દેશની નિકાસ સતત ત્રીજા મહિને ઘટી

16 March, 2023 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વેપાર ખાધ વર્ષના તળિયે : નિકાસમાં ૮.૮ ટકાનો ઘટાડો, જ્યારે આયાતમાં ૮.૨૧ ટકાનો ઘટાડો થયો

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

વૈશ્વિક માગમાં મંદીને કારણે દેશની નિકાસમાં સતત ત્રીજા મહિને ઘટાડો થયો છે. ફેબ્રુઆરીમાં ભારતની નિકાસ ૮.૮ ટકા ઘટીને ૩૩.૮૮ અબજ ડૉલરની થઈ હતી એમ છતાં આ મહિના દરમ્યાન વેપાર ખાધ ૧૭.૪૩ અબજ ડૉલરની લગભગ એક વર્ષની નીચી સપાટીએ પહોંચી હતી એમ અધિકારીએ જણાવ્યું હતું. 

ફેબ્રુઆરીમાં આયાત પણ ૮.૨૧ ટકા ઘટીને ૫૧.૩૧ અબજ ડૉલર થઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં ૫૫.૯૦ અબજ ડૉલર નોંધાઈ હતી.

જોકે ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ફેબ્રુઆરી દરમ્યાન સંયુક્ત રીતે દેશની એકંદર વેપારી નિકાસ ૭.૫ ટકા વધીને ૪૦૫.૯૪ અબજ ડૉલર થઈ છે. આ સમયગાળા  દરમ્યાન આયાત ૧૮.૮૨ ટકા વધીને ૬૫૩.૪૭ અબજ ડૉલરની થઈ છે. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-ફેબ્રુઆરી માટે મર્ચેન્ડાઇઝ વેપાર ખાધ ૨૪૭.૫૩ અબજ ડૉલરની હતી.

ડિસેમ્બર ૨૦૨૨માં દેશની નિકાસ ૬.૫૮ ટકા ઘટીને ૩૧.૯૨ અબજ ડૉલર થઈ હતી. ફેબ્રુઆરી ૨૦૨૨માં વેપાર ખાધ ૧૮.૭૫ અબજ ડૉલરની હતી. વેપાર ખાધ છેલ્લે જાન્યુઆરી ૨૦૨૨માં ૧૭.૪૩ અબજ ડૉલરને સ્પર્શી ગઈ હતી. 

વાણિજ્ય સચિવ સુનીલ બર્થવાલે જણાવ્યું હતું કે વલણને ધ્યાનમાં રાખીને ભારતની માલસામાન અને સેવાઓની નિકાસ ૨૦૨૨-૨૩માં ૭૫૦ અબજ ડૉલરને વટાવી જાય એવી ધારણા છે.

business news commodity market