06 December, 2024 07:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં પાછલા ૨૪ કલાકનો ગાળો ઘણો મહત્ત્વપૂર્ણ રહ્યો છે. અનેક દિવસ સુધી રાહ જોવડાવ્યા બાદ બિટકૉઇન આખરે ૧,૦૦,૦૦૦ ડૉલરનો ભાવ વટાવી ગયો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે આ મુખ્ય ક્રિપ્ટોકૉઇન ૨૪ કલાકના સમયગાળામાં ૭.૪૭ ટકાની વૃદ્ધિ સાથે ૧,૦૩,૧૩૬.૪૯ ડૉલરના સ્તરે પહોંચ્યો છે. ડોનલ્ડ ટ્રમ્પની સરકારમાં ક્રિપ્ટોકરન્સી માટે સાનુકૂળ સ્થિતિ સર્જાવાની શક્યતાને પગલે બિટકૉઇન સતત વધી રહ્યો છે. ટ્રમ્પ જીતી ગયા બાદ એનો ભાવ આશરે ૪૫ ટકા વધ્યો છે. એક નિષ્ણાતનું કહેવું છે કે બિટકૉઇન આગામી અમુક સપ્તાહોમાં જ ૧.૨૦ લાખ ડૉલરનો ભાવ આંબી જશે.
અન્ય એક મહત્ત્વપૂર્ણ અહેવાલ મુજબ બંધ પડેલા ક્રિપ્ટો એક્સચેન્જ માઉન્ટ ગોક્સે ૨.૮ અબજ ડૉલર મૂલ્યના ૨૭,૦૦૦ કરતાં વધુ બિટકૉઇન ગુરુવારે એક અજાણ્યા વૉલેટ ઍડ્રેસ પર ટ્રાન્સફર કર્યા છે. બિટકૉઇનનો ભાવ ૧ લાખ ડૉલર કરતાં વધારે થઈ ગયા પછીની ૧૨ મિનિટ પૂરી થયા બાદની આ ઘટના છે. માઉન્ટ ગોક્સ પાસે હજી ૪.૧ અબજ ડૉલર મૂલ્યના ૩૯,૮૭૮ બિટકૉઇન પડ્યા હોવાનું જાણવા મળે છે.
દરમ્યાન, ઇથેરિયમના ભાવમાં પણ ૬.૩૧ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ થઈને ભાવ ૩,૯૩૭.૯૪ ડૉલર થઈ ગયો છે. શિબા ઇનુમાં ૬.૯૩ ટકા વધારો થયો છે. ઘટેલા કૉઇન મુખ્યત્વે એક્સઆરપી (૬.૫૩ ટકા), બીએનબી (૫.૬૩ ટકા), ટ્રોન (૯.૫૪ ટકા) અને અવાલાંશ (૨.૯૯ ટકા) છે.