તેજી બોલે છે કે પૈસો બોલે છે? સવાલ સમજવો જોઈશે

23 September, 2024 09:37 AM IST  |  Mumbai | Jayesh Chitalia

હાલની તેજીમાં લાર્જકૅપ સાથે સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ હરીફાઈમાં ઊતર્યા છે

પ્રતીકાત્મક તસવીર

શૅરબજારમાં પૈસાની તાકાતવાળી તેજી વધતી જાય છે. લોકલ અને ગ્લોબલ બન્ને સ્તરેથી નાણાંનો અને પૉઝિટિવ પરિબળોનો પ્રવાહ એકધારો વહેતો રહેવાને કારણે અને આગામી સમયમાં હજી નવાં પ્રોત્સાહક પરિબળો આકાર પામવાની આશાએ બજાર બુલિશ ટ્રેન્ડ સાથે નવી-નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યું છે. વૅલ્યુએશન વાજબી છે કે નહીં એ સવાલ ગૌણ થતો જાય છે ત્યારે કોનું જોર વધારે છે, તેજીનું કે પૈસાનું એ સમજવાનું મહત્ત્વ વધી ગયું છે

આપણે ઇચ્છીએ કે શૅરબજાર ગ્રોથ કરે, મજબૂત બને, પરંતુ સટ્ટાકીય પ્રવૃ​ત્તિ સતત વધે અને જોર પકડતી રહે તો સાવચેતીનો અભિગમ જરૂરી બને છે. અમે માર્કેટના ગ્રોથને પ્રોત્સાહન આપવા માગીએ છીએ એ ખરું, પણ સ્પેક્યુલેટિવ ઍ​ક્ટિવિટીઝ સામે સતર્કતા રાખવામાં સાર હોવાનું પણ માનીએ છીએ... આ શબ્દો અને ભાવ નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે ગયા સપ્તાહમાં વ્યક્ત કર્યા હતા. આ વિષયમાં નિયમનસંસ્થા SEBI અને રિઝર્વ બૅન્ક પણ ચિંતા વ્યક્ત કરતાં રહ્યાં છે. લોકો પોતાના જીવનની મહામૂલી બચતોને ઊંચા જોખમમાં ન મૂકે એ પ્રત્યે સાવચેતીનું વલણ રાખવું આવશ્યક છે એમ જણાવતાં ફાઇનૅન્સ મિનિસ્ટરે કહ્યું હતું કે ચેતવણી આપવી જરૂરી છે, પણ આમ કરવામાં માર્કેટને રૂંધવાનો આશય નથી. 

રોકાણકારોની માનસિકતા

નાણાંપ્રધાને ગયા સપ્તાહના આરંભમાં જ આ વાત કરી, પરંતુ સટ્ટાકીય પ્રવૃત્તિ ચાલી રહી છે અને ચાલતી પણ રહેશે, જેનું કારણ સ્પષ્ટ છે. બજારમાં ઉછાળા ચાલુ રહ્યા છે, આશાવાદ ઊંચો બનતો જાય છે એટલે લોકોની ખરીદી ચાલુ રહેવાની અને શૉર્ટ ટર્મમાં લે-વેચનો ટ્રેન્ડ પણ સક્રિય રહેવાનો એ નક્કી છે. શૅરબજારમાં અત્યારે નાણાંની ભરમાર ચાલી રહી છે, બીજા શબ્દોમાં કહીએ તો ઓવર સપ્લાય ઑફ મની છે, પરિણામે જે-તે ભાવે ખરીદી આવી જાય છે. સારો શૅર કયા ભાવે મળે એ જોવાતું નથી, બધા શૅર સારા લાગવા માંડે છે, જે મળે એ લઈ લો, જમા કરો અથવા હાલ લઈને નફો કરવા વેચી દો, ફરી ખરીદો કે જમા કરો. આ પ્રકારની માનસિકતા માર્કેટમાં વધતી રહી હોવાનું જોવાય છે. વર્તમાન આર્થિક પરિબળો અને સરકારનાં આર્થિક પગલાં આ માનિસકતાને ટેકો આપી રહ્યાં છે. એમાં વળી હાલ ગ્લોબલ, ખાસ કરીને અમેરિકાનાં પરિબળો ભળી જતાં અને ફૉરેન ઇન્વેસ્ટર્સની જબ્બર લેવાલી રહેતાં ભારતીય માર્કેટને નવી ઉડાન મળી છે.

ઝડપી વૃદ્ધિનું આકર્ષણ

એક ધ્યાન આપવા જેવી બાબત એ છે કે હાલની તેજીમાં લાર્જકૅપ સાથે સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સ હરીફાઈમાં ઊતર્યા છે અને આમાંથી ઘણા સ્ટૉક્સ તો લાર્જકૅપ કરતાં પણ આગળ નીકળી ગયા છે, જે બાબત રાજી થવા કરતાં સાવધાનીની વિશેષ જરૂર જણાય છે. SME સ્ટૉક્સ વધી રહ્યા છે, એમના IPO પણ બેફામ છલકાઈ રહ્યા છે. એ દૃશ્યો વચ્ચે ગયા સપ્તાહમાં બજાજ હાઉસિંગ ફાઇનૅન્સના ઇશ્યુને મળેલો અસાધારણ પ્રતિસાદનો અનુભવ પણ સૌએ જોયો, એના લિસ્ટિંગ ગેઇનના લાભને પણ બજારે માણ્યો. આટલા ટૂંકા ગાળામાં નાણાં બમણાં કે આટલું ઊંચું વળતર કોણ આપે છે? ઇ​ક્વિટી સિવાય કોઈ નહીં. પરિણામે ઇક્વિટી  બજાર તરફ નાણાપ્રવાહ વધુ ને વધુ વહેવાનું ચાલુ છે.

બજાજ બાદ તાતા ગ્રુપ પણ?

બજાજ ગ્રુપની બજાજ હાઉસિંગ ફાઇનૅન્સના ઇશ્યુને જબરદસ્ત પ્રતિસાદ મળ્યા બાદ એના લિસ્ટિંગમાં જે ઊંચા ભાવ ખૂલ્યા એને ધ્યાનમાં લેતાં તાતા ગ્રુપની કંપની ઇશ્યુ લાવે તો કેવો પ્રતિભાવ મળે એવો સવાલ ચર્ચાવો સહજ છે. તાતા સન્સમાં ૧૮ ટકા જેટલો હિસ્સો ધરાવનાર શાપુરજી પાલનજીના મતે તાતા સન્સે પણ IPO લાવવાનું વિચારવું જોઈએ. તાતા સન્સની વાર્ષિક સભામાં આ ચર્ચા થઈ હોવાનું જાણવા મળ્યું છે. વૅલ્યુ અનલૉક કરવા માટે આ પગલું ભરાય તો કૅપિટલ માર્કેટમાં વધુ એક યાદગાર ઘટના બની શકે અને રોકાણકાર વર્ગને નવી અસાધારણ તક પ્રાપ્ત થઈ શકે. હાલ તાતા ટ્રસ્ટ તાતા સન્સમાં ૬૬ ટકાનો કન્ટ્રોલિંગ સ્ટેક ધરાવે છે.

અમેરિકા ફેડનું બજારને બૂસ્ટર

દરમ્યાન વાઘ આવ્યો, વાઘ આવ્યો કરતાં આખરે ગયા સપ્તાહમાં ખરેખર વાઘ આવ્યો. અમેરિકામાં રીટેલ સેલ્સ ડેટા સારા આવતાં અને સંજોગો અનુકૂળ બનતાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં પચાસ બેસિસ પૉઇન્ટ (અડધો ટકો) ઘટાડો જાહેર થયો. પરિણામે ગુરુવાર અને શુક્રવાર બન્ને દિવસે શૅરબજારમાં અપેક્ષિત ઉછાળો નોંધાયો અને બજારે નવી ઊંચાઈ પણ નોંધાવી. મહત્ત્વની વાત એ છે કે ફેડરલ રિઝર્વ આ વર્ષના અંત સુધીમાં વધુ બે વાર રેટ-કટ કરે એવી શક્યતા વ્યક્ત થઈ છે. ફેડના મતે અમેરિકામાં ઇન્ફ્લેશન બે ટકા સુધી નીચે જશે, જેથી ૨૦૨૫માં વધુ એક ટકો અને ૨૦૨૬માં અડધો ટકો રેટ-કટ આવી શકે. આમ ફરી હળવા વ્યાજદર તરફ વિવિધ દેશોની ઇકૉનૉમી આગળ વધી રહી હોવાના સંકેત પણ બહાર આવી રહ્યા છે, એના પુરાવારૂપે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે પણ ૬૦ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ જાહેર કર્યો છે. હવે પછી રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા તરફથી પણ રેટ-કટની શક્યતા અને આશા વધી છે. આમ શૅરબજારને જોર અને જોશ મળવાનાં પરિબળો વધ્યાં છે અને હજી વધવાની આશા પણ નક્કર બની રહી છે.

બજાર વધવાનો લોકોનો વિશ્વાસ 

નવા સપ્તાહમાં કરેક્શનની અપેક્ષા રહેશે, પરંતુ જો સુધારો જ ચાલુ રહ્યો તો જોખમની માત્રા વધી શકે. કરેક્શન આવશે તો તરત લોકો ખરીદી માટે આગળ આવશે, કારણ કે બજાર હવે નવી ઊંચાઈ તરફ જોવા લાગ્યું છે. પૈસાની તાકાત તેજીની તાકાત વધારી રહી છે, ફન્ડામેન્ટલ્સની તાકાત વધે એ વધુ જરૂરી છે. આગામી દિવસો તહેવારોના તો છે જ, પરંતુ તેજીના પણ ખરા, જેથી રોકાણપ્રવાહ ચાલુ રહેવાની આશા બુલંદ છે. બજાર ઘટશે એ કરતાં બજાર વધશે એવો લોકોનો વિશ્વાસ પણ નવી ઊંચાઈ હાંસલ કરી રહ્યો છે.

ભારતીય માર્કેટ્સમાં રોકાણપ્રવાહ વધશે : માર્ક મોબિયસ

ફેડના રેટ-કટ બાદ ઇમર્જિંગ માર્કેટ્સમાં વધુ રોકાણપ્રવાહ આવશે. ખાસ કરીને ભારત સહિતની એશિયાની બજારોમાં આ પ્રવાહ જોવાશે. આ નિવેદન કરતાં ઇમર્જિંગ માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ ગુરુ ગણાતા માર્ક મોબિયસે કહ્યું છે કે ‘હવે પછી મની-મૅનેજર્સ વધુ જોખમ લેવા પ્રેરાશે. અગાઉ હું ઇમર્જિંગ માર્કેટ્સ પ્રત્યે વધુ સજાગ હતો. જોકે ભારતીય માર્કેટ માટે હું બુલિશ રહ્યો છું અને હવે અમેરિકન ફેડના પગલા બાદ વધુ બુલિશ બન્યો છું. હવે પછી અમેરિકામાંથી વધુ ભંડોળ ઊભરતી બજારોમાં આવશે. ભારતમાં વૅલ્યુએશન, ખાસ કરીને સ્મૉલ અને મિડકૅપ સ્ટૉક્સમાં હાઈ હોવા છતાં હું ભારતીય બજાર માટે ઊંચો આશાવાદ ધરાવું છું. ભારતીય માર્કેટે છેલ્લાં પાંચ વર્ષમાં અન્ય માર્કેટ્સ કરતાં ઊંચું વળતર આપ્યું છે.’

 
વિશેષ ટિપ - શૅરબજારમાં કમાવાની વધુપડતી લાલચ રાખનારા વધુ જોખમ લે છે અને ગુમાવે છે પણ વધુ.

business news jayesh chitalia columnists share market stock market national stock exchange bombay stock exchange