વેબથ્રી ક્ષેત્રે ફિશિંગ કૌભાંડોનું જોર : એકલા સપ્ટેમ્બરમાં ૪૬ મિલ્યન ડૉલરની છેતરપિંડી થઈ

05 October, 2024 08:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કુલ કિસ્સાઓમાંથી બે મોટા કિસ્સામાં ૮૭ મિલ્યન ડૉલરનું નુકસાન થયું હતું

પ્રતીકાત્મક તસવીર

વેબથ્રી ક્ષેત્રે કૌભાંડો અટકાવવા માટે કાર્યરત મંચ–સ્કૅમ સ્નિફરે જણાવ્યા મુજબ વર્તમાન કૅલેન્ડર વર્ષના ત્રીજા ક્વૉર્ટરમાં ક્રિપ્ટોકરન્સી ફિશિંગના કિસ્સાઓમાં એકંદરે ૧૨૭ મિલ્યન ડૉલરનું નુકસાન થયું છે. એમાંથી એકલા સપ્ટેમ્બર મહિનામાં ૪૬ મિલ્યન ડૉલરનું ફિશિંગ થયું હતું. કુલ કિસ્સાઓમાંથી બે મોટા કિસ્સામાં ૮૭ મિલ્યન ડૉલરનું નુકસાન થયું હતું. સપ્ટેમ્બરમાં આશરે ૧૦,૦૦૦ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હતી. ત્રીજા ક્વૉર્ટરમાં ફિશિંગનો ભોગ બનેલાઓની સંખ્યા દર મહિને આશરે ૧૦,૦૦૦ની રહી છે. એમાંથી એક પ્રકરણમાં એક જ વ્યક્તિએ અજાણતા જ પરમિટ સિગ્નેચર કરી દેતાં તેને ૩૨ મિલ્યન ડૉલરનું નુકસાન થયું હતું.

દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે સુધારાનું વલણ જોવા મળ્યું હતું. બિટકૉઇનમાં ૧.૪ ટકાનો સુધારો થતાં ભાવ ૬૧,૪૫૮ ડૉલર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં ૧.૩૨ ટકા, બાઇનૅન્સમાં ૧.૯ ટકા, સોલાનામાં ૧.૦૬ ટકા, ડોઝકૉઇનમાં ૨.૪૮ ટકા, ટ્રોનમાં ૨.૧૪ ટકા, કાર્ડાનોમાં ૪.૦૭ ટકા તથા શિબા ઇનુમાં ૩.૯૪ ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. 

business news crypto currency bitcoin