22 November, 2024 07:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
SEBI
નિયમન તંત્ર સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ ઑક્ટોબર ૨૦૨૪માં કહેવાતા ઇશ્યુ કરેલા સર્ક્યુલર દ્વારા નવેમ્બર ૨૦૨૪થી ૧૦૧૦ સ્ટૉક્સને ક્લિયરિંગ કૉર્પોરેશન્સ પાસેથી માર્જિન ટ્રેડિંગ ફૅસિલિટી (MTF) પ્રાપ્ત કરવા માટેના સ્ટૉક્સની યાદીમાંથી બહાર કર્યા હોવાના અહેવાલ ફરતા થયા છે. એ સંબંધે BSEએ જાહેર કર્યું છે કે આવો કોઈ સર્ક્યુલર SEBI દ્વારા ઇશ્યુ કરવામાં આવ્યો નથી અને MTF પ્રાપ્ત કરી શકાય એ માટેની સિક્યૉરિટીઝની યાદીમાં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી.
વર્તમાન નિયમન માળખા પ્રમાણે ક્લિયરિંગ કૉર્પોરેશન્સ દ્વારા ઇશ્યુ કરાયેલા ગ્રુપ-૧માં સમાવિષ્ટ સ્ક્રિપ્ટ્સ અને એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ્સ પર ટ્રેડિંગ મેમ્બર્સ દ્વારા તેમના ક્લાયન્ટ્સને MTF પૂરું પાડવામાં આવે છે. ગ્રુપ-૧ની સિક્યૉરિટીઝની યાદી ઇમ્પેક્ટ કૉસ્ટની ભૂમિકા અનુસાર નક્કી કરાય છે અને એ પ્રત્યેક મહિને અપડેટ કરવામાં આવે છે અને એને એક્સચેન્જની સાઇટ પર પ્રસારિત કરવામાં આવે છે. આ મુજબ અત્યારે આશરે ૨૦૦૦ સિક્યૉરિટીઝ ગ્રુપ-૧નો હિસ્સો છે. અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે ઑક્ટોબર, ૨૦૨૪માં MTF હેઠળનું લૅન્ડિંગ ૮૦,૫૦૦ કરોડ રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચ્યું હતું.