરવામાં આવે તો ચાર-પાંચ વર્ષમાં ખાદ્ય તેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા નજીક પહોંચી શકાય છે, પણ આ દિશામાં માત્ર વાતો જ થાય છે, કોઈ ઠોસ કદમ ઉઠાવવામાં આવ્યા નથી.
આત્મનિર્ભરતાના અભાવનું નુકસાન
અંગ્રેજો ભારત છોડીને ગયાને ૭૫ વર્ષ થયાં, પણ ખાદ્ય તેલોના ઉત્પાદનમાં ભારત અન્ય દેશોનું ગુલામ હોવાથી વિદેશમાં જ્યારે પણ કોઈ કારણસર ખાદ્ય તેલોના ભાવ વધે અથવા જે દેશોમાંથી ખાદ્ય તેલોની આયાત કરીએ છીએ એ ભારતનું નાક દબાવવા નિકાસ પર પ્રતિબંધ મૂકે ત્યારે ભારતીય પ્રજાને ખાદ્ય તેલોના ઊંચા ભાવ ચૂકવવા પડે છે. અહીં ઉલ્લેખ કર્યો એ રીતે ઇન્ડોનેશિયાએ માત્ર ત્રણ સપ્તાહ પામતેલની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો ત્યારે ભારતીય પ્રજાને ખાદ્ય તેલોના ડબલ ભાવ ચૂકવવા પડ્યા હતા.
નરેન્દ્ર મોદી સરકારે બે વર્ષ અગાઉ પામતેલનું ઉત્પાદન વધારવા પામની ખેતીને પ્રોત્સાહન આપવા ૧૧,૪૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી, પણ પામના ઝાડનું વાવેતર કર્યા બાદ એમાં પાંચ વર્ષે ફ્રૂટ આવે છે, ત્યાર બાદ અહીં ઉત્પાદન મળી શકે છે. આવાં પગલાં લેવાથી બહુ લાંબા ગાળે પરિણામ મળતું હોવાથી કોઈ ટૂંકા ગાળાના પ્રયાસ કરવાની જરૂર છે.
જો ખાદ્ય તેલોના ઉત્પાદન બાબતે આત્મનિર્ભરતા હાંસલ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભારતીય પ્રજાને મોંઘાં ખાદ્ય તેલો ખાવા તૈયાર રહેવું પડશે.