14 October, 2024 09:57 AM IST | Mumbai | Mayur Mehta
દાળ-કઠોળની પ્રતીકાત્મક તસવીર
દેશનાં તમામ ક્ષેત્રોમાં આત્મનિર્ભર બનાવવાના લક્ષ્ય સાથે નરેન્દ્ર મોદી સરકાર ત્રીજી ટર્મમાં ત્વરિત ઍક્શન લઈ રહી છે. તાજેતરમાં ખાદ્ય તેલોની આયાત-ડિપેન્ડન્સી ઘટાડીને દેશને આત્મનિર્ભર બનાવવા ખાદ્ય તેલોની આયાત-ડ્યુટીમાં ઇફેક્ટિવ બાવીસ ટકાનો વધારો કર્યો હતો એ જ રીતે હવે દાળ-કઠોળની ઝડપથી વધતી આયાત-ડિપેન્ડન્સી દૂર કરવા સરકારે ત્વરિત પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે. દાળ-કઠોળની આયાત-ડિપેન્ડન્સી દૂર કરવા આયાત પર નિયંત્રણ રાખવા માટે શ્રેષ્ઠ અનુકૂળતા ઊભી થઈ છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં દાળ-કઠોળના ભાવમાં આઠથી ત્રીસ ટકાનો ઘટાડો થયો છે અને ચાલુ ખરીફ સીઝનમાં દેશનું કઠોળનું વાવેતર સાડાસાત ટકા વધ્યુંહોવાથી હવે આગામી સમયમાં જો સરકાર આયાત પર નિયંત્રણો નહીં લાદે તો દાળ-કઠોળના ભાવ વધુનીચા જશે જેનાથી ગ્રાહકોને રાહત મળશે, પણ ખેડૂતોને નીચા ભાવમળતાં આગામી સીઝનમાં ખેડૂતો કઠોળનું વાવેતર ઘટાડશે જેનુંનુકસાન લાંબા સમય સુધી ભોગવવાનું થશે.
પ્રોટીન-ડેફિશ્યન્સીના ઉકેલ માટે કઠોળનું ઉત્પાદન વધારવું જરૂરી
વર્લ્ડમાં ભારત સૌથી વધુ પ્રોટીન-ડેફિશ્યન્સી ધરાવતો એટલે કે પ્રોટીનની ઊણપ ધરાવતો દેશ છે. નૅશનલ હેલ્થ એજન્સીના સર્વે અનુસાર દર વર્ષે ભારતનાં શહેરોમાં રહેતા લોકોમાં ચાર ટકા પ્રોટીન-ડેફિશ્યન્સી ઘટે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં દર વર્ષે ૧૧ ટકા વધે છે. શાકાહારી લોકોમાં ૯૧ ટકા પ્રોટીન-ડેફિશ્યન્સી છે અને માંસાહાર લોકોમાં ૮૫ ટકા પ્રોટીન-ડેફિશ્યન્સી છે. આહારમાં દાળ-કઠોળ સૌથી વધુ પ્રોટીન આપે છે. અડદદાળ, ચણાદાળ અને મગદાળમાં પ્રતિ ૧૦૦ ગ્રામ નવ ગ્રામ પ્રોટીન મળે છે; જ્યારે દાળ-કઠોળમાં કૅલ્શિયમ, પોટૅશિયમ અને મૅગ્નેશિયમની માત્રા ઊંચી હોવાથી દાળ-કઠોળનું ઉત્પાદન વધારવું ખાસ જરૂરી છે, જેને માટે દેશમાં કઠોળ ઉગાડતા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે આયાત પર નિયંત્રણો મૂકવાં જરૂરી છે. નીતિઆયોગના રિપોર્ટ અનુસાર હાલ ભારતની કઠોળની જરૂરિયાત વાર્ષિક ૨૮૦થી ૩૦૦ લાખ ટનની છે જે વધીને ૨૦૨૫-’૨૬માં ૩૨૦ લાખ ટન, ૨૦૩૦-’૩૧માં ૩૬૦ લાખ ટન, ૨૦૩૫-’૩૬માં ૪૧૦ લાખ ટન અને ૨૦૪૦-’૪૧માં ૪૬૦ લાખ ટન ડિમાન્ડની ધારણા છે.
ચણા સિવાયનાં તમામ કઠોળના ભાવ ઘટ્યા
મોંઘવારીના દૈત્યને નાથવા સરકારે લોકસભાની ચૂંટણી અગાઉ ચણાની આયાત પરની ૬૬ ટકા ડ્યુટી દૂર કરીને ઝીરો ટકા કરી હતી તેમ જ વટાણાની આયાત પર પ્રતિબંધ હતો એ રદ કરીને વટાણાની આયાત માટે લાલ જાજમ પાથરી હતી એના પરિણામે દેશમાં સસ્તા કઠોળની આયાત ઝડપથી વધતાં તમામ કઠોળના ભાવ એકધારા ઘટી રહ્યા છે. લેમન-તુવેરના ભાવ એક વર્ષમાં ૨૩ ટકા ઘટીને ક્વિન્ટલના ૮૯૭૫ રૂપિયા થયા છે જે એક વર્ષ અગાઉ ૧૧,૭૫૦ રૂપિયા હતા. એ જ રીતે દેશી તુવેરના ભાવ ૧૯ ટકા ઘટીને ૯૯૫૦ રૂપિયા થયા છે જે એક વર્ષ અગાઉ ૧૨,૨૫૦ રૂપિયા હતા. વટાણાના ભાવ એક વર્ષમાં ૩૦ ટકા ઘટીને ક્વિન્ટલના ૩૮૫૦ થયા છે જે એક વર્ષ અગાઉ ૫૫૦૦ રૂપિયા હતા. અડદના ભાવ એક વર્ષમાં પાંચ ટકા ઘટીને ક્વિન્ટલના ૮૩૦૦ રૂપિયા થયા છે જે એક વર્ષ અગાઉ ૮૭૦૦ રૂપિયા હતા. કાબૂલી એટલે કે સફેદ ચણાના ભાવ પણ સાત ટકા ઘટીને ક્વિન્ટલના ૧૫,૪૦૦ રૂપિયા થયા છે જે એક વર્ષ અગાઉ ૧૬,૫૦૦ રૂપિયા હતા. મગના ભાવ છેલ્લા એક વર્ષમાં નવ ટકા ઘટીને ક્વિન્ટલના ૭૮૦૦ રૂપિયા થયા છે જે એક વર્ષ અગાઉ ૮૫૦૦ રૂપિયા હતા. એકમાત્ર દેશી ચણાના ભાવ છેલ્લા એક વર્ષમાં ૧૯ ટકા વધીને ક્વિન્ટલના ૭૬૦૦ રૂપિયા થયા છે જે એક વર્ષ અગાઉ ૬૪૨૫ રૂપિયા હતા.
તુવેરનું ૧૪ ટકા અને મગનું વાવેતર ૧૩ ટકા વધ્યું
નરેન્દ્ર મોદી સરકારે દેશમાં દાળ-કઠોળના ખેડૂતોને પ્રોત્સાહન મળે એ માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ (MSP)માં તગડો વધારો કરતાં તેમ જ અગાઉના વર્ષે ખેડૂતોને દાળ-કઠોળના ઊંચા ભાવ મળતાં ચાલુ સીઝનમાં ખેડૂતોએ મન ભરીને કઠોળનું વાવેતર કર્યું છે. ખરીફ સીઝનમાં તુવેરનું વાવેતર ૧૪.૧૩ ટકા વધીને ૪૬.૫૦ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૪૦.૭૪ લાખ હેક્ટરમાં થયું હતું. મગનું વાવેતર ૧૨.૯૯ ટકા વધીને ૩૫.૫૮ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૩૧.૪૯ લાખ હેક્ટરમાં થયું હતું. મઠનું વાવેતર ૧૧.૮૧ ટકા વધીને ૧૦.૫૩ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૯.૪૨ લાખ હેક્ટરમાં થયું હતું. કુલથીનું વાવેતર ૩૭.૩૨ ટકા વધીને ૫૯ હજાર હેક્ટર થયું છે જે ગયા વર્ષે ૩૪ હજાર હેક્ટરમાં થયું હતું. ચોળી, વાલ વગેરે નાનાં કઠોળોનું વાવેતર ૬.૭૬ ટકા વધીને ૪.૯૦ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૪.૫૯ લાખ હેક્ટરમાં થયું હતું. એકમાત્ર અડદનું વાવેતર ગયા વર્ષથી ૭.૯૮ ટકા ઘટીને ૩૦ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૩૨.૬૦ લાખ હેક્ટરમાં થયું હતું. ઓવરઑલ કઠોળનું કુલ વાવેતર ૭.૪૦ ટકા વધીને ૧૨૮.૧૦ લાખ હેક્ટરમાં થયું છે જે ગયા વર્ષે ૧૧૯.૨૭ લાખ હેક્ટરમાં થયું હતું.
કઠોળની આયાતમાં હાઈ જમ્પનો સિલસિલો
સરકારે કઠોળની આયાતમાં ભારે માત્રામાં છૂટછાટો આપતાં છેલ્લા દોઢ વર્ષમાં કઠોળની આયાતમાં હાઈ જમ્પ દેખાઈ રહ્યો છે. સરકારી ડેટા અનુસાર ૨૦૨૨-’૨૩ના ફાઇનૅન્શિયલ વર્ષમાં ભારતે ૨૧૮થી ૨૦ ટકા આયાત થઈ હતી. સરકારે વટાણાની આયાત પરનો પ્રતિબંધ દૂર કરતાં વટાણાની આયાત ઢગલામોઢે થવા લાગી હોવાથી એની અસરે ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષમાં કઠોળની આયાતમાં મોટો વધારો થતાં એપ્રિલથી ઑગસ્ટના પાંચ મહિનામાં ભારતે સવાબે ગણી ૨૧.૩૮ લાખ ટન કઠોળની આયાત કરી છે જે ગયા વર્ષે આ સમયગાળામાં માત્ર ૯.૯૬ લાખ ટનની કરી ૫.૧૫ લાખ ટનની આયાત કરી હતી જે ૫૬ ટકા વધીને ૨૦૨૩-’૨૪ના ફાઇનૅન્શિયલ વર્ષમાં ૪૪.૫૪ લાખ ટને પહોંચી હતી. ભારતની વાર્ષિક ૨૭૫થી ૨૮૦ લાખ ટનની જરૂરિયાતની લગભગ હતી. વટાણાની આયાત-છૂટથી માત્ર પાંચ મહિનામાં ૯.૭૦ લાખ ટન વટાણાની આયાત થઈ છે જે ગયા વર્ષે પાંચ મહિનામાં ઝીરો હતી. આમ કઠોળની આયાત-ડિપેન્ડન્સી ઝડપથી વધી રહી છે.