૨૦૨૫ને વેપારીઓના આત્મસન્માન વર્ષ તરીકે ઊજવશે CAIT

06 January, 2025 07:20 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

૬-૭ જાન્યુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય વેપારી સંમેલનનું આયોજન : દેશભરમાં અનેક કાર્યક્રમો યોજાશે, વેપારીઓના અધિકારો અને ગૌરવ માટે વિશેષ પહેલ કરવામાં આવશે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)ના રાષ્ટ્રીય મંત્રી અને અખિલ ભારતીય ખાદ્યતેલ વ્યાપારી મહાસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે CAITએ વર્ષ ૨૦૨૫ને ‘વ્યાપારી સ્વાભિમાન વર્ષ’ તરીકે ઊજવવાનો નિર્ણય લીધો છે.

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભરતિયા તથા રાષ્ટ્રીય મહાસચિવ અને દિલ્હીના ચાંદની ચોકના સંસદસભ્ય પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે ‘આ વર્ષ વેપારીઓના અધિકારો; દેશના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વિકાસમાં તેમના યોગદાન અને તેમની સમસ્યાઓને ઉજાગર કરવા અને તેમનું સન્માન સ્થાપિત કરવા માટે સમર્પિત રહેશે.’

 CAIT ૬-૭ જાન્યુઆરીએ દિલ્હીમાં નૅશનલ ટ્રેડર્સ કૉન્ક્લેવનું આયોજન કરી રહ્યું છે જેમાં દેશનાં તમામ રાજ્યોના દોઢસોથી વધુ વ્યાપારી અગ્રણીઓ ભાગ લેશે અને તમામ કાર્યક્રમોને અંતિમ સ્વરૂપ આપશે. આ મેગા યોજનાના અમલીકરણમાં દેશભરની ૪૮ હજારથી વધુ વ્યવસાયિક સંસ્થાઓ સામેલ થશે. 

CAITના અધ્યક્ષ બ્રિજમોહન અગ્રવાલે જણાવ્યું હતું કે શરૂઆતમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન વ્યાપાર સ્વાભિમાન વર્ષ હેઠળ કરવામાં આવ્યું છે જેમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે. 

) રાષ્ટ્રવ્યાપી અભિયાન વેપારીઓની સમસ્યાઓ વિશે રાષ્ટ્રીય સ્તરે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે. વેપારીઓને લાભદાયી હોય એવી નીતિઓ શોધવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવશે.

) સન્માન સમારંભ દેશભરના વેપારીઓના યોગદાનને માન્યતા આપવા માટે વિશેષ સન્માન સમારોહ યોજવામાં આવશે. અગ્રણી વ્યાપારીઓ અને સંસ્થાઓને તેમના ઉત્કૃષ્ટ યોગદાન માટે સન્માનિત કરવામાં આવશે.

) સેમિનાર અને વર્કશૉપ વ્યવસાયિક જ્ઞાન અને આધુનિક ટેક્નૉલૉજી વિશે જાગૃતિ વધારવા માટે પરિસંવાદો અને કાર્યશાળાઓનું આયોજન કરવામાં આવશે. ડિજિટલ વેપાર, GST, ઈ-કૉમર્સ અને અન્ય મહત્ત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

) વ્યાપારી રૅલી અને કૂચ  વેપારીઓના અધિકારોનું રક્ષણ કરવા માટે દેશનાં જુદાં-જુદાં રાજ્યોમાં સ્વાભિમાન કૂચ કાઢવામાં આવશે. વ્યવસાયમાં પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત કરવાની માગણી રહેશે.

) વ્યવસાયની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવું સ્થાનિક અને પરંપરાગત વેપારને પ્રોત્સાહન આપવા માટે વિશેષ મેળાઓ અને પ્રદર્શનો યોજવામાં આવશે. વેપારીઓનું આત્મસન્માન સર્વોપરી રહેશે.

 CAIT વેપારીઓની કરોડરજ્જુ તરીકે તેમની ભૂમિકાને સશક્ત બનાવવા માટે પ્રતિબદ્ધ છે. દેશના ૯ કરોડથી વધુ વેપારીઓને એક મંચ પર લાવવાનો આ પ્રયાસ વેપારી સમુદાયને નવી દિશા આપશે. તમામ વેપારી સંગઠનો, સંસ્થાઓ અને વેપારીઓને આ અભિયાનનો ભાગ બનવા અને ૨૦૨૫ને વેપારીઓના આત્મસન્માન વર્ષ તરીકે ઊજવીને તેમના અધિકારો અને ગૌરવનું રક્ષણ કરવા વિનંતી કરવામાં આવે છે. - શંકર ઠક્કર

business news indian government national news india delhi news new delhi