શું નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ દરમ્યાન કર્મચારી ટૅક્સ રેજિમ બદલી શકે?

02 May, 2023 04:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવકવેરા ધારા, ૧૯૬૧ની કલમ ૧૧૫બીએસી (નવું ટૅક્સ રેજિમ) હેઠળ નવી કરપ્રણાલી (ન્યુ ટૅક્સ રેજિમ)ને ડિફૉલ્ટ તરીકે રાખવા માટે ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૩માં જોગવાઈ કરવામાં આવી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે (સીબીડીટી) પગાર પર લાગુ પડતા ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ ઍટ સોર્સ) વિષયક પરિપત્રક બહાર પાડ્યું છે. આવકવેરા ધારા, ૧૯૬૧ની કલમ ૧૧૫બીએસી (નવું ટૅક્સ રેજિમ) હેઠળ નવી કરપ્રણાલી (ન્યુ ટૅક્સ રેજિમ)ને ડિફૉલ્ટ તરીકે રાખવા માટે ફાઇનૅન્સ ઍક્ટ, ૨૦૨૩માં જોગવાઈ કરવામાં આવી છે. જોકે, કરદાતાને આ નવું ટૅક્સ રેજિમ નાપસંદ કરવાની છૂટ આપવામાં આવી છે. જૂની કે નવી કરપ્રણાલીમાંથી પસંદગી કરવા માટે ‘જૂના ટૅક્સ રેજિમ’ હેઠળ આવતી ટૅક્સ લાયેબિલિટીને ‘નવા ટૅક્સ રેજિમ’ હેઠળ આવતી ટૅક્સ લાયેબિલિટી સાથે સરખાવવી જરૂરી બને છે. 

સરકારે ‘નવા ટૅક્સ રેજિમ’ને આકર્ષક બનાવવા એમાં કેટલાંક બેનિફિટ્સ આપ્યાં છે કેમ કે સરકાર ઇચ્છે છે કે વધુ ને વધુ લોકો ‘નવા ટૅક્સ રેજિમ’ને અપનાવે. કેટલાંક મુખ્ય બેનિફિટ્સ અહીં ટાંક્યાં છે. 

બેઝિક એક્ઝૅમ્પ્શન લિમિટ ૨,૫૦,૦૦૦થી વધારીને ૩,૦૦,૦૦૦ રૂપિયા કરવામાં આવી છે.   

જે વ્યક્તિ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ માટે નવું ટૅક્સ રેજિમ અપનાવશે તેને ૫૦,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે. જે ફૅમિલી પેન્શનર્સ ‘નવું ટૅક્સ રેજિમ’ અપનાવશે તેમને ૧૫,૦૦૦ રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.

૭,૦૦,૦૦૦ સુધીની આવક સુધી કોઈ ટૅક્સ નહીં લાગે. 

જે ટૅક્સ રેજિમમાં ઓછી ટૅક્સ લાયેબિલિટી હોય એ ટૅક્સ રેજિમ પસંદ કરવું જોઈએ અને એ પ્રમાણે તમારી સૅલેરીમાંથી ટીડીએસ કાપવા માટે તમારા એમ્પ્લોયરને તમારી પસંદગીની જાણ કરવી જોઈએ. 

સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સિસે ૫ એપ્રિલ, ૨૦૨૩ના રોજ પરિપત્રક ક્ર. ૪/૨૦૨૩ બહાર પાડ્યું છે, જેમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં એમ્પ્લોયર કેવી રીતે સૅલેરીમાંથી ટૅક્સ કાપશે એ સૂચવવામાં આવ્યું છે. એમ્પ્લોયરે પોતાના દરેક કર્મચારી પાસેથી તેઓ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪ અને આગળ આવનાર વર્ષોમાં કયા ટૅક્સ રેજિમને પસંદ કરવા માગે છે એની માહિતી મેળવવી પડશે. કર્મચારીએ પણ તેના એમ્પ્લોયરને પોતાના ટૅક્સ રેજિમની પસંદગી જણાવવી પડશે. ત્યાર બાદ એમ્પ્લોયર, કર્મચારીની કુલ આવકની ગણતરી કરશે અને એણે પસંદ કરેલા ટૅક્સ રેજિમ અનુસાર ટીડીએસ કાપશે. 

આ પણ વાંચો :કૅશ પર્ક્વિઝિટ અને લોન રાઇટ-ઑફની કરપાત્રતા વિશે સ્પષ્ટતા

જો કર્મચારીએ એની ટૅક્સ રેજિમ વિષયક પસંદગી એમ્પ્લોયરને જણાવી નહીં હોય તો, કર્મચારીએ નવું ટૅક્સ રેજિમ પસંદ કર્યું છે એમ ધારી લેવામાં આવશે અને આ ડિફૉલ્ટ ટૅક્સ રેજિમ એટલે કે ૧ એપ્રિલ, ૨૦૨૩થી લાગુ પડતા ‘નવા ટૅક્સ રેજિમ’ પ્રમાણે ટૅક્સ કાપવામાં આવશે. 

૭. આ પરિપત્રકમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કર્મચારી આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતી વેળાએ અગાઉ પસંદ કરાયેલા જૂનામાંથી નીકળીને નવું અને નવામાંથી નીકળીને જૂનું રેજિમ અપનાવી, પછી ભલે એમણે પહેલાં કોઈ પણ ટૅક્સ રેજિમની પસંદગીની જાણ પોતાના એમ્પ્લોયરને કરી હોય.  

સવાલ તમારા…

પ્રશ્ન : જો કોઈ કર્મચારીએ એપ્રિલ ૨૦૨૩માં જૂના ટૅક્સ રેજિમની પસંદગી કરી હોય અને એ પછી તેને ડિસેમ્બર ૨૦૨૩માં નવા ટૅક્સ રેજિમમાં જવું હોય અથવા તો એથી વિરુદ્ધ કરવું હોય તો તેમને એવું કરવાની મંજૂરી મળી શકે? 

ઉત્તર : નાણાકીય વર્ષ દરમ્યાન ટૅક્સ રેજિમને બદલી શકાય કે નહીં એ બાબતે બોર્ડના પરિપત્રકમાં કોઈ સ્પષ્ટતા થઈ નથી. અમારે મતે, કર્મચારી જૂના કે નવા ટૅક્સ રેજિમને, એક વાર પસંદ કર્યા પછી નાણાકીય વર્ષ દરમ્યાન પોતે પસંદ કરેલું ટૅક્સ રેજિમ બદલી શકે નહીં. 

એક વાર એમ્પ્લોયરને ટૅક્સ રેજિમની પસંદગી બાબત જણાવ્યા બાદ એ પ્રમાણે ટૅક્સ કપાઈ જશે. 

તેમ છતાં, કર્મચારી આવકવેરાનું રિટર્ન ફાઇલ કરતી વખતે કોઈ પણ ટૅક્સ રેજિમની પસંદગી કરી શકશે.  

- જનક બથિયા

business news income tax department