BSEની વિક્રમજનક ત્રિમાસિક કામગીરી

13 November, 2024 08:07 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૮૧૯ કરોડની આવક અને ૩૪૬ કરોડનો ચોખ્ખો નફો

પ્રતીકાત્મક તસવીર

BSE (બૉમ્બે સ્ટૉક એકસચેન્જ)એ એની ૨૦૨૪ની ૩૦ સપ્ટેમ્બર અંતેની જાહેર કરેલી  ત્રિમાસિક નાણાકીય કામગીરી મુજબ કન્સોલિડેટેડ ધોરણે આવક આગલા વર્ષના સમાન ગાળાની તુલનાએ ૧૨૩ ટકા વધીને ૮૧૯ કરોડ રૂપિયા અને ચોખ્ખો નફો આગલા વર્ષના સમાન ગાળાના ૧૧૮ કરોડથી ૧૯૨ ટકા વધીને ૩૪૬ કરોડ રૂપિયા થયો છે. કામકાજની આવક ૩૧૫ કરોડથી ૧૩૭ ટકા વધીને ૭૪૬ કરોડ અને ઘસારા, કરવેરા અને વ્યાજ પૂર્વેનો નફો ૧૩૩ કરોડથી ૧૯૨ ટકા વધીને ૩૮૯ કરોડ રૂપિયા થયો છે. કાર્યકારી નફાનું માર્જિન ૪૨ ટકાથી વધીને બાવન ટકા થયું છે.

આ પ્રસંગે BSEના કૅનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સુંદરરમણ રામમૂર્તિએ કહ્યું કે BSEએ એના ઇતિહાસની સર્વશ્રેષ્ઠ ત્રિમાસિક કામગીરી જાહેર કરી છે. અમે સતત અમારી પ્રોડક્ટ શ્રેણીના વિસ્તાર અને માળખાકીય ક્ષેત્રે રોકાણ કરતા રહીને નાણાકીય બજારમાં મોખરે રહેવા કૃતનિશ્ચયી છીએ. અમે બધા હિતધારકો સાથે મળીને અમારી બજારોને આગામી પેઢીના રોકાણકારોને સાનુકૂળ બનાવી રહ્યા છીએ.

BSEની પ્રાઇમરી માર્કેટના પ્લૅટફૉર્મ્સની કામગીરી જોઈએ તો કંપનીઓએ આ સમયગાળા દરમિયાન ૧૩.૭ લાખ કરોડ રૂપિયા વિવિધ ઇશ્યુઓ દ્વારા એકત્ર કર્યા હતા. સેકન્ડરી માર્કેટમાં ઇક્વિટી કૅશ સેગમેન્ટનું દૈનિક સરેરાશ ટર્નઓવર આગલા વર્ષના સમાન ગાળાના ૫૯૨૨ કરોડથી વધીને ૯૭૬૮ કરોડ રૂપિયા રહ્યું છે. સ્ટાર MF (મ્યુચ્યુઅલ ફન્ડ) પ્લૅટફૉર્મની આવક ૧૦૦ ટકા વધીને ૫૮.૭ કરોડ રૂપિયા થઈ છે. આ પ્લૅટફૉર્મ પર પ્રોસેસ કરાયેલા ટ્રાન્ઝૅક્શનની સંખ્યા ૬૮ ટકા વધીને ૧૬.૨૮ કરોડની થઈ છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange