04 December, 2024 08:18 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ક્રિપ્ટોકરન્સીમાં નવેમ્બર મહિનાનું વૉલ્યુમ ત્રણ વર્ષની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયું હોવાનું ક્રિપ્ટો માર્કેટ ટ્રેકર ન્યુ હેજ દ્વારા પ્રકાશિત આંકડાઓમાં જણાવવામાં આવ્યું છે. એ મુજબ નવેમ્બરમાં સ્પૉટ ક્રિપ્ટો એક્સચેન્જ પરનું વૉલ્યુમ ૨.૯ ટ્રિલ્યન ડૉલરને આંબી ગયું હતું જે મે ૨૦૨૧ પછીનું સૌથી વધુ પ્રમાણ હતું. આ વલણ આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં ટકી રહેવાની ધારણા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. ન્યુ હેજના પ્રવક્તાનું કહેવું છે કે અમેરિકામાં ડોનલ્ડ ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીમાં જીતી ગયા એની અસર તળે બજારમાં વૉલ્યુમ વધ્યું છે, કારણ કે ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સીની તરફેણ કરનારા મનાય છે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે પ્રૉફિટ-બુકિંગની અસર તળે ઘટાડો નોંધાયો છે. બિટકૉઇનમાં ૨.૦૮ ટકાના ઘટાડા સાથે ભાવ ૯૪,૪૬૩ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૨.૬૮ ટકા, એક્સઆરપીમાં ૪.૭૩ ટકા, સોલાનામાં ૩.૬૫ ટકા, ડોઝકૉઇનમાં ૬.૦૨ ટકા અને શિબા ઇનુમાં ૬.૬૬ ટકા ઘટાડો થયો હતો.