બીટકૉઇનમાં જોરદાર ઉછાળો : ડાઉ જોન્સમાં નવા ઊંચા ભાવ

12 February, 2024 07:39 AM IST  |  Mumbai | Biren Vakil

ચીનમાં મંદી - રૂપિયો સ્ટેબલ : ઇન્ડોનેશિયાની ચૂંટણી પર બજારની મીટ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકામાં એસઍન્ડપી અને ડાઉ જૉન્સમાં તેજીની આગેકૂચ ચાલુ રહી છે. એસઍન્ડપી ૫૦૦૦ની સપાટી વટાવી ગયો છે. ડાઉ ઇન્ડેક્સમાં નવા ઊંચા ભાવ જોવાયા છે. ડૉલરમાં તેજી અટકી છે. સ્થાનિક બજારમાં પેટીએમને નવા કસ્ટમર લેવા પર નિયંત્રણ આવ્યા પછી બૅન્ક નિફ્ટી ક્રૅશ થયો હતો, પણ સપ્તાહની આખરે બાઉન્સબૅક હતો. આજે સ્થાનિક શૅરબજાર મજબૂત ખૂલવાનો અંદાજ છે. વીતેલા સપ્તાહમાં ડૉલર, રૂપિયો, યુઆન સહિત મોટા ભાગની કરન્સી સુસ્ત હતી. અખાતમાં તંગદિલી વધતાં ક્રૂડમાં તેજીને પગલે રૂપિયો ૮૨.૯૩થી ઘટી ૮૩.૦૧ બંધ હતો. વીકલી ધોરણે રૂપિયો સ્ટેબલ હતો.

મેઇનસ્ટ્રીમ કરન્સીમાં સુસ્તી હોવાથી અને અખાતમાં તંગદિલી, ચીનમાં પ્રૉપર્ટી ક્રાઇસિસ વચ્ચે બીટકૉઇનમાં ઝડપી ઉછાળો આવ્યો હતો. બીટકૉઇન ૪૨,૦૦૦થી વધીને ૪૭,૫૦૦ ડૉલર થયો છે. એપ્રિલમાં બીટકૉઇન હાલ્વિંગ થવાની અટકળો છે. હાલ્વિંગ થયા પછી બીટકૉઇન માઇનિંગનો રિવૉર્ડ અડધો થઈ જાય. બીટકૉઇનમાં ૨.૧૦ કરોડ કૉઇનની કૅપ છે. અત્યાર સુધીમાં ૧.૯૦ કરોડ બીટકૉઇન માઇન થયા છે. મતલબ હવે ૨૦ લાખ કૉઇન માઇન થવાના બાકી છે. ભૂતકાળમાં જયારે પણ હાલ્વિંગ થયું છે ત્યાર પછી બીટકૉઇન વધ્યો છે. ૨૦૧૨માં હાલ્વિંગ વખતે બીટકૉઇન ૧૨ ડૉલરથી વધી ત્રણ મહિનામાં ૧૨૬ ડૉલર થયો હતો. બીજું, હાલ્વિંગ ૨૦૧૬માં થયું ત્યારે ૭ માસમાં ૬૫૪થી વધી ૧૦૦૦ ડૉલર થયો. ત્રીજું હાલ્વિંગ ૨૦૨૦માં થયું ત્યારે ૭ માસમાં બીટકૉઇન ૮૫૭૦થી વધીને ૧૮,૦૪૦ ડૉલર થયો. સ્પૉટ બીટકૉઇન ઈટીએફને મંજૂરી મળતાં આગળ જતાં ક્રિપ્ટો સેક્ટરમાં ગવર્નન્સ સુધરશે એમ મનાય છે. ભારત, ચીન સહિત ઘણા દેશોમાં ક્રિપ્ટો ટ્રેડિંગ, માઇનિંગ, રોકાણ પર બૅન છે. ચીની બીટકૉઇન માઇનર્સ આજકાલ ઇથિયોપિયામાં ઍ​ક્ટિવ છે. ક્રિપ્ટો, ફિનટેક વગેરેમાં મિડલ-ઈસ્ટ આજકાલ હૉટફેવરિટ ડે​સ્ટિનેશન છે.
સ્થાનિક બજારોની વાત કરીએ તો રૂપિયો ઘણો જ સ્ટેબલ રહ્યો છે. મિડલ-ઈસ્ટમાં તનાવ વધતો જાય છે. પાકિસ્તાનમાં ખંડિત જનાદેશ પછી રાજકીય અસ્થિરતાનો અંદેશો, યુક્રેન-રશિયા યુદ્ધ પણ લંબાઈ રહ્યું છે. ઑઇલની તેજી રૂપિયાને વધતો રોકે છે. શૅરબજારમાં ડૉલર ઇન્ફ્લો, સાઉન્ડ મેક્રો ફન્ડામેન્ટલ રૂપિયાને ઘટતો રોકે છે એટલે રૂપિયો સીમિત દાયરામાં અથડાયેલો છે. ગાઝા સમાધાન કે યુક્ર્ન પીસ ડીલ થાય ત્યારે રૂપિયામાં ઝડપી તેજી થઈ શકે. હાલમાં ભારત સ્વીટ સ્પૉટ છે. રાજકીય સ્થિરતા, સરકારનો સુધારાતરફી અભિગમ અને ગ્લોબલ કૅપેક્સ બૂમ જોતાં માઇનિંગ, ઇન્ફ્રા, ડિફેન્સ, ફાર્મા, ટેલિકૉમ સેક્ટરમાં નોંધપાત્ર ઇન્ફ્લોની શક્યતા છે.

એશિયામાં ચીનમાં પ્રૉપર્ટી સેક્ટરમાં એવરગ્રાન્ડે નામની માર્કેટ લીડર રિયલ એસ્ટેટ કંપનીના બૉન્ડ ડિફૉલ્ટ પછી રિયલ એસ્ટેટ અને શૅરબજાર તૂટ્યાં છે. એવરગ્રાન્ડના બૉન્ડમાં ૧૦૦ ડૉલરનો બૉન્ડ એક સેન્ટ થઈ ગયો છે. મતલબ મૂડીનું ૯૯ ટકા ધોવાણ! શૅરબજારમાં મંદીથી સરકાર પરેશાન છે. સિક્યૉરિટી કમિશનનના વડાની હકાલપટ્ટી કરાઈ અને નવા વડા નિયુક્ત કરાયા છે. ચીનમાં કેટલીક મોટી કંપનીઓના વૅલ્યુએશન ઘણાં આકર્ષક થઈ ગયાં હોવાથી અમુક મોટાં હેજફન્ડો ઑલ્ટરનેટિવ હેજ તરીકે ૪-૫ ટકા એક્સપોઝર ચાઇના ઍસેટમાં રાખવાના મતના છે. ચીનમાં શૅરબજારમાં અંદાજે સાત ટ્રિલ્યન મૂડીનું ધોવાણ થઈ ગયું છે. હાલમાં લુનાર હૉલિડેઝ ચાલે છે એ સમયે આવી મંદી હોય એ ચિંતાજનક વાત છે. 

ઇમર્જિંગ એશિયામાં ઇન્ડોનેશિયામાં ૧૪ ફેબ્રુઆરીએ ચૂંટણી છે. પ્રમુખ જોકો વિડોડોના એક જમાનાના હરીફ પ્રબોન્તોને હાલમાં જોકો વિડોડોનું આડકતરું સમર્થન છે. તેમની સાથે ઉપપ્રમુખ તરીકે વિડોડોના પુત્ર જિબ્રાન રાકા ચૂંટણી લડે છે. સર્વેક્ષણમાં પ્રબોન્તો વિનિંગ મનાય છે. એશિયામાં હૉન્ગકૉન્ગ, જપાન, ચીનમાં મંદી, ઇન્ડોનેશિયાની ચૂંટણી વચ્ચે એશિયન ક્રૉસિસમાં સિંગાપોર ડૉલરમાં શાનદાર તેજી છે. સિંગાપોર ડૉલર-મલેશિયા રિંગીટ ક્રૉસ પૅર ઑલટાઇમ હાઈ થઈ ગઈ છે.

યુરોપમાં પાઉન્ડ મજબૂત થતો જાય છે. યુરો કમજોર થતો જાય છે. ૨૦૨૨ની એનર્જી ક્રાઇસિસ, ચીનની મંદીનો થાક યુરોપને વરતાય છે. જર્મનીમાં ઔદ્યોગિક રિસેશન દેખાય છે. યુક્રેનને સહાય મામલે અમેરિકા તરફથી વિઘ્ન આવી રહ્યાં હોવાથી નાટોનું મોરલ પણ કદાચ ખખડે. યુક્રેનના વડા ઝેલેન્સ્કીએ સૈન્ય વડાને બદલી નાખ્યા છે. ગાઝા વૉર વકરતી જાય છે. તાઇવાન નજીક ચીનના બલૂનો વધતા જાય છે. વિશ્વને શાંતિની તાતી જરૂરત છે.

business news share market stock market crypto currency