24 January, 2023 04:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
જીરામાં તેજીનાં વળતાં પાણી થયા બાદ હવે ધાણાની બજારો પણ થોડી નીચી આવે એવી સંભાવના છે. નવા પાકની ફેબ્રુઆરીથી આવકો વધે એ પહેલાં ખેડૂતો અને વેપારીઓ તેમના જૂના ધાણાના સ્ટૉકને વેચવા માટે દોડી રહ્યા છે, જ્યારે આનાથી ભાવમાં ઘટાડો થયો છે ત્યારે નવા પાકને કારણે વધુ ઘટાડાની અપેક્ષા છે.
નવેમ્બરમાં હાજર બજારોમાં ધાણાના ભાવ ૧૦,૦૦૦-૧૧,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલો હતા. ઊંચા ભાવથી ૩૫ ટકા સુધીનો ઘટાડો થઈ ચૂક્યો છે અને માર્ચ સુધીમાં વધુ ઘટીને ૬૫૦૦-૭૦૦૦ રૂપિયા થવાની સંભાવના છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. રાજસ્થાનના કોટા અને ગુજરાતના ગોંડલનાં મુખ્ય જથ્થાબંધ બજારોમાં ધાણાની કિંમત હાલમાં ૮૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ચાલે છે. ઊંચા વાવેતર વિસ્તાર અને ઊપજમાં સુધારો થવાની સંભાવનાને કારણે ભાવ ઘટી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ૧૬ જાન્યુઆરીએ બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર ગુજરાતમાં ધાણાનું વાવેતર ૭૮ ટકા વધીને ૨.૨૩ લાખ હેક્ટરમાં થયું છે.
આ પણ વાંચો : દેશમાંથી રાયડા-ખોળની નિકાસ વિક્રમી સપાટીએ પહોંચીઃ ડિસેમ્બરની કુલ નિકાસ પણ વધી
અનુકૂળ હવામાન અને આકર્ષક વળતરને કારણે ખેડૂતો ધાણા તરફ વળ્યા છે. વિશ્લેષકોએ જણાવ્યું હતું કે એપ્રિલમાં ધાણાનો ભાવ ૧૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલો હતો, જે ૭ વર્ષની ઊંચી સપાટી છે. ગુજરાતમાં નવા પાકનું આગમન આ મહિનામાં શરૂ થયું છે અને રાજસ્થાનમાં નવા પાકનું આગમન ફેબ્રુઆરીથી જ જોવા મળશે. જ્યારે ગુજરાતમાં ધાણાનો પાક સાનુકૂળ હવામાનને કારણે સારી ઊપજ સાથે પ્રગતિ કરી રહ્યો છે ત્યારે રાજસ્થાનમાં વધુ પડતા ઠંડા તાપમાનને કારણે ઊપજને લઈને ચિંતા છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું. તેઓ કહે છે કે આનાથી ભાવમાં ઘટાડો મર્યાદિત થવાની શક્યતા છે. ઉપરાંત, જીરાના ભાવ વિક્રમી ઊંચાઈએ હોવાથી મસાલા ઉત્પાદકો મિશ્રિત મસાલામાં ધાણાનું પ્રમાણ વધારીને એની માગમાં વધારો કરી શકે છે, એમ એસએમસી ગ્લોબલ સિક્યૉરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક રવિશંકર પાંડેએ જણાવ્યું હતું.
ભારત ૧૨૫ લાખ બૅગ (૧ બૅગ = ૩૫ કિલો) ધાણા વાપરે છે. આ વર્ષે ઉત્પાદન વધુ હોવાથી આયાતમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતા છે, એમ ફેડરેશન ઑફ ઇન્ડિયન સ્પાઇસ સ્ટેકહોલ્ડર્સના સ્થાપક અધ્યક્ષ અશ્વિન નાયકે જણાવ્યું હતું. સ્થાનિક બજારોમાં આયાતી ધાણાનો વર્તમાન હિસ્સો ન્યુનતમ છે અને એ લગભગ સમાન ભાવે વેચાય છે, એમ નાયકે જણાવ્યું હતું. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર એપ્રિલ-નવેમ્બર દરમ્યાન ભારતની ધાણાની આયાત ૧૧૬૧ ટકા વધીને ૨૬ ટન થઈ ગઈ છે. ધાણાની આયાતમાં આટલો ઉછાળો એટલા માટે હતો કારણ કે નીચા ઉત્પાદન અને ઓછા કૅરી-ઓવર સ્ટૉકને ધ્યાનમાં રાખીને એપ્રિલ-મેમાં ભાવ ૧૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦૦ કિલોના વિક્રમી સ્તરે પહોંચ્યા હતા. ધાણાની મુખ્ય આયાત રશિયા, બલ્ગેરિયા અને યુક્રેનમાંથી થાય છે.