અર્શદ વારસીને શૅરબજારમાં ટ્રેડિંગ કરવા પર સેબીએ પ્રતિબંધ મૂક્યો

03 March, 2023 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુટ્યુબ ચૅનલ પર શૅર ખરીદવા માટે ખોટી માહિતી આપવા બદલ કુલ ૩૧ વ્યક્તિ પર પ્રતિબંધ

અર્શદ વારસી

સેબીએ અભિનેતા અર્શદ વારસી, તેની પત્ની મારિયા ગોરેટ્ટી અને સાધના બ્રૉડકાસ્ટના પ્રમોટરો સહિત ૩૧ કંપનીઓ-વ્યક્તિઓને યુટ્યુબ ચૅનલ પર કંપનીઓના શૅરની ખરીદીની ભલામણ સંદર્ભના ખોટી માહિતી-ભ્રામક વિડિયો અપલોડ કરવા સંબંધિત કેસમાં શૅરબજારમાં  ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ ઘટનામાં તેમની સંડોવણી માટે સિક્યૉરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કર્યા છે એવામાં કંપનીનાં પ્રમોટર શ્રેયા ગુપ્તા, ગૌરવ ગુપ્તા, સૌરભ ગુપ્તા, પૂજા અગ્રવાલ અને વરુણ મીડિયાનો સમાવેશ થાય છે.

એ ઉપરાંત, યુટ્યુબ ચૅનલો પર ગેરમાર્ગે દોરનાર વિડિયો અપલોડ થયા પછી ૪૧.૮૫ કરોડ રૂપિયાના ગેરકાયદે લાભ થયા હોવાનું પણ સેબીએ જણાવ્યું હતું.

સેબીએ નોંધ્યું હતું કે અર્શદ વારસીએ ૨૯.૪૩ લાખ રૂપિયાનો નફો કર્યો છે અને તેની પત્નીએ ૩૭.૫૬ લાખ રૂપિયાનો નફો મેળવ્યો છે.

સેબીને કેટલીક ફરિયાદો મળી ત્યાર બાદ આ હુકમ આવ્યો હતો, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ટેલિવિઝન ચૅનલ સાધના બ્રૉડકાસ્ટની સ્ક્રિપમાં ભાવની હેરાફેરી અમુક કંપનીઓ દ્વારા કરવામાં આવી હોવાની ફરિયાદો મળી હતી, જેને પગલે આ હુકમ બહાર પડાયો હતો.

business news