08 February, 2023 03:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
સીએનજી, ઇલેક્ટ્રિક વેહિકલ (ઈવી) અને હાઇબ્રીડ વાહનો આગામી પાંચ વર્ષમાં કુલ ઑટો વેચાણમાં ૩૦ ટકા હિસ્સો મેળવી શકે છે છતાં મધ્યમ ગાળામાં પૅસેન્જર વાહનોના જથ્થામાં પેટ્રોલ કારનું પ્રભુત્વ હોવાની શક્યતા છે, એમ એક અહેવાલમાં જણાવાયું છે.
સ્થાનિક રેટિંગ એજન્સી ઇકરાએ એના અહેવાલમાં જણાવ્યું હતું કે સરકારના દબાણ, વધતી જાગરૂકતા અને નવા લૉન્ચને કારણે છેલ્લાં બે વર્ષમાં ઇલેક્ટ્રિક વાહનો (ઈવી)ની માગમાં ઝડપથી વધારો થયો છે.
જોકે એકંદર પીવી (પૅસેન્જર વેહિકલ) ઉદ્યોગમાં ઈવીનો હિસ્સો નીચો રહે છે, જે હાલમાં માત્ર એક ટકો છે.
બીજી તરફ તાજેતરનાં વર્ષોમાં સીએનજી વાહનોએ પણ મહત્ત્વ મેળવ્યું છે, સાનુકૂળ ચાલતા ખર્ચ, દેશભરમાં સીએનજી ડિસ્પેન્સિંગ સ્ટેશનોમાં સુધારો કરીને અને ઓઈએમ દ્વારા ઉન્નત પ્રોડક્ટ ઑફરિંગ દ્વારા મદદ મળી છે એમ ઇકરાએ જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે સીએનજી વાહનોમાં ઓછું ઉત્સર્જન પણ થશે. તોળાઈ રહેલા કૉર્પોરેટ ઍવરેજ ફ્યુઅલ ઇકૉનૉમી ધોરણોનું પાલન કરવામાં મૂળ સાધનોના ઉત્પાદકોને મદદ મળશે.
લક્ષ્યાંકિત સમયમર્યાદામાં ૨૦ ટકા ઇથેનૉલ સાથે મિશ્રિત પેટ્રોલ સંક્રમણને સરળ બનાવવા માટે તમામ હિતધારકોનો એક સંકલિત અભિગમ હિતાવહ છે એ નોંધીને, રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે જોકે ઑટો ઉત્પાદકો સૂચિત ઇથેનૉલ મિશ્રણનું પાલન કરવા માટે મોટા પડકારનો સામનો કરે એવી શક્યતા નથી.
ઇકરાના જણાવ્યા મુજબ ઇથેનૉલ મિશ્રણથી વાહનોના ઉત્સર્જનમાં ઘટાડો થશે, ઊર્જા સુરક્ષા મજબૂત થશે, તેલની આયાત ઘટાડવામાં મદદ મળશે અને ફૉરેક્સ રિઝર્વનું સંરક્ષણ થશે.