17 January, 2023 04:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયાએ ચાલુ સીઝન માટે રૂના પાકના ઉત્પાદનનો અંદાજ ૯.૨૫ લાખ ગાંસડી ઘટાડીને ૩૩૦.૫૦ લાખ ગાંસડી કર્યો છે, કારણ કે મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને કર્ણાટકમાં ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે. અસોસિએશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લી સીઝનમાં રૂનું કુલ ઉત્પાદન ૩૦૭.૦૫ લાખ ગાંસડી થયું હોવાનો અંદાજ છે. પહેલી ઑક્ટોબરથી શરૂ થયેલી વર્તમાન સીઝનમાં રૂના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશમાં પ્રત્યેક બે લાખ ગાંસડીનો ઘટાડો થવાની ધારણા છે. મહારાષ્ટ્રમાં ૮૨.૫૦ લાખ ગાંસડી, આંધ્રમાં ૧૩ લાખ ગાંસડી અને કર્ણાટકમાં બાવીસ લાખ ગાંસડીનો પાક થવાનો અંદાજ છે. ગુજરાતમાં ઉત્પાદન સ્ટેબલ રહે એવી ધારણા છે.
દેશમાં ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨માં કુલ રૂનો પુરવઠો ૧૧૬.૨૭ લાખ ગાંસડી થયો હોવાનો અંદાજ છે, જેમાં ૮૦.૧૩ લાખ ગાંસડીની આવક, ૪.૨૫ લાખ ગાંસડીની આયાત અને ૩૧.૮૯ લાખ ગાંસડીનો અંદાજિત ઓપનિંગ સ્ટૉક સામેલ છે.
ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૨૨ માટે રૂનો વપરાશ ૬૫ લાખ ગાંસડી હોવાનો અંદાજ મૂક્યો છે, જ્યારે ૩૧ ડિસેમ્બર ૨૦૨૨ સુધી નિકાસ શિપમેન્ટ બે લાખ ગાંસડી હોવાનો અંદાજ છે.
ડિસેમ્બર ૨૦૨૨ના અંતે સ્ટૉક ૪૯.૨૭ લાખ ગાંસડી હોવાનો અંદાજ છે, જેમાં ટેક્સટાઇલ્સ સેક્ટર સાથે ૩૫ લાખ ગાંસડીનો સમાવેશ થાય છે, જ્યારે બાકીનો ૧૪.૨૭ લાખ ગાંસડીનો સ્ટૉક કૉટન કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા, મહારાષ્ટ્ર ફેડરેશન અને મલ્ટિનૅશનલ કંપનીઓ પાસે પડ્યો હોવાનો અંદાજ છે.