26 September, 2024 11:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બુધવારે નિફ્ટી 26,032.80નો નવો રેકૉર્ડ હાઈ બનાવી ક્લોઝ પણ 26,000 ઉપર 26,004.15ના સ્તરે રહ્યો હતો. નિફ્ટીના આવા મજબૂત આંતરપ્રવાહ માટે સપ્ટેમ્બર વાયદાનું આજે થનારું સેટલમેન્ટ અને ઑક્ટોબરમાં આરબીઆઇ પણ વ્યાજદર ઘટાડશે એવો આશાવાદ જવાબદાર છે. સેન્સેક્સે પણ 85,247.42નો ઉચ્ચ આંક બંધ 85,169.87 આપ્યો હતો. લાર્જકૅપ ફન્ડોમાં અને આ ઇન્ડેક્સના આધારે બનેલાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડોમાં રોકાણ કરનારાઓ રોજ એનએવી જોઈને હરખાઈ રહ્યા છે. આમ બજાર નવા હાઈ બનાવતું જાય અને લોઅર ટૉપ પણ ન બનાવ્યું હોય ત્યારે ડરના માર્યા ઊંચા લેવલે અમુક ચાર્ટિસ્ટો પાર્શિયલ પ્રૉફિટ બુકિંગની સલાહ આપી ખોટા પડી રહ્યા છે. F&O ડેટા મુજબ નિફ્ટી માટે 26,200 રેસિસ્ટન્સ લેવલ છે અને 25,800 સપોર્ટ લેવલ. યક્ષ પ્રશ્ન એ છે કે હવાલો 26,000થી ઉપર આવશે કે નીચે? મંગળવારના 84,914.04ના બંધ સામે સેન્સેક્સે 84,836.45 ખૂલી બપોરે ત્રણ સુધી સાંકડી વધઘટમાં રમી 84,743.04નું દૈનિક બૉટમ બનાવી છેલ્લા અડધો કલાકમાં 400 પૉઇન્ટ વધી 85,247.42નો નવો હાઈ બનાવી અંતે 85,169.87 બંધ રહેવા સાથે 0.30 ટકાનો એટલે કે 255.83 પૉઇન્ટ્સનો સુધારો નોંધાવ્યો હતો. નિફ્ટીએ પણ 26,032.80નો નવો ઑલટાઇમ હાઈ દેખાડી 26,004.15નું બંધ 63.25 પૉઇન્ટ્સ, 0.25 ટકાના સુધારા સાથે આપ્યું હતું. બૅન્ક નિફ્ટી 53,968.60ના પુરોગામી બંધ સામે 53,794 ખૂલી વધીને 54,141.30 અને ઘટીને 53,792.85 થઈ છેલ્લે 133.05 પૉઇન્ટ્સ, 0.25 ટકા વધીને 54,101.65 રહ્યો હતો. જોકે બુધવારે વાયદાના છેલ્લા દિવસે આ ઇન્ડેક્સ 54,247.70ના ઐતિહાસિક હાઈ સુધી જઈ શક્યો નહોતો. બીએસઈનો બૅન્કેક્સ તો સોમવારના 61,451.83ના હાઈને વટાવી શક્યો નહોતો અને છેલ્લે 0.34 ટકા સુધરી 61,372.16 બંધ રહ્યો હતો.
એચડીએફસી બૅન્ક સતત સુધારામાં બે સપ્તાહના ઍવેરજ વૉલ્યુમથી છ-સાત ગણા વૉલ્યુમે 1779.85 બંધ રહ્યો હતો. આ શૅર એના બાવન સપ્તાહના 1794ના હાઈથી હવે માત્ર 14 રૂપિયા જ દૂર છે અને એ રેકૉર્ડ આજે નિફ્ટીના સપ્ટેમ્બર વાયદાના સેટલમેન્ટના દિવસે બ્રેક કરે એવી પૂરતી સંભાવના છે, કેમ કે આ શૅર અનેક ઇન્ડેક્સનો પ્રતિનિધિ અને એનું એ ઇન્ડેક્સમાં ભારે વેઇટેજ જોતાં આટલો ભાવવધારો આ બૅન્કિંગ જાયન્ટ માટે આસાન ગણાય! નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 104.10 પૉઇન્ટ્સ, 0.42 ટકા વધી 24,987.75 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સ પણ 25,038.20નો ઑલટાઇમ હાઈ ક્રૉસ કરી શક્યો નહોતો. જોકે એના એક પ્રતિનિધિ શૅર બજાજ ફિનસર્વે બુધવારે 1938.80નો નવો ઐતિહાસિક હાઈ નોંધાવી 1.59 ટકા વધી 1935નું બંધ આપ્યો હતો. ફ્રન્ટલાઇન શૅરો ચાલે ત્યારે મિડકૅપ, સ્મૉલકૅપ એટલા નથી ચાલતા એ ન્યાયે નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 24.60 પૉઇન્ટ્સ, 0.19 ટકા ઘટી 13,259.50 તો નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 286.40 પૉઇન્ટ્સ, 0.37 ટકા તૂટી 76,517.40ના સ્તરે વિરમ્યા હતા. નિફટી મિડકૅપ સિલેક્ટનો ગોદરેજ પ્રૉપર્ટી 3.88 ટકા વધી 3326.90 રૂપિયા બંધ રહ્યો હતો. નિફ્ટીનો પાવર ગ્રીડ ચાર ટકા સુધરી 364.20 રૂપિયાના સ્તરે ટૉપ ગેઇનર હતો. ઍક્સિસ બૅન્ક અઢી ટકા વધી 1269 રૂપિયા બોલાતો હતો. એનટીપીસી પણ બે ટકા સુધરી 436.75 રૂપિયા બંધ હતો. નિફ્ટીનો શૅર એલટીઆઇ માઇન્ડ ટ્રી પોણાચાર ટકા તૂટી 6110 રૂપિયા થઈ ગયો હતો. એવો જ બીજો ટેક શૅર ટેક મહિન્દ્ર પણ સવાબે ટકા ઘટી 1600 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50નો ડાબર સાડાચાર ટકા ઘટી 627 રૂપિયા પર આવી ગયો હતો. સપ્ટેમ્બર ક્વૉર્ટરનાં રિઝલ્ટ માટે કંપનીની બોર્ડ મીટિંગ 30મી ઑક્ટોબરે મળશે. પંજાબ નૅશનલ બૅન્ક (પીએનબી) 2.74 ટકા ઘટી 104.88 રૂપિયા બંધ હતો. મૅરિકો અઢી ટકા ઘટી 688 રૂપિયાના સ્તરે વિરમ્યો હતો. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસ ઇન્ડેક્સનો મુથુટ અઢી ટકા વધી 2043 રૂપિયા બંધ હતો તો સામે ઘટવામાં એલઆઇસી ફાઇનૅન્સ ત્રણ ટકાના લોસે 665 રૂપિયા થઈ ગયો હતો. નિફ્ટીના 30 (25) શૅર વધ્યા અને 20 (25) ઘટ્યા હતા. નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 12 (21), નિફ્ટી બૅન્કના 12માંથી 4 (2), નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 9 (4) અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 9 (16) શૅરો સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 20 (15) અને બૅન્કેક્સના 10માંથી 4 (3) શૅરો વધ્યા હતા. એનએસઈના 77માંથી 34 (48) ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. સૌથી વધુ 2.94 ટકા વધી મીડિયા ઇન્ડેક્સ 2139.25 બંધ થયો હતો. આ ઇન્ડેક્સનો સારેગમ 14.93 ટકા ઊછળી 608 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. ઝી 5.77 ટકા અને ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ સવાત્રણ ટકા વધી અનુક્રમે 134 અને 703 રૂપિયા બંધ રહ્યા હતા. ટિપ્સે નામ ટિપ્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડથી બદલાવીને ટિપ્સ મ્યુઝિક લિમિટેડ કરવા સાથે કંપનીનો લોગો પણ બદલાવ્યો હોવાનું એક્સચેન્જને જણાવ્યું હતું. એ પછીના ક્રમે સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસીસ (સીપીએસઈ) ઇન્ડેક્સ 0.87 ટકાના ગેઇને 7275.95 અને એનર્જી ઇન્ડેક્સ 0.82 ટકાના વધારા સાથે 44,064.70ના સ્તરે બંધ રહ્યા હતા. સીપીએસઈનો સુધારો પાવર ગ્રીડ અને એનટીપીસીના સુધારા થકી હતો. સરકાર નૅશનલ ઇલેક્ટ્રિસિટી પ્લાનને આખરી ઓપ આપી રહી છે એવા સમાચારે આ બન્ને શૅરો સુધર્યા હતા. સામા પક્ષે આ જ ઇન્ડેક્સના કોચીન શિપયાર્ડ 3 ટકા ઘટી 1743 અને ઑઇલ ઇન્ડિયા અઢી ટકા ઘટી 578 રૂપિયા થઈ ગયા હતા.
એનએસઈના વેબસાઇટ પરની માહિતી અનુસાર 2877 (2866) ટ્રેડેડ શૅરોમાંથી 1198 (1355) વધ્યા, 1596 (1441) ઘટ્યા અને 83 (90) સ્થિર રહ્યા હતા. બાવન સપ્તાહના નવા હાઈ 135 (166) શૅરોએ અને નવા લો 34 (40) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 101 (138) તો નીચલી સર્કિટે 76 (54) શૅરો ગયા હતા.
સંસ્થાકીય નેટ લેવાલી
બુધવારે એફઆઇઆઇની 973.94 કરોડ રૂપિયાની નેટ વેચવાલી સામે ડીઆઇઆઇની 1778.99 કરોડ રૂપિયાની નેટ લેવાલી રહેતાં એકંદરે 805.05 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 475.25 (476.07) લાખ કરોડ રૂપિયાના સ્તરે હતું.
ઇઝ માય ટ્રિપ અનઈઝી : 15 ટકા ડાઉન, ફાઉન્ડર જ વેચવાલ
ઇઝ માય ટ્રિપમાં 948.2 કરોડ રૂપિયાના શૅરોના વેચાણમાં પ્રમોટરોના શૅરો આવ્યા હોવાની હવાએ શૅરનો ભાવ બુધવારે 15 ટકા ઘટી 34.70 રૂપિયા બંધ રહ્યો હતો. ઇન્ટ્રા-ડેમાં 32.78 રૂપિયાની 20 ટકાની લોઅર સર્કિટે બાવન સપ્તાહની નીચી સપાટી જોવાઈ હતી. કંપનીના ફાઉન્ડર નિશાંત પીટ્ટીએ સ્ટેક વેચ્યો હોવાનું કહેવાતું હતું. ૨૦૨૨માં શૅરનો ભાવ 73.50 રૂપિયાના સ્તરે હતો એ લગભગ અડધો થઈ ગયો છે.
વેદાન્ત 8મી ઑક્ટોબરની બોર્ડ મીટિંગમાં ચોથા ઇન્ટરિમ ડિવિડંડની વિચારણા કરશે. કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં 20, 11 અને 4 રૂપિયા એમ ત્રણ ઇન્ટરિમ ડિવિડંડ આપ્યા છે. 12મીની મીટિંગમાં આવા ચોથા ડિવિડંડની મંજૂરી મળે તો એ મેળવવાની પાત્રતા માટે 16મી ઑક્ટોબરને રેકૉર્ડ ડેટ તરીકે જાહેર પણ કરાઈ છે. શૅરનો ભાવ બે ટકા વધી 479 રૂપિયા રહ્યો હતો.
કાર્લાઇલ એવિએશને ઓપન માર્કેટમાં સ્પાઇસ જેટમાંનો 1.42 ટકા સ્ટેક વેચવાના પગલે ભાવ સાડાપાંચ ટકા ઘટી 62.38 રૂપિયા થઈ ગયો હતો. મનબાનો આઇપીઓ બંધ થવાના દિવસે પ્રાપ્ત છેલ્લી માહિતી મુજબ 106 ગણો ભરાઈ ગયો હતો. સૌથી વધુ દસ લાખ રૂપિયાથી વધુની બીડિંગ રકમવાળો નૉન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર (એનઆઇઆઇ) પોર્શન 226 ગણો ભરાયો હતો. 114થી 120 રૂપિયાના ભાવે ફાળવણીવાળા આ શૅરનું લિસ્ટિંગ બીએસઈ-એનએસઈના મેઇન બોર્ડ પર થશે.