ઇઝરાયલ-હિઝબુલ્લા એકબીજાને ખતમ કરવા મરણિયા બનતાં સોનું ફરી નવી ટોચે

24 September, 2024 07:42 AM IST  |  Mumbai | Mayur Mehta

ચીને રિવર્સ રેપો-રેટ ઘટાડીને ઇકૉનૉમિક ક​ન્ડિશન સુધારવા નવું સ્ટિમ્યુલસ આપ્યું

પ્રતીકાત્મક તસવીર

ઇઝરાયલ-હિઝબુલ્લા બન્ને એકબીજાનો ખાતમો બોલાવવા મરણિયા બનતાં મિડલ-ઈસ્ટમાં જિયોપૉલિટિકલ ટેન્શન પરાકાષ્ઠાએ પહોંચતાં સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી અને સોનું ફરી નવી ટોચે પહોંચ્યું હતું. વર્લ્ડ માર્કેટમાં સોનું વધીને નવી ટોચ ૨૬૩૨.૨૦ ડૉલરે પહોંચ્યા બાદ સાંજે ૨૬૨૩થી ૨૬૨૪ ડૉલરની રેન્જમાં હતું. સોનાની રાહે ચાંદી પણ વધી હતી.

મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૩૭૪ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૧૧૬૧ રૂપિયા ઘટ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સોમવારે ૦.૧૬ ટકા વધીને ૧૦૦.૮૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ફેડ ચૅરમૅન જેરોમ પૉવેલની મીટિંગ પહેલાં આવનારા ઇન્ફ્લેશનના ડેટા નવા રેટ-કટ માટે નિર્ણાયક બનશે. વળી ચાલુ સપ્તાહે ઍટલાન્ટા, શિકાગો અને મિનિયોપૉલિસના ફેડ ચૅરમૅનની સ્પીચ પણ રેટ-કટના ડિસિઝન માટે મહત્ત્વની બની રહેશે.

ચીનની સેન્ટ્રલ બૅન્કે રિવર્સ રેપો-રેટમાં ૧૦ બેસિસનો ઘટાડો કરીને બેન્ચમાર્ક રેટને ૧.૮૫ ટકાએ લાવતાં ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય વધીને ૧૬ મહિનાની ઊંચી સપાટીએ ૭.૦૪ ડૉલરે જળવાયેલું હતું. ચીનની બૅન્કે રિવર્સ રેપો-રેટ ઘટાડતાં માર્કેટમાં ૭૪.૫ અબજ યુઆનની લિ​ક્વિડિટી ઠલવાશે. ફેડના રેટ-કટ બાદ ચીન દ્વારા ​સ્ટિમ્યુલસ-પૅકેજ આવશે એવી ધારણા બે સપ્તાહથી માર્કેટમાં ચર્ચાઈ રહી હતી ત્યારે રેપો-રેટમાં ઘટાડો થતાં યુઆનમાં ખરીદી વધી હતી. અમેરિકન કૉમર્સ ડિપાર્ટમેન્ટે ચાઇનીઝ સૉફ્ટવેર અને હાર્ડવેર કંપનીઓ પર પ્રતિબંધ મૂકવાની કવાયત ચાલુ કરતાં યુઆનનું મૂલ્ય ઘટવાનો ડર હતો, પણ હવે રેપો-રેટ ઘટતાં ચાઇનીઝ કરન્સીની મજબૂતી વધશે.

ભારતનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને આઠ મહિનાની નીચી સપાટીએ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને દસ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવ મહિનાની નીચી સપાટીએ ૫૯.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૬૦.૭ પૉઇન્ટ હતો.

ચાલુ સપ્તાહે અમેરિકાના પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ડેટા, પર્સનલ સ્પે​ન્ડિંગ અને પર્સનલ ઇન્કમના ડેટા ઉપરાંત સેકન્ડ ક્વૉર્ટરના ગ્રોથરેટનો ફાઇનલ ડેટા પણ જાહેર થશે. અમેરિકાનો સેકન્ડ ક્વૉર્ટરનો ગ્રોથરેટ ખાસ્સો એવો વધ્યો હોવાથી ફાઇનલ ડેટા મહત્ત્વના બની રહેશે. આ ઉપરાંત અમેરિકાના કન્ઝ્યુમર કૉન્ફિડન્સ, ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર, નવા અને એ​ક્ઝિ​સ્ટિંગ હોમસેલ્સના ડેટા પણ જાહેર થશે.

ચીન, યુરો એરિયા, બ્રિટન, જપાન, ઑસ્ટ્રેલિયાના પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ, સર્વિસ અને પ્રાઇવેટ સેક્ટરના ગ્રોથડેટા ચાલુ સપ્તાહે જાહેર થશે તેમ જ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયા દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વિશેનું ડિસિઝન પણ ચાલુ સપ્તાહે આવશે.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

ઇઝરાયલ અને હિઝબુલ્લા એકબીજાને ખતમ કરવા મરણિયા બન્યા હોવાથી લેબૅનનમાં મોટો અટૅક થવાના સંકેત મળી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, યુરોપિયન દેશો, ઑસ્ટ્રેલિયા, ન્યુ ઝીલૅન્ડ સહિત અનેક દેશોએ લેબૅનનમાં રહેલા પોતાના નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા આદેશ આપ્યો છે ત્યારે ઇઝરાયલે હિઝબુલ્લાને પણ મોટા અટૅક માટે તૈયાર કરવા પડકાર ફેંકયો છે. ઇઝરાયલ એક તરફ હમાસને ખતમ કરવા દરરોજ સવાર પડે ત્યારે ગાઝામાં અટૅક કરી રહ્યું છે બીજી તરફ લેબૅનન, ઈરાન સહિતના દેશોનું સમર્થન ધરાવતા હિઝબુલ્લાનો ખાતમો કરવા ‘કરો યા મરો’નો જંગ ખેલી રહ્યું છે. અમેરિકાના રેટ-કટ બાદ હવે સોનાની તેજીને મિડલ-ઈસ્ટના જિયોપૉલિટિકલ ટેન્શનનો જબ્બર સપોર્ટ મળી રહ્યો હોવાથી સોનામાં તેજીની આગેકૂચ ચાલુ છે અને હજી પણ તેજી આગળ વધતી જોવા મળશે.

business news commodity market gold silver price columnists