13 September, 2023 05:17 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મંગળવારના ઘટાડા બાદ ભારતીય શેરબજાર (Indian Share Market) બુધવારે ટ્રેડિંગ સેશનમાં શરૂઆતી આંચકા બાદ તેજી સાથે બંધ (Closing Bell) થયું હતું. આજે પણ દિવસના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ બજાર બંધ થાય તે પહેલા રોકાણકારોની ખરીદીને કારણે રિકવરી જોવા મળી હતી અને મિડ-કેપ અને સ્મોલ ઈન્ડેક્સ લીલામાં પાછા ફર્યા હતા. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 246 પોઈન્ટના ઉછાળા સાથે 67,467 પોઈન્ટ અને નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી 77 પોઈન્ટના ઉછાળા સાથે 20,070 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
આજના કારોબારમાં બૅન્કિંગ શેરોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી બૅન્ક 400 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો છે. આ સિવાય ફાર્મા, મેટલ્સ, મીડિયા, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઑઈલ ઍન્ડ ગેસ સેક્ટરના શેરો જોરદાર બંધ થયા છે. જ્યારે ઑટો અને આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે. નિફ્ટી મિડ-કેપ લીલા રંગમાં બંધ રહ્યો હતો, પરંતુ દિવસ દરમિયાન ઈન્ડેક્સ 570 પોઈન્ટ તૂટ્યો હતો. સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ ઘટ્યો હતો, પરંતુ બંને ઇન્ડેક્સ લીલા નિશાનમાં બંધ થયા હતા.
રોકાણકારોને રૂા. 1.50 લાખ કરોડનો નફો
શેરબજારમાં આવેલી તેજીના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઉછાળો આવ્યો છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ વધીને રૂા. 320.23 લાખ કરોડ થયું છે, જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂા. 318.74 લાખ કરોડ હતું. એટલે કે આજના સત્રમાં રોકાણકારોની સંપત્તિમાં રૂા. 1.49 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે.
ક્ષેત્રીય સૂચકાંકોની સ્થિતિ
સેક્ટોરલ ઈન્ડેક્સની વાત કરીએ તો મેટલ, ઑઈલ અને ગેસ ઈન્ડેક્સમાં એક-એક ટકાનો વધારો જોવા મળ્યો હતો અને PSU બૅન્ક ઈન્ડેક્સમાં ચાર ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. જ્યારે કેપિટલ ગુડ્સ, ઑટો અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્ડેક્સ લીલા નિશાન સાથે બંધ થયા છે. BSE મિડકેપ ઈન્ડેક્સમાં દિવસના નીચા સ્તરેથી સારી રિકવરી જોવા મળી હતી અને ફ્લેટ લેવલ પર બંધ થયો હતો. તે જ સમયે, સ્મોલકેપ ઇન્ડેક્સમાં 0.8 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
જાણો નિષ્ણાતનો અભિપ્રાય
જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે, નબળા વૈશ્વિક સંકેતો છતાં સ્થાનિક શેરબજારો ઉછાળા સાથે બંધ થયા છે. ઑગસ્ટ મહિનામાં છૂટક ફુગાવો ઘટીને 6.83 ટકા થયો અને ઔદ્યોગિક ઉત્પાદનના આંકડામાં વધારો ભારતીય અર્થતંત્રની મજબૂત સ્થિતિ દર્શાવે છે. બ્રિટનની અર્થવ્યવસ્થામાં ઘટાડો અને તેલના ભાવમાં થયેલા વધારાને કારણે વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતાની સ્થિતિ સર્જાઈ છે. તે જ સમયે, રોકાણકારો અમેરિકાના ફુગાવાના દરના ડેટાની રાહ જોઈ રહ્યા છે, જે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે ફેડ રિઝર્વના આગામી પગલાની દિશા નક્કી કરશે.