જિયોકૉઇન બાદ હવે બિરલા ઇન્સ્ટિટ્યૂટનો બીમકૉઇન લૉન્ચ થયો

24 January, 2025 08:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પરમિશન્ડ બ્લૉકચેઇનના નામે ઓળખાતી પદ્ધતિ દ્વારા બીમકૉઇન વિકસાવવામાં આવ્યો છે.

પ્રતીકાત્મક તસવીર

તાજેતરમાં રિલાયન્સ ગ્રુપની જિયોએ જિયોકૉઇન લૉન્ચ કર્યા બાદ હવે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ ટેક્નૉલૉજીએ પોતાના કૅમ્પસમાં ઉપયોગમાં લઈ શકાય એવો બીમકૉઇન બહાર પાડ્યો છે. ઇન્સ્ટિટ્યૂટની અખબારી યાદીમાં જણાવાયા મુજબ બીમકૉઇન વિદ્યાર્થીઓ, વેન્ડર્સ અને સંચાલકો વચ્ચેના વ્યવહારો માટે ઉપયોગમાં લેવાશે. વળી, બ્લૉકચેઇન અને ડિજિટલ ફાઇનૅન્સના વિદ્યાર્થીઓને એની મદદથી પ્રૅક્ટિકલ તાલીમ પણ મળશે.

પરમિશન્ડ બ્લૉકચેઇનના નામે ઓળખાતી પદ્ધતિ દ્વારા બીમકૉઇન વિકસાવવામાં આવ્યો છે. બિરલા ગ્રુપનું સમર્થન ધરાવતી આ ઇન્સ્ટિટ્યૂટે બીમકૉઇન વિકસાવવા માટે કલ્પ ડિસેન્ટ્રા ફાઉન્ડેશન સાથે સહયોગ સાધ્યો છે. પરમિશન્ડ બ્લૉકચેઇનમાં માન્યતાપ્રાપ્ત સહભાગીઓ જ જોડાઈ શકે છે, જ્યારે પબ્લિક બ્લૉકચેઇનમાં કોઈ પણ વ્યક્તિ સહભાગી થઈને વ્યવહાર વૅલિડેટ કરી શકે છે. સામાન્ય રીતે બિઝનેસમાં પરમિશન્ડ બ્લૉકચેઇનનો ઉપયોગ થાય છે.

વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે કૅપિટલાઇઝેશન ૧,૮૪ ટકા ઘટી ગયું હતું. ટોચનો ક્રિપ્ટો કૉઇન – બીટકૉઇન ૨.૦૮ ટકા ઘટીને ૧,૦૨,૦૬૬ ડૉલર પર પહોંચ્યો હતો. ઇથેરિયમમાં પણ ૧.૯૬ ટકાના ઘટાડા સાથે ભાવ ૩૨,૨૩૪ ડૉલર થયો હતો. એક્સઆરપીમાં ૨.૭૨ ટકા, સોલાનામાં ૫.૨૩ ટકા, ડોઝકૉઇનમાં ૩.૨૮ ટકા, કાર્ડાનોમાં ૨.૩૩ ટકા, ટ્રોનમાં ૩.૧૮ ટકા અને અવાલાંશમાં ૪.૪૦ ટકા ઘટાડો થયો હતો.

business news crypto currency bitcoin jio om birla