16 March, 2023 03:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
તોફાની વધ-ઘટની વચ્ચે ચણાના ભાવમાં ગત સપ્તાહથી જ એકંદર તેજી છે. ભારતમાં ચણાની સપ્લાય ઓછી હોવાથી વધતા ભાવને ટેકો મળી રહ્યો છે. જોકે હાલના સમયમાં મહારાષ્ટ્રમાં ચણાની આવક સારી છે અને મધ્ય પ્રદેશમાં પણ માર્ચના અંતથી આવકમાં વધારો થવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
બીજી બાજુ ગુજરાતમાં વાવણી ઓછી થવાથી આવક પણ ઍવરેજ છે. નાફેડ દ્વારા ચણાનું વેચાણ હવે ફક્ત મધ્ય પ્રદેશમાં જ થઈ રહ્યું છે. અન્ય રાજ્યોમાં નાફેડ ચણાનું વેચાણ બંધ કરી શકે છે. હાલના સમયમાં કર્ણાટકમાં ચણાની ખરીદી એજન્સી કરી રહી છે. દરમ્યાન તાજેતરમાં જ નાફેડે ટેકાના ભાવે (એમએસપી) ગુજરાત અને કર્ણાટકથી ચણાની ખરીદી કરી હતી. એજન્સીએ ગુજરાતથી ૧૧૭૩ મેટ્રિક ટન અને કર્ણાટકથી ૧૪૪૭ મેટ્રિક ટન ચણાની ખરીદી કરી હતી.
ચણાના ભાવની દિશા ત્યારે ખબર પડશે જ્યારે એ સ્પષ્ટ થાય કે નાફેડને કેટલા પ્રમાણમાં ચણા મળે છે. હાલના સમયમાં નાફેડ પાસે ૧૩-૧૪ લાખ ટન સ્ટૉક હોવાના અહેવાલ છે. આગામી સમયમાં ચણાની આવકમાં ફરી વધારો જોવા મળશે, ખાસ કરીને મહારાષ્ટ્રમાં આવક વધે.
આ પણ વાંચો: એફસીઆઇએ ઘઉંના પાંચમા ટેન્ડરમાં ૫.૩૯ લાખ ટનનું વેચાણ કર્યું
જો નાફેડને આ સીઝનમાં પાંચ લાખ ટન કરતાં ઓછો માલ મળશે તો ભાવમાં તેજી યથાવત્ રહી શકે છે, પરંતુ જો એજન્સીને ૧૦ લાખ ટન કરતાં અધિક ચણા મળે તો ઉપરમાં ૫૫૦૦-૫૬૦૦ રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલના સમયમાં ચણાના ભાવ જે રેન્જમાં ટ્રેડ થઈ રહ્યા છે એ જોતાં રોકાણ કરવામાં કોઈ જોખમ નથી.
નાફેડે મહારાષ્ટ્રમાંથી ૮૬૫ ટન ચણાની ખરીદી કરી
નૅશનલ ઍગ્રિકલ્ચર કો-ઑપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (નાફેડ)એ તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્યમાં ટેકાના ભાવે (એમએસપી) ચણાની કુલ ૮૬૫ મેટ્રિક ટન ખરીદી કરી હતી. વિવિધ જિલ્લાઓમાંથી ચણાની અમુક પ્રમાણમાં ખરીદી થઈ હતી.
કુલ ૮૬૫ મેટ્રિક ટનની ખરીદીમાં એજન્સીએ બુલઢાણામાંથી ૧૩૬ ટન, અકોલાથી ૮૨ ટન, અમરાવતીથી ૨૪૦ ટન, યવતમાળથી ૧૪૩ ટન, વાશિમથી ૪૨ ટન, હિંગોલીથી ૩૪ ટન, નાંદેડથી ૧૧ ટન, પરભણીથી ૩૧ ટન, લાતુરથી ૩૮ ટન, જાલનાથી ૩૯ ટન અને બીડથી ૧૨ ટન ચણાની ખરીદી કરી હતી.