અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ ૩૧ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં ઘટાડો અટક્યો

07 December, 2023 07:22 AM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સમાં ઇકૉનૉમિક સ્લોડાઉનના સંકેતથી સોનામાં ખરીદી વધી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ ૩૧ મહિનાની નીચી સપાટીએ અને ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સમાં ઘટાડાથી સોનામાં નીચા મથાળેથી ખરીદી વધતાં મંદી અટકી હતી. મુંબઈ
જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૫ રૂપિયા ઘટી હતી. સોનું અને ચાંદી સતત બીજે દિવસે ઘટ્યાં હતાં. સોનું બે દિવસમાં ૧૧૩૭ રૂપિયા અને ચાંદી બે દિવસમાં ૨૧૬૨ રૂપિયા ઘટી હતી. 

વિદેશ પ્રવાહ
અમેરિકાના જૉબ ઓપનિંગ નંબર્સ ઑક્ટોબરમાં ૩૧ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં અને અમેરિકાના ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ તેમ જ ઇકૉનૉમિક ઍક્ટિવિટીના તમામ સબઇન્ડેક્સમાં મોટો ઘટાડો થતાં ફેડ માર્ચ મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ વધારશે એના ચાન્સિસ વધ્યા હતા, જેને પગલે સોનામાં ખરીદી વધી હતી. મંગળવારે સોનું એક તબક્કે ઘટીને ૨૦૦૯.૯૦ ડૉલર થયા બાદ બુધવારે વધીને ૨૦૩૫.૭૦ ડૉલર થયું હતું, જે બુધવારે સાંજે ૨૦૨૧થી ૨૦૨૨ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. જોકે ચાંદીના ભાવ ફ્લેટ રહ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચતાં ડૉલર ઇન્ડેક્સ વધીને બે સપ્તાહની ઊંચાઈએ ૧૦૪.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, પણ અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા ધારણા કરતાં વધુ પડતા નબળા આવતાં ફરી ડૉલર ૦.૧૬ ટકા ઘટીને ૧૦૩.૮૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટામાં ૧.૭૦ લાખ નવી રોજગારી ઉમેરાવાની અને અનએમ્પ્લૉયમેન્ટ રેટ ૨૨ મહિનાની ઊંચી સપાટીએ ૩.૯ ટકાએ પહોંચવાની ધારણા છે. 
ઇન્ટરનૅશનલ ખ્યાતનામ ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ડાઉનગ્રેડ કર્યા બાદ ચીનની ગવર્નમેન્ટનું ક્રેડિટ રેટિંગ સ્ટેબલથી નેગેટિવ કર્યું હતું. ચીનની ઇકૉનૉમિક કન્ડિશન વિશે સતત વધતી અનિશ્ચિતતા અને પ્રૉપટી માર્કેટ સતત તૂટી રહી હોવાથી મૂડીઝે ક્રેડિટ રેટિંગ ડાઉન કર્યું હતું. ચીનની પોલિટ બ્યુરોની મીટિંગ અને ઍન્યુઅલ ઇકૉનૉમિક વર્ક કૉન્ફરન્સમાં ક્રેડિટ રેટિંગ ડાઉન થયાની ચર્ચા થશે. 

અમેરિકાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૧.૮ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા બાવન પૉઇન્ટની હતી. સર્વિસ સેક્ટરમાં બિઝનેસ ઍક્ટિવિટી અને પ્રોડક્શનનો ગ્રોથ ફાસ્ટ બનતાં ઓવરઑલ સર્વિસ સેક્ટરને ફાયદો થયો હતો. અમેરિકામાં સર્વિસ સેક્ટરનું વેઇટેજ ઇકૉનૉમીમાં ૭૭.૬ ટકા હોવાથી પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ
પણ નવેમ્બરમાં વધીને ચાર મહિનાની ઊંચી સપાટીએ ૫૦.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૦.૬ પૉઇન્ટ હતો. 

અમેરિકાનો જૉબ ઓપનિંગ નંબર્સ ઑક્ટોબરમાં ૬.૧૭ લાખ ઘટીને ૩૧ મહિનાની નીચી સપાટીએ ૮૭.૩૩ લાખે પહોંચ્યા હતા, જેના વિશે માર્કેટની ધાણા ૯૩ લાખની હતી. ખાસ કરીને હેલ્થકૅર અને સોશ્યલ અસિસ્ટન્ટ સેક્ટરમાં નોકરીઓ ઘટી રહી છે. આ ઉપરાંત ફાઇનૅન્સ, ઇન્શ્યૉરન્સ, રિયલ એસ્ટેટ, રેન્ટલ, લીઝિંગ સેક્ટરમાં નોકરીઓ ઘટી રહી છે. એક માત્ર ઇન્ફર્મેશન સેક્ટરમાં નોકરીઓ વધી રહી છે. અમેરિકામાં નોકરીઓ ગુમાવનારાઓની સંખ્યા ઑક્ટોબરમાં ઘટીને ૩૬.૨૮ લાખે પહોંચી હતી, જે સપ્ટેમ્બરમાં ૩૬.૪૬ લાખ હતી. 
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ડિસેમ્બરમાં ૧૦.૧ ટકા ઘટીને ૪૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે નવેમ્બરમાં ૪૪.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૫.૨ પૉઇન્ટની હતી. આગામી છ મહિનાની ઇકૉનૉમિક કન્ડિશનની ધારણાનો ઇન્ડેક્સ ૧૨.૩ ટકા ઘટીને ૩૪.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો. પર્સનલ ફાઇનૅન્સનો આગામી છ મહિનાના આઉટલૂકને બતાવતો ઇન્ડેક્સ પણ ૬.૬ ટકા ઘટીને ૪૯.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન ગવર્નમેન્ટની ઇકૉનૉમિક પૉલિસી પરના વિશ્વાસને બતાવતો ઇન્ડેક્સ ૧૩ ટકા ઘટીને ૩૬.૧ ટકાએ પહોંચ્યો હતો. અમેરિકાની હાલની
અને આગામી છ મહિના સુધીની ઇકૉનૉમિક કન્ડિશનના દરેક ઇન્ડેક્સ મોટા પ્રમાણમાં ઘટ્યા હોવાથી અમેરિકન ઇકૉનૉમિક કન્ડિશન દિવસે-દિવસે ખરાબ બની રહી હોવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. 

અમેરિકાનો લૉજિસ્ટિક મૅનેજર્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં નવ મહિનાની ઊંચાઈએ ૫૬.૫ પૉઇન્ટ હતો. લૉજિસ્ટિક સેક્ટરનો ગ્રોથ સતત ત્રણ મહિના વધ્યા બાદ ફરી ઘટ્યો હતો. વેરહાઉસ કૅપિસિટી અને ટ્રાન્સપોર્ટેશન કૅપિસિટી ઘટી હતી, જેને કારણે વેરહાઉસ યુટિલાઇઝેશન અને ટ્રાન્સપોર્ટ યુટિલાઇઝેશન ઘટ્યું હતું. 
યુરો એરિયાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી બાર વર્ષનું ઘટીને ચાર ટકાએ રહ્યું હતું. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશનમાં કોઈ વધ-ઘટ નોંધાઈ નથી. આથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો ઇન્ફ્લેશનનો બે ટકાનો ટાર્ગેટ હજી એક વર્ષ સુધી હાંસલ થવો મુશ્કેલ હોવાથી યુરોપિયન સેન્ટ્રલ બૅન્કને ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવો મુશ્કેલ છે. ઑસ્ટ્રેલિયાનો થર્ડ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ૦.૨ ટકા રહ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૪ ટકા હતો. ગ્રોથ રેટ છેલ્લા એક વર્ષનો સૌથી નીચો રહ્યો હતો. ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટનો વધારો ધીમો પડતાં તેમ જ હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શન એકદમ ફ્લૅટ રહેતાં ઑસ્ટ્રેલિયાનો ગ્રોથ રેટ ઘટ્યો હતો. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ 
અમેરિકાનો ઇકૉનૉમિક ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ અને એના તમામ સબઇન્ડેક્સ અતિશય નબળા હોવાથી ઇકૉનૉમિક સ્લોડાઉનના સંકેતો મળી રહ્યા છે. અમેરિકાની હાઉસિંગ માર્કેટ અને જૉબ માર્કેટ પણ નબળી પડી રહી છે. આ સંજોગોમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાની હિંમત કરી શકે એમ નથી. મૂડીઝે અમેરિકા બાદ હવે ચીનનું ક્રેડિટ રેટિંગ ડાઉન કર્યું હોવાથી ઇકૉનૉમિક સ્લોડાઉન ઝડપથી વિસ્તરી રહ્યું છે. અમેરિકામાં ઇકૉનૉમિક કન્ડિશન નબળી પડી રહી હોવાથી ફેડ જાન્યુઆરીમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડે એવી શક્યતા સી.એમ.ઈ. ફેડ વૉચમાં વધીને ૧૨.૬ ટકાએ પહોંચી છે, જ્યારે માર્ચમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની શક્યતા ૫૪.૫ ટકાએ પહોંચી
હતી. આ સંજોગોમાં જો શુક્રવારે જાહેર થનારા અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા નબળા આવશે તો સોનામાં ઘટ્યા મથાળેથી ફરી તેજીની આગેકૂચ ચાલુ થવાની ધારણા છે.

business news share market sensex nifty