ઇન્ડિયા સ્ટૉક માર્કેટ ટ્રેડિંગ ગ્રુપના છટકામાં સપડાશો નહીં

22 May, 2024 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

BSEની રોકાણકારોને ચેતવણી

પ્રતીકાત્મક તસવીર

ઇન્ડિયા સ્ટૉક માર્કેટ ટ્રેડિંગ ગ્રુપ નામનું એક વૉટ્સઍપ ગ્રુપ મોબાઇલ નંબર 96394 93180, 90936 67060, 88705 67995, 91107 48966, 75449 98799, 75958 10122, 76440 37948, 63013 86770 અને 99183 12246 દ્વારા કાર્યરત છે અને BSE પ્લૅટફૉર્મ પર સામાન્ય બજારદરોની તુલનામાં ડિસ્કાઉન્ટ દરે સ્ટૉક્સ ઑફર કરવાનો દાવો કરે છે અને ૧૦૦ દિવસોમાં બ્લૉક ટ્રેડિંગમાં ૧૦ ગણા રિટર્નની બાંયધરી આપતો ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ઑફર કરે છે. આ દાવાઓ ખોટા અને ભ્રામક છે એમ BSEએ ગઈ કાલે સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું.

રોકાણકારોને સાવધાન કરતાં BSEએ જણાવ્યું હતું કે લોકો વૉટ્સઍપ પરના આવા કોઈ પણ ગ્રુપનો ભાગ ન બને અથવા શૅરબજારમાં સૂચક/ચોક્કસ/ગૅરન્ટીવાળું વળતર ઑફર કરતી કોઈ પણ વ્યક્તિ/હસ્તી, કોઈ પણ સ્કીમ/પ્રોડક્ટના પ્રભાવમાં આવે નહીં, કારણ કે કાયદા દ્વારા એ પ્રતિબંધિત છે. આ ઉપરાંત રોકાણકારોને સલાહ આપતાં BSEએ કહ્યું હતું કે તેઓ તેમનાં વ્યક્તિગત ઓળખપત્રો જેમ કે વ્યક્તિગત ઓળખ, સરનામું, બૅન્ક-ખાતું, ડીમૅટ ખાતાની વિગતો વગેરે પણ કોઈને આપે નહીં.

BSEએ સ્પષ્ટ કર્યું હતું કે એ આવા કોઈ પણ ગ્રુપ અથવા સ્કીમ અથવા અન્ય કોઈ પણ સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને સમર્થન આપતું નથી અને આવા વૉટ્સઍપ ગ્રુપ અથવા પ્રતિબંધિત સ્કીમોમાં કોઈ પણ ભાગીદારી રોકાણકારોના પોતાના જોખમ, ખર્ચ અને પરિણામો પર રહેશે.

business news stock market share market bombay stock exchange national stock exchange sensex nifty whatsapp