વ્યાજદર વધારો અટકતાં બૉન્ડ-શૅરો - રૂપિયામાં તેજી

10 April, 2023 03:17 PM IST  |  Mumbai | Biren Vakil

બ્રિક્સ દેશો વચ્ચે ​દ્વિપક્ષી કરન્સી ટ્રેડ વધ્યા- ડી-ડૉલરાઇઝેશન વેવમાં રૂપિયો પણ સામેલ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

રિઝર્વ બૅન્કે રેપોરેટને ૬.૫ ટકાના દરે યથાવત્ રાખીને બજારોને સુખદ આશ્ચર્યનો આંચકો આપ્યો છે. મોંઘવારી સામેની લડાઈમાં કોઈ કસર નથી એવી ચોખવટ કરતા આરબીઆઇ ગવર્નર શશિકાંત દાસે કહ્યું છે કે વર્તમાન પગલું પૉઝ છે, પીવોટ નથી. જરૂર પડે બૅન્ક વ્યાજદર વધારતા ખચકાશે નહીં. જોકે ડોવિશ સંકેત પછી શૅર અને બૉન્ડમાં તેજી થઈ હતી. બૉન્ડ યીલ્ડ ચાર મહિનાની નીચી સપાટી ૭.૨૦ થઈ ગયાં હતાં. શૅરબજારમાં ધીમી તેજી અને વેપાર ખાતામાં સ્થિતિ સુધરતાં ફૉરેક્સ રિઝર્વ ૬૦૦ અબજ ડૉલરને વટાવી ગઈ છે. રૂપિયો થોડા દિવસોથી મજબૂત થતો જાય છે. ડૉલર ૮૩.૨૦ના ટૉપથી ઘટીને ૮૧.૮૦ સુધી આવ્યો છે. અત્યારે મૂડ અપબીટ છે, પણ આગળ ક્રૂડ ૧૦૦ ડૉલર થાય, અલ નીનો જેવા વેધર રિસ્ક આવે તો રૂપિયાની તેજીમાં રુકાવટ આવી શકે. વૈશ્વિક સ્તરે સ્ટેગફ્લેશનનાં જોખમો વધ્યાં છે, પણ ભારતીય અર્થતંત્ર હજી સ્વીટ સ્પૉટ છે. અમેરિકા-યુરોપના બૅન્કિંગ સંકટના સંદર્ભમાં ભારતીય બૅન્કો વિદેશી હેજ ફન્ડો, રોકાણકારો માટે આકર્ષક છે. એશિયાઈ બૅન્કોમાં ઑસ્ટ્રેલિયાએ વ્યાજદર યથાવત્ રાખ્યા છે. વિયેટનામે વ્યાજદર ઘટાડ્યા છે.

રિઝર્વ બૅન્કે કરન્સી બજારોમાં ડેપ્થ અને પ્રવાહિતા વધારવા ઑનશૉર નૉનડિલિવરીબેલ જેરિવેટિવ બજાર વિકસાવવાનું એલાન કર્યું છે. હાલમાં ગિફ્ટ સિટી આઇએફસીમાં કાર્યરત બૅન્કો એનઆરઆઇ કે વિદેશી બૅન્કો સાથે એનડીએફ રૂપી ડેરિવેટિવ્ઝમાં કામ કરી શકે છે. હવે ઉક્ત બૅન્કો સ્વદેશી નાગરિકોને પણ એનડીએફ કરન્સી વાયદાની સવલત આપી શકશે જેનાથી સ્થાનિક નાગરિકો તેમ જ કારોબારીઓને હેજિંગ માટે વધારે ચૉઇસ મળશે. ગિફ્ટ સિટીમાં ઑફશૉર કારોબારમાં ધીમો પણ સંગીન વિકાસ થઈ રહ્યો છે. ઑફશૉર બજારમાં કરન્સી બજારોમાં કામકાજ વધ્યાં છે. સરકાર ગિફ્ટ સિટીને મહત્ત્વનું ઑફશૉર સેન્ટર બનાવવા મક્કમ છે એ સારી વાત છે. ભારતમાં મૉર્ગન સ્ટૅનલીની પહેલી ઑફિસ ગિફ્ટ સિટીમાં ખૂલી રહી છે. ઘણી વિદેશી બૅન્કોએ ગિફ્ટ સિટીમાં કારોબાર શરૂ કરી દીધો છે. રિઝર્વ બૅન્કે પ્રવાહ-પ્લૅટફૉર્મ ફોર રેગ્યુલેટરી ઍપ્લિકેશન, વેલિડેશન ઍન્ડ ઑથોરાઇઝેશન નામથી એક પોર્ટલ લૉન્ચ કર્યું છે. જેનાથી લાઇસન્સ, રેગ્યુલેટરી મંજૂરીઓ વગેરે સરળ બને. રૂપિયાની વાત પર પાછા ફરીએ તો શુક્રવારે જૉબડેટા એકંદરે સારો હતો. ફેડને મને કમને આગામી બેઠકમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વ્યાજદર વધારવા પડશે. જોકે બજારને એવો પાક્કો ભરોસો છે કે રિસેશનનો ડર હવે વાસ્તવિકતામાં પલટાતો જાય છે. ફુગાવા સામેની લડાઈમાં ફેડે વિકાસનો ભોગ આપવો પોસાય નહીં. ચાલુ વરસે ફેડને એકાદ રેટકટ તો આપવો જ પડશે. 

હાલમાં ડૉલર મોટા ભાગની કરન્સી સામે નરમ પડતો જાય છે એનો લાભ રૂપિયાને મળ્યો છે. જોકે પાઉન્ડ, યુરો, યેન અને ઇમર્જિંગ એશિયાઈ કરન્સી તેમ જ અમુક લેટિન અમેરિકન કરન્સીમાં જેવી તેજી થઈ છે એની તુલનાએ રૂપિયાની રિકવરી ઘણી નબળી છે. ચીલી પેસોમાં અંદાજે ૨૨ ટકા જેવો ઉછાળો છે. ઇન્ડોનેશિયા રૂપિયો પણ ઘણો સુધર્યો છે. હવે બજારની નજર ફેડ અને ઈસીબીની આગામી બેઠકો પર છે. રૂપિયામાં હાલપૂરતું ૮૨.૬૦-૮૨.૮૦ વચગાળાનું ટૉપ છે.

વૈશ્વિક પરિપેક્ષ્યમાં જોઈએ તો ડૉલર અવલંબન ઘટાડવા ઘણા દેશો હવે બાઇલેટરલ કરન્સી સમજૂતી કરી રહ્યા છે. રશિયા અને ચીન ડૉલરથી પીછો છોડાવવા શક્ય એટલા વિકલ્પ ખોજી રહ્યા છે. રશિયા-ચીનના વિદેશવેપારમાં યુઆન-રૂબલ વેપારહિસ્સો ૪૯ ટકા થયો છે. બ્રાઝિલ-ચીન વચ્ચેના વેપારમાં યુઆન બીજા નંબરે છે. યુરો પાછળ રહી ગયો છે. સેટલમેન્ટ કરન્સી તરીકે ડૉલર હજુ પ્રભાવી છે, પણ ડૉલરના ગઢમાં તિરાડો પડવી શરૂ થઈ છે. ડી-ડૉલરાઇઝેશનના ટ્રેન્ડમાં બધા દેશો પોતપોતાનાં હિતો મુજબ આગળ વધી રહ્યા છે.

રૂપિયો પણ ડી-ડૉલરાઇઝેશનના વેવમાં સરહદી સીમાડા વળોટી ગ્લોબલ બનવા માંડયો છે. યુએઈ, રશિયા, ઈરાન, મ્યાનમાર સહિત ૧૮ દેશોમાં રૂપી આધારિત વિદેશવેપાર થશે. યુક્રેન વૉર, પૅસિફિકમાં તનાવ પછી ભૂરાકીય ફલક પર નવી ધરીઓ આકાર પામી રહી છે એટલે દરેક દેશો વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત બનાવી રહ્યા છે. ઈસ્ટર વીક-એન્ડને કારણે સુસ્ત કારોબાર હોવાથી હાલમાં શૉર્ટ-ટર્મ ટ્રેડિંગ રેન્જ આપી શકીએ એમ નથી. આવતા સપ્તાહે ટે​ક્નિકલ આઉટલુક, હેજિંગ સ્ટ્રૅટેજી વિગતે આપીશું.

business news commodity market indian rupee