કૉમોડિટી ૨૦૨૩માં સૌથી શ્રેષ્ઠ વળતર આપશે : ગોલ્ડમૅન સાક્સ

20 December, 2022 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વૈશ્વિક કૉમોડિટી ઇન્ડેક્સમાં ૪૩ ટકાનો ઉછાળો આવવાની આગાહી: વૈશ્વિક બેન્ચમાર્ક કૉમોડિટી ઇન્ડેક્સ આ વર્ષે ૨૪ ટકા વધ્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી સેક્ટરમાં ચાલુ વર્ષે મોટી ઊથલપાથલ રહી છે, પરંતુ આગામી ૨૦૨૩માં કૉમોડિટી સેક્ટર ફરી એક વાર સૌથી સારું વળતર આપનારું ઍસેટ ક્લાસ બને એવી આગાહી વિશ્વની ટોચની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સાક્સે કરી હતી. ગોલ્ડમૅનના મતે ૨૦૨૩માં કૉમોડિટી સેક્ટરમાં ૪૦ ટકાથી પણ વધુનું વળતર મળશે.

અમેરિકાની આ બૅન્કે જણાવ્યું હતું કે જ્યારે પ્રથમ ક્વૉર્ટર અમેરિકા અને ચીનમાં આર્થિક નબળાઈને કારણે ‘બમ્પી’ હોઈ શકે છે ત્યારે ક્રૂડ તેલથી લઈને કુદરતી ગૅસ અને મેટલ સુધીના કાચા માલની અછત એના પછીના સમયગાળામાં ભાવમાં વધારો કરશે.

ગોલ્ડમૅને ૨૦૨૦ના અંતમાં બહુ-વર્ષીય કૉમોડિટી સુપરસાઇકલની આગાહી કરી હતી. ચીનના કોરોના વાઇરસ પ્રતિબંધો અને વૈશ્વિક આર્થિક મંદ માગને દબાવવાને કારણે તાજેતરના મહિનાઓમાં ઊર્જાના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં પણ એ એના દૃષ્ટિકોણને વળગી રહી છે.

જેફ ક્યુરી અને સમન્થા ડાર્ટ સહિતના ગોલ્ડમૅન વિશ્લેષકોએ ગયા સપ્તાહે લખ્યું હતું કે ‘મે ૨૦૨૨ સુધીમાં ઘણી કૉમોડિટીના ભાવ વર્ષ-દર-વર્ષે લગભગ બમણા થવા છતાં સમગ્ર કૉમોડિટી સંકુલમાં મૂડીરોકાણ નિરાશ થયું છે. વર્ષની શરૂઆતમાં ભાવ બહુ વધ્યા હતા, પરંતુ પાછળથી એમાં ઘટાડો થયો હતો.

બૅન્ક અપેક્ષા રાખે છે કે એસઍન્ડપી ગોલ્ડમૅન સાક્સ કૉમોડિટી ઇન્ડેક્સ ટોટલ રિટર્ન ઇન્ડેક્સ - કૉમોડિટી-કિંમતની હિલચાલનું અગ્રણી માપદંડ છે, જેમાં ૨૦૨૩માં ૪૩ ટકાનો વધારો જોવા મળશે. 

 

business news commodity market oil prices