10 January, 2025 07:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રિપલ લૅબ્સના સ્ટેબલકૉઇન આરએલયુએસડીને યુરોપસ્થિત એક્સચેન્જ બિટસ્ટૅમ્પે અપનાવી લીધો છે. આ એક્સચેન્જની પહેલાં બિટસો, મૂનપૅ, કૉઇનમેના તથા અન્ય એક્સચેન્જો એને અપનાવી ચૂક્યાં છે. બિટસ્ટૅમ્પે ટ્રેડર્સને યુરો, યુએસડી, યુએસડીટી, બિટકૉઇન, ઇથેરિયમ અને એક્સઆરપી સાથે આરએલયુએસડીની પૅરમાં ટ્રેડિંગની સુવિધા પૂરી પાડી છે. જોકે કંપનીએ જાહેર ચેતવણી આપતાં કહ્યું છે કે આ રોકાણ જોખમ ધરાવે છે અને બધા જ રોકાણકારો માટે એ યોગ્ય નથી.
નોંધનીય છે કે આરએલયુએસડી સ્ટેબલકૉઇનનું મૂલ્ય એક અમેરિકન ડૉલરના મૂલ્ય સાથે સંલગ્ન છે. શરૂઆતના દિવસોમાં એનો ભાવ ૦.૯૬થી ૧.૦૬ ડૉલર વચ્ચે ફરતો રહ્યો હતો. દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડાનું વલણ જારી રહ્યું હતું. માર્કેટકૅપમાં વધુ ૩.૧૨ ટકાનો ઘટાડો થતાં મૂલ્ય ૩.૨૪ ટ્રિલ્યન ડૉલર થયું હતું. બિટકૉઇનના ભાવમાં ૨૪ કલાકના ગાળામાં ૧.૮૩ ટકાનો ઘટાડો થયો હતો, જ્યારે ઇથેરિયમ ૨.૧૧ ટકા ઘટ્યો હતો. ટોચના ઘટેલા કૉઇનમાં સોલાના (૩.૭૯ ટકા), ડોઝકૉઇન (૫.૭૨ ટકા), કાર્ડાનો (૬.૬૨ ટકા), ટ્રોન (૩.૫૩ ટકા) અને અવાલાંશ (૪.૧૦ ટકા) સામેલ હતા.