ચાંદીમાં જબ્બર ઊથલપાથલ : સાત દિવસમાં ૯૬૩૭ રૂપિયાની વધ-ઘટ

05 June, 2024 07:30 AM IST  |  Mumbai | Mayur Mehta

ચાંદી ત્રણ દિવસમાં ૪૩૫૬ રૂપિયા અપ થયા બાદના ચાર દિવસમાં ૫૨૮૧ રૂપિયા ડાઉન

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકાના છેલ્લા ચાર-પાંચ દિવસમાં આવેલા તમામ ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં એકાએક સપ્ટેમ્બરમાં રેટકટના ચાન્સ વધી ગયા હોવાથી સોનું અને ચાંદી બન્ને મંગળવારે ઘટ્યા હતા. વિદેશી માર્કેટમાં સોનું ઘટીને ૨૩૨૪ ડૉલર અને ચાંદી ઘટીને ૨૯.૫૦ ડૉલર થઈ હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૧૯૩ રૂપિયા ઘટ્યો હોત, પણ ચાંદીનો ભાવ સતત ચોથે દિવસે પ્રતિ કિલો ૧૩૮૦ રૂપિયા ઘટ્યો હતો. ચાંદીનો ભાવ છેલ્લા ચાર સેશનમાં ૫૨૮૧ રૂપિયા ઘટી હતી. આમ છેલ્લા સાત દિવસમાં ૯૬૩૭ રૂપિયાની વધ-ઘટ જોવા મળી હતી.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા સતત નબળા આવી રહ્યા હોવાથી ડૉલર ઇન્ડેક્સ મંગળવારે વધુ ઘટીને બે મહિનાની નીચી સપાટીએ ૧૦૪.૦૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ સતત બીજે દિવસે ૦.૦૫ ટકા ઘટ્યો હતો. વર્લ્ડની છ કરન્સીના ડૉલર ઇન્ડેક્સમાં હાલ માત્ર ઑસ્ટ્રેલિયન ડૉલર અને જૅપનીઝ યેન સામે ડૉલર ઓછો ઘટ્યો છે, અન્ય કરન્સી સામે વધુ ઘટ્યો છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની ચાલુ સપ્તાહની મીટિંગમાં મોટે ભાગે રેટકટ આવવાની શક્યતા હોવાથી ડૉલરની મૂવમેન્ટ અગત્યની બની રહેશે.

અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ગવર્નમેન્ટના ઑફિશ્યલ રિપોર્ટમાં મે મહિનામાં ઘટીને ૪૮.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૪૯.૬ પૉઇન્ટ હતો, જ્યારે પ્રાઇવેટ એજન્સી સ્ટાન્ડર્ડ ઍન્ડ પુઅર્સના રિપોર્ટ અનુસાર મે મહિનામાં વધીને ૫૧.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે એપ્રિલમાં ૫૦ પૉઇન્ટ હતો તેમ જ પ્રિલિમિનરી રિપોર્ટમાં ૫૦.૯ પૉઇન્ટ હતો. અમેરિકાનું કન્સ્ટ્રક્શન્સ સ્પેન્ડિંગ એપ્રિલમાં ૦.૧ ટકા ઘટ્યું હતું જે અગાઉના મહિને ૦.૨ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા એપ્રિલમાં ૦.૨ ટકા વધારાની હતી.

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ

અમેરિકાના ઇકૉનૉમિક ડેટા હવે સોના-ચાંદીની વધ-ઘટ માટે બહુ જ નિર્ણાયક બન્યા છે, કારણ કે ગયા સપ્તાહે જાહેર થયેલા ગ્રોથરેટ, કૉર્પોરેટ પ્રૉફિટ, એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ, અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ નંબર્સ ડેટા નબળા આવ્યા બાદ ઑફિશ્યલ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ડેટા પણ નબળા આવતાં ફરી રેટકટના ચાન્સ વધ્યા છે. શિકાગો મર્કેન્ટાઇન્લ એક્સચેન્જ (CME) ફેડવૉચના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં રેટકટના ચાન્સ છેલ્લા ૨૪ કલાકમાં ૫૨.૧ ટકાથી વધીને ૫૯.૯ ટકાએ પહોંચ્યા છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ચાલુ સપ્તાહે રેટકટ લાવશે એ નિશ્ચિત છે એની રાહે બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ રેટકટ લાવશે. આ બન્ને સેન્ટ્રલ બૅન્કના નિર્ણય બાદ ફેડ પર રેટકટનું દબાણ વધશે. આ સંજોગોમાં જો અમેરિકન ઇકૉનૉમિક ડેટા એક પછી એક નબળા આવશે તો સપ્ટેમ્બરમાં ફરી રેટકટના ચાન્સિસ વધશે જેના કારણે સોનામાં ફરી તેજીની આગેકૂચ જોવા મળશે.

business news gold silver price