13 May, 2023 03:32 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશમાં એક તરફ રૂના ભાવ સતત ગગડી રહ્યા છે ત્યારે બીજી તરફ પાકના અંદાજો પણ સતત નીચા ને નીચા આવી રહ્યા છે. કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયા (સીએઆઇ)એ આજે દેશમાં રૂના પાકના અંદાજમાં વધુ એક વાર ઘટાડો કર્યો છે અને આ મહિને પાકના અંદાજમાં ૪.૬૫ લાખ ગાંસડીનો ઘટાડો કરીને ૩૯૮.૩૫ લાખ ગાસંડી (૧૭૦ કિલો)નો અંદાજ મૂક્યો છે. અસોસિએશન દ્વારા મૂકવામાં આવેલો આ અંદાજ છેલ્લાં ૧૪ વર્ષનો સૌથી નીચો અંદાજ છે.
દેશમાં વર્ષ ૨૦૦૮-’૦૯માં રૂનો પાક ૨૯૦ લાખ ગાંસડી થયો હોવાનો અંદાજ એ વર્ષે કૉટન ઍડ્વાઇઝરી બોર્ડે મૂક્યો હતો. દેશમાં ત્યાર બાદ તબક્કાવાર રૂના પાકમાં વધારો થયો હતો અને વર્ષ ૨૦૧૩-’૧૪માં રૂનો પાક વધીને કૉટન અસોસિએશનના અંદાજ મુજબ ૪૦૨ લાખ ગાંસડી અને કૉટન ઍડ્વાઇઝરી બોર્ડ મુજબ ૩૯૮ લાખ ગાંસડીનો પાક હતો. આ રેક્રૉડબ્રેક પાક બાદ સતત ઘટાડો થઈ રહ્યો છે.
કૉટન અસોસિએશન ઑફ ઇન્ડિયા દ્વારા પણ ઑક્ટોબર ૨૦૨૨માં સીઝનની શરૂઆત થઈ ત્યારે રૂના પાકનો અંદાજ ૩૪૪ લાખ ગાંસડીનો મૂકવામાં આવ્યો હતો, જેમાં તબક્કાવાર સાત મહિના સુધી ઘટાડો કરીને હવે ફાઇનલ આ મહિનાનો અંદાજ ૨૯૮.૩૫ લાખ ગાંસડીનો મૂક્યો છે. સીએઆઇ દ્વારા મહારાષ્ટ્રના પાકનો અંદાજ બે લાખ ગાંસડી, તેલંગણનો બે લાખ, તામિલનાડુનો ૫૦,૦૦૦ ગાંસડી અને ઓડિશાનો ૧૫,૦૦૦ ગાંસડીના પાકનો અંદાજ ઘટાડવામાં આવ્યો છે.
કૉટન અસોસિએશનના પ્રમુખ અતુલ ગણાત્રાએ જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા દેશની કૉટન સાથે સંકળાયેલી કુલ ૧૧ જેટલી સંસ્થાઓના આવક અને પાકના અભિપ્રાયો લઈને પણ આ અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દેશમાં રૂની આયાત ચાલુ વર્ષે ૧૫ લાખ ગાંસડી આવવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૧૪ લાખ ગાંસડીની આયાત થઈ હતી. દેશમાં એપ્રિલ અંત સુધીમાં સાત લાખ ગાંસડી રૂ આવી ગયું છે અને હજી ૮ લાખ ગાસંડી રૂ આવવાનું બાકી છે.
રૂની નિકાસ ચાલુ વર્ષે ઘટીને માત્ર ૨૦ લાખ ગાંસડી જ થવાનો અંદાજ છે, જે ગયા વર્ષે ૪૩ લાખ ગાંસડીની થઈ હતી. આમ આયાતમાં ૨૩ લાખ ગાંસડીનો ઘટાડો કરવામાં આવ્યો છે. દેશમાં એપ્રિલ અંત સુધીમાં ૧૨ લાખ ગાંસડીની નિકાસ થઈ ચૂકી છે.