ક્રૂડ તેલમાં ફરી ઊભરતી તેજી : પેટ્રોલ અને ડીઝલ ફરી મોંઘાં થવાનું કાઉન્ટડાઉન શરૂ

29 January, 2024 07:34 AM IST  |  Mumbai | Mayur Mehta

ભારતની ફ્યુઅલની કુલ જરૂરિયાતનું ૮૩ ટકા ફ્યુઅલ આયાત થતું હોવાથી ક્રૂડની તેજીની સીધી અસર થશે : લાલ સમુદ્રમાં વધતું ટેન્શન અને અમેરિકામાં સ્ટૉક ઘટતાં ક્રૂડ તેલમાં ફરી તેજીનો લાંબો દોર શરૂ થઈ ગયો છે

પ્રતીકાત્મક તસવીર

ક્રૂડ તેલમાં ફરી તેજી જોવા મળી રહી છે. છેલ્લા એક સપ્તાહમાં ક્રૂડ તેલ અને બ્રેન્ટના ભાવમાં છ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. ભારતની કુલ જરૂરિયાતનું ૮૩ ટકા ફ્યુઅલ ક્રૂડ તેલ મારફત આયાત થતું હોવાથી વૈશ્વિક ક્રૂડ તેલના ભાવમાં જ્યારે પણ તેજી જોવા મળે છે ત્યારે અહીં એની અસર જોવા મળે છે. અગાઉ પેટ્રોલિયમ રિફાઇનરી કંપનીઓને પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગમે ત્યારે વધારો કરવાની છૂટ નહોતી, પણ ઉદારીકરણનો દોર શરૂ થયા બાદ વૈશ્વિક ક્રૂડ તેલની તેજી-મંદી સાથે પેટ્રોલિયમ કંપનીઓ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ગમે ત્યારે અને ગમે એટલો વધારો કરી શકે છે. પેટ્રોલના ભાવ અગાઉ લિટરના ૧૦૦ રૂપિયા થતા ત્યારે ગ્રાહકોમાં હાહાકાર મચી જતો હતો, પણ હવે તો લાંબા સમયથી પેટ્રોલના ભાવ લિટરના ૧૦૦ રૂપિયા ઉપર ચાલી રહ્યા છે. ભારતને રશિયા દ્વારા સસ્તું ક્રૂડ તેલ મળી રહ્યું હોવાથી હજી વૈશ્વિક તેજીની બહુ અસર જોવા મળી નથી, પણ હવે ક્રૂડ તેલના ભાવ ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી જતાં અને લાલ સમુદ્રમાં ટેન્શન વધી રહ્યું હોવાથી આગામી દિવસોમાં પણ ક્રૂડ તેલના ભાવ વધી શકે છે. ભારતમાં વાહનોમાં ફ્યુઅલ તરીકે પેટ્રોલ અને ડીઝલનો વપરાશ થાય છે. ડીઝલનો વપરાશ વાહનો ઉપરાંત ખેતીમાં અને અનેક મશીનો ચલાવવામાં પણ થાય છે. ભારત ક્રૂડ તેલની આયાત કરે છે અને અહીં રિફાઇનરીઓમાં ક્રૂડ તેલમાંથી પેટ્રોલ-ડીઝલ, પેટકૉક અને અન્ય કાર્બનિક પદાર્થો બનાવવામાં આવે છે. 

ક્રૂડ તેલમાં તેજીની એકધારી આગેકૂચ
ક્રૂડ તેલની બજારમાં બજેટ પહેલાં ઝડપી તેજી આવી છે અને વૈશ્વિક બજારમાં સળંગ બીજા સપ્તાહમાં ક્રૂડ તેલના ભાવમાં વધારો થયો હતો અને શુક્રવારે લગભગ બે મહિનામાં તેમની સર્વોચ્ચ સપાટીએ ભાવ પહોંચ્યા હતા, કારણ કે સકારાત્મક અમેરિકન આર્થિક વૃદ્ધિ અને ચીની ઉત્તેજનાના સંકેતોએ માગની અપેક્ષાઓને વેગ આપ્યો હતો, જ્યારે મધ્ય પૂર્વના પુરવઠાની ચિંતાઓએ સમર્થન ઉમેર્યું હતું.

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧.૧૨ ડૉલર અથવા તો ૧.૪૦ ટકા વધીને ૮૩.૫૫ ડૉલર પ્રતિ બૅરલની સપાટી પર બંધ રહ્યા હતા, જે ૩૦મી નવેમ્બર બાદના સૌથી ઊંચા ભાવ હતા. વેસ્ટ ટેક્સસ ઇન્ટરમીડિયેટ ક્રૂડ (ડબ્લ્યુટીઆઇ) ૬૫ સેન્ટ અથવા ૦.૮ ટકા વધીને ૭૮.૦૧ પર પહોંચ્યું, જે નવેમ્બર પછીનો સૌથી ઊંચો ભાવ હતો. ગાઝામાં ઇઝરાયલ-હમાસ સંઘર્ષની શરૂઆત પછી ૧૩ ઑક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ પછીનો તેમનો સૌથી મોટો સાપ્તાહિક વધારો દર્શાવે છે, બન્ને બેન્ચમાર્ક્સે છ ટકા કરતાં વધુ સાપ્તાહિક સુધારો નોંધાવ્યો છે. ચીન તરફથી આર્થિક ઉત્તેજના અને અમેરિકામાં અપેક્ષા કરતાં વધુ મજબૂત ચોથા ક્વૉર્ટરની જીડીપી વૃદ્ધિ, અમેરિકન ફુગાવાના ડેટાને ઠંડક, ચાલુ ભૌગોલિક રાજકીય જોખમો અને છેલ્લા સપ્તાહમાં યુએસ કમર્શિયલ ક્રૂડ સ્ટૉકમાં અપેક્ષિત કરતાં ૯૨ લાખ-બૅરલનો મોટો ઘટાડો થતાં ક્રૂડ ઝડપથી વધ્યું હતું. હુથી સૈન્ય પ્રવક્તાએ જણાવ્યું હતું કે નૌકાદળોએ એડનના અખાતમાં એક ઑઇલ ટૅન્કરને નિશાન બનાવીને ઑપરેશન હાથ ધર્યું હતું, જેને કારણે આગ ફાટી નીકળી હતી અને પુરવઠામાં વિક્ષેપની ચિંતામાં વધારો થયો હતો.

અમેરિકામાં ક્રૂડ તેલનાં ભંડારોમાં ઘટાડો
આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકામાં ક્રૂડના ભંડારમાં અપેક્ષિત કરતાં વધુ ઘટાડાને કારણે તેલમાં પણ વધારો થયો હતો. ઇન્વેન્ટરીઝમાં ઘટાડો, ખાસ કરીને ઓક્લાહોમામાં કુશિંગ ખાતેના ડબ્લ્યુટીઆઇ ડિલિવરી પૉઇન્ટની આસપાસ અને સમગ્ર મિડવેસ્ટમાં, નજીકના વાયદાના ભાવો પર સ્ક્વિઝ સર્જી શકે છે. અમેરિકાનો ક્રૂડ તેલ સ્ટૉક ૧૯મી જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૯૨.૩૩ લાખ બૅરલ ઘટ્યો હોવાનો રિપોર્ટ અમેરિકન એનર્જી ઇન્ફર્મેશન ઍડ્‍‍મિનિસ્ટ્રેશને આપ્યો હતો. માર્કેટની ધારણા ૨૧.૫ લાખ બૅરલ ઘટાડાની હતી. ક્રૂડ તેલનો સ્ટૉકનો ઘટાડો છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો હતો. અમેરિકન પેટ્રોલિયમ ઇ​​ન્સ્ટિટ્યૂટે આપેલા રિપોર્ટમાં પણ ક્રૂડ તેલનો સ્ટૉક ૬૬.૭૪ લાખ બૅરલ ઘટ્યો હતો. આમ બન્ને રિપોર્ટમાં અમેરિકાનો ક્રૂડ તેલ સ્ટૉક મોટે પાયે ઘટ્યો છે. અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર અમેરિકાના ક્રૂડ તેલ સ્ટૉકમાં  છેલ્લાં ત્રણ સપ્તાહનો સૌથી મોટો ઘટાડો થયો હતો. ગૅસોલીનનો સ્ટૉક ૪૯.૧૩ લાખ બૅરલ વધ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૨૩ લાખ બૅરલ વધવાની હતી અને ડીઝલ-હીટિંગ ઑઇલનો સ્ટૉક ૧૪.૧૭ લાખ બૅરલ ઘટ્યો હતો જેના વિશે માર્કેટની ધારણા ૩.૪૮ લાખ બૅરલ વધવાની હતી.

બ્રેન્ટ ફ્યુચર્સના માળખામાં પુરવઠાની ચિંતા સ્પષ્ટ છે. બ્રેન્ટ અને ડબ્લ્યુટીઆઇ બન્ને પર છઠ્ઠાથી પ્રથમ મહિનાના કૉન્ટ્રૅક્ટનું પ્રીમિયમ નવેમ્બર પછી સૌથી વધુ વધી ગયું છે, જે તંગ સપ્લાયની ધારણા દર્શાવે છે. દક્ષિણ રશિયામાં નિકાસલક્ષી ઑઇલ રિફાઇનરી પર યુક્રેનિયન ડ્રોન હુમલા પછી સંભવિત બળતણ-પુરવઠામાં વિક્ષેપ પણ ભાવને ટેકો આપે છે. માગની બાજુએ, અમેરિકાએ વિશ્વના સૌથી મોટા તેલ ઉપભોક્તા, ચોથા ક્વૉર્ટરમાં અપેક્ષા કરતાં વધુ ઝડપી આર્થિક વૃદ્ધિ નોંધાવી છે. વૃદ્ધિને વેગ આપવા માટે ચીનનાં નવીનતમ પગલાં દ્વારા આ અઠવાડિયે સેન્ટિમેન્ટમાં પણ વધારો થયો હતો. જોકે વેપારીઓ માને છે કે યુએસ સેન્ટ્રલ બૅન્ક ક્રૂડ વાયદા પર તેજીને ધ્યાનમાં રાખીને માર્ચને બદલે મે મહિનામાં વ્યાજદર ઘટાડાનો રાઉન્ડ શરૂ કરે એવી શક્યતા વધુ છે.

ઓપેકની ઉત્પાદન ઘટાડવાની હિલચાલ
ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) તેમ જ રશિયા દ્વારા ઓપેક પ્લસ નામનું એક સંગઠન કાર્યરત છે. ઓપેકની આગેવાની સાઉદી અરેબિયાએ લીધી છે. ઓપેક દેશોમાં સાઉદી અરેબિયા, ઈરાન, ઇરાક, કુવૈત, લિબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, કતાર, અલ્જિરિયા, નાઇઝિરિયા કૉન્ગો, વેનેઝુએલા, ગેબનન અને ઇ​ક્વિડોર વગેરે દેશો છે. બ્રાઝિલ આગામી વર્ષે ઓપેક સંગઠનમાં જોડાશે. ઓપેકે ૨૦૨૩ના મધ્યમાં ક્રૂડ તેલના ઉત્પાદનમાં ડિસેમ્બર સુધી ઉત્પાદનકાપ મૂકવાની જાહેરાત કરી હતી, પણ ત્યાર બાદ તાજેતરમાં આ ઉત્પાદનકાપને માર્ચ મહિના સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. સાઉદી અરેબિયા અને રશિયા બન્ને દેશો ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકીને ક્રૂડ તેલના ભાવ નીચા ન જાય એ માટે સતત પ્રયત્નશીલ છે. અમેરિકામાં ક્રૂડ તેલનું ઉત્પાદન કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે એના કારણે ક્રૂડ તેલના ભાવ એકદમ નીચા ન જાય એ માટે ઓપેક-સભ્યો હમેશા પ્રયત્નશીલ રહે છે. છેલ્લાં બેથી ત્રણ વર્ષથી આર્થિક મંદીને કારણે વિકસિત દેશો અમેરિકા, ચીન, યુરોપિયન દેશોનો ક્રૂડ તેલ-વપરાશ ઘટશે એવી ધારણાને પગલે એના ભાવ દબાયેલા હતા, પણ છેલ્લા એક સપ્તાહમાં અમેરિકાના તમામ ઇકૉનૉમિક ડેટા ધારણા કરતાં વધુ સ્ટ્રૉન્ગ આવ્યા છે. ઉપરાંત ચીનની સેન્ટ્રલ બૅન્કે વ્યાજદરમાં ઘટાડો કરતાં અમેરિકા અને ચીનનો ક્રૂડ તેલ વપરાશ આગામી દિવસોમાં વધવાની ધારણા છે. અમેરિકા અને ચીન બન્ને વિશ્વના સૌથી મોટા ક્રૂડ તેલ વપરાશકાર છે. ભારત સૌથી વધુ ઝડપી વિકાસ પામતી ઇકૉનૉમી બની રહી હોવાથી ભારતની ક્રૂડ તેલ-આયાત પણ આગામી દિવસોમાં વધવાની ધારણાને કારણે એમાં તેજી થઈ રહી છે. વિશ્વની અનેક નામી બૅ​ન્કિંગ કંપનીઓએ બ્રેન્ટના ભાવ ૧૦૦ ડૉલરની સપાટીને પાર કરશે એવી આગાહી કરી છે. 

business news share market stock market sensex nifty oil prices indian oil corporation