સ્ટાર્ટઅપ સાહસિકો માટે લાઇફ ઇન્શ્યૉરન્સની અગત્યતા

06 December, 2023 08:09 AM IST  |  Mumbai | Priyanka Acharya

યુવાન સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો નવા વ્યવસાયના અણધાર્યા પ્રદેશમાં પ્રવાસ કરવા માટે ઘણા ઉત્તેજક હોય છે, પરંતુ આ પ્રવાસમાં અમુક જોખમો પણ સાથે આવે છે.

પ્રતીકાત્મક તસવીર

રાકેશે તેના સ્ટાર્ટઅપની શરૂઆત કરવા માટે તેની ૧૦ વર્ષ જૂની કૉર્પોરેટમાંની નોકરી છોડી દીધી. તેની સાથે તેનો પાડોશી રોનક જોડાયો હતો, જે એક ઉત્સાહી યુવક હતો અને તાજેતરમાં જ તેણે મૅનેજમેન્ટની ડિગ્રી મેળવી હતી. આ બન્ને જણ સ્ટાર્ટઅપ શરૂ કરવાની વાતથી ખૂબ જ ઉત્સાહી હતા. આ ગાળામાં રોનકના પિતાએ જ્યારે તેમને સૂચવ્યું કે તેઓએ લાઇફ ઇન્શ્યૉરન્સ લેવા માટેનાં પ્લાનિંગ માટે થોડો સમય કાઢવો જ જોઈએ ત્યારે તેઓ તેમની આ વાતની અવગણના કરતા રહ્યા. રાકેશ એ સમયે મજાક પણ કરતો હતો કે ‘કાકા, કોઈએ તમારી નિવૃત્તિ પછી તમને લાઇફ ઇન્શ્યૉરન્સ એજન્ટ બનાવી દીધા છે કે શું? સ્ટાર્ટ્યુપ્રેનિયર્સ તરીકે ઇન્શ્યૉરન્સ માટે અમારી પાસે સમય અને પૈસા છે જ ક્યાં?’ એક વાર સ્ટાર્ટઅપ વિશેના શિખર સંમેલનમાં આ બન્ને જણે ભાગ લીધો હતો. આ સંમેલનમાં ચર્ચાના મહત્ત્વના મુદ્દાઓમાંનો એક મુદ્દો ઇન્શ્યૉરન્સનો પણ હતો. ઇન્શ્યોરન્સના વિષય પર જે ચર્ચા કરવામાં આવી હતી એના મુખ્ય ૧૦ મુદ્દા નીચે પ્રમાણે છે. 

૧. ભાવિ જોખમ સામે સુરક્ષા 
યુવાન સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો નવા વ્યવસાયના અણધાર્યા પ્રદેશમાં પ્રવાસ કરવા માટે ઘણા ઉત્તેજક હોય છે, પરંતુ આ પ્રવાસમાં અમુક જોખમો પણ સાથે આવે છે. આવા નવા ઉદ્યોગમાં ઘણા ઉતાર-ચડાવ આવતા હોય એવા માહોલમાં જીવન વીમાની જરૂરિયાત ફક્ત આર્થિક સાવચેતી માટે જ નહીં, પરંતુ ઉદ્યોગસાહસિકના જીવનના વ્યાવસાયિક અને વ્યક્તિગત એમ બન્ને પાસાંના ભાવિની સુરક્ષા માટે વ્યૂહાત્મક ચાલ બની રહે છે.

૨. વ્યવસાય માટેની આર્થિક સુરક્ષા 
સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકોએ જીવન વીમાને શા માટે મહત્ત્વ આપવું જોઈએ એનાં કારણોમાંનું એક મુખ્ય કારણ છે તેમના વ્યવસાયની આર્થિક સ્થિરતા જાળવી રાખવી. સ્ટાર્ટઅપના પ્રારંભિક તબક્કામાં સ્થાપક ફક્ત નેતા તરીકે જ નહીં, પરંતુ કંપનીની સફળતા માટે નિર્ણાયક કુશળતા અને જ્ઞાન ધરાવતી વ્યક્તિ તરીકે બહુ જ નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. આવો મહત્ત્વપૂર્ણ ભાગ ભજવનાર ઉદ્યોગસાહસિકના અકાળ મૃત્યુની કમનસીબ ઘટનામાં લાઇફ ઇન્શ્યૉરન્સ આર્થિક સુરક્ષા પ્રદાન કરી શકે છે.

૩. લોન સામે ગૅરન્ટી 
સ્ટાર્ટઅપ ઉદ્યોગસાહસિકો તેમનાં સાહસોને શરૂ કરવા માટે મોટે ભાગે બહારથી ભંડોળ અથવા લોન લેતા હોય છે. લાઇફ ઇન્શ્યૉરન્સ આવી નાણાકીય વચનબદ્ધતાઓની સામે ગૅરન્ટી (બાંયધરી) તરીકે સેવા આપી શકે છે. ઉદ્યોગસાહસિકના અવસાનની ઘટનામાં લાઇફ ઇન્શ્યૉરન્સમાંથી મળતી રકમમાંથી બાકી દેવાની પતાવટ થઈ શકે છે. આનાથી એ સુનિશ્ચિત કરી શકાય છે કે વ્યવસાય પાછળની મુખ્ય વ્યક્તિની ગેરહાજરીમાં પણ સ્ટાર્ટઅપની નાણાકીય જવાબદારીઓ પૂરી કરી શકાય છે.

૪. ભાગીદારો તેમ જ પ્રિયજનોમાં સંપત્તિનું સરળ ટ્રાન્ઝિશન
સ્ટાર્ટઅપનાં સાહસોમાં વ્યાવસાયિક ભાગીદારી સામાન્ય છે. ભાગીદારનું અચાનક મૃત્યુ થાય એવા સંજોગોમાં બિઝનેસ પર ઊંડી નકારાત્મક અસર પડી શકે છે. ભાગીદારના મૃત્યુની સ્થિતિમાં સરળ ટ્રાન્ઝિશનની સુવિધા લાઇફ ઇન્શ્યૉરન્સ દ્વારા યોજી શકાય છે, જેમાં હયાત ભાગીદારોને મૃત ભાગીદારનો હિસ્સો ખરીદવા માટે નાણાકીય સગવડ પ્રદાન કરી શકાય છે. આવી યોજના ન કેવળ બિઝનેસનું સાતત્ય સુરક્ષિત કરે
છે, પરંતુ મરનાર ભાગીદારના લાભાર્થીઓને પણ આર્થિક સુરક્ષા પૂરી પાડે છે.

૫. સ્થાપક / મુખ્ય વ્યક્તિ માટે સંરક્ષણ 
સ્ટાર્ટઅપ્સ ઘણી વાર તેમના સ્થાપકો અથવા કી વ્યક્તિઓ પર ખૂબ આધાર રાખે છે. લાઇફ ઇન્શ્યૉરન્સ આવા સ્થાપક અથવા મુખ્ય વ્યક્તિના અચાનક મૃત્યુ સાથે સંકળાયેલાં નાણાકીય જોખમોને ઘટાડી શકે છે. એ ભંડોળ પૂરું પાડે છે જે કંપનીને આ મુખ્ય વ્યક્તિની અવેજીમાં બીજી કોઈ વ્યક્તિની ભરતી એટલે કે રિપ્લેસમેન્ટ, દેવાની ચુકવણી કરવા અથવા કુશળતા અને નેતૃત્વના નુકસાનની ભરપાઈ જેવા ખર્ચને આવરી લઈને આવા થનાર નુકસાન સામે સંરક્ષણ આપી શકે છે. 
જોકે સ્ટાર્ટઅપની વિશિષ્ટ જરૂરિયાતો, સ્ટાર્ટઅપની કી વ્યક્તિઓ (મુખ્ય વ્યક્તિઓ)ની ભૂમિકાઓ અને નાણાકીય સંજોગોના આધારે લાઇફ ઇન્શ્યૉરન્સના યોગ્ય પ્રકાર અને રકમ પસંદ કરવી જરૂરી છે. નાણાકીય સલાહકાર અથવા વીમા નિષ્ણાત પાસે સલાહ લેવી જરૂરી છે, કેમ કે તેઓ સ્ટાર્ટઅપની આવશ્યકતાઓને અનુસાર ઇન્શ્યૉરન્સનો યોગ્ય પ્રકાર સૂચવી શકે છે. 
આપણે આવતા લેખમાં બાકીના પાંચ મુદ્દાઓ વિશે વિસ્તારથી સમજીશું.

sensex business news stock market nifty