20 February, 2023 03:12 PM IST | Mumbai | Biren Vakil
પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર
અમેરિકામાં એક પછી એક આર્થિક આંકડા અપેક્ષા કરતાં ઘણા મજબૂત આવતાં ફેડને વ્યાજદર વધારવા પડશે. પહેલી ફેબ્રુઆરીએ ફેડની બેઠકમાં વ્યાજદરમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો અને ચૅરમૅન પૉવેલે ડોવિશ સંકેત આપ્યા ત્યારે ડૉલેક્સ ૧૦૦.૫૦ થઈ ગયા પછી હવે ૧૦૩.૮૦ ચાલે છે. અમેરિકામાં આર્થિક આંકડા સતત પૉઝિટિવ સરપ્રાઇઝ આપી રહ્યા છે. જૉબડેટા, વપરાશી ફુગાવો, જથ્થાબંધ ભાવાંક, રીટેલ સેલ્સ - તમામ ડેટા સૂચવે છે કે ઇકૉનૉમી સુપર સ્ટ્રૉન્ગ છે. મોંઘવારી બિલકુલ મચક આપતી નથી. ફેડની લડાઈ લાંબી છે. ચાલુ સપ્તાહે ફેડ જેના પર ખાસ વૉચ રાખે છે એવું બેરોમીટર પર્સનલ કન્ઝમ્પ્શન ઇન્ડેક્સમાં ૦.૫ ટકા વધારાની અપેક્ષા છે. જૉબ માર્કેટ ઘણી મજબૂત છે એટલે અમેરિકન વપરાશકાર મોળો પડતો નથી. ઘરભાડાં બેફામ છે. રેન્ટ ઇન્ફ્લેશન ત્રાહિમામ્ ઊંચું છે.
મૉનિટરી પૉલિસીના મામલે હવે ડિબેટની ચૉઇસ મર્યાદિત છે. આવતા મહિને વ્યાજદર વધારો પાક્કો જ છે. ડિબેટ માત્ર એટલી જ છે કે પા ટકા વધશે કે અડધો ટકો વધશે. રેટ પીકનો અંદાજ ૫.૦૦-૫.૫૦ ટકાથી ખસીને હવે ૫.૫૦-૬ સુધી ગયો છે. એક વર્ગના મતે વ્યાજદર માર્ચ-મે જૂનમાં ત્રણ વાર પા ટકા વધશે. એક વર્ગના મતે માર્ચમાં અડધો ટકો, મેમાં પા ટકો વધશે. કદાચ જૂનમાં પણ પા ટકો વધે તો રેટ ૬-૬.૨૫ની રેન્જમાં પણ પહોંચી શકે.
બજારની વાત કરીએ તો ડૉલરમાં નવેસરથી તેજી શરૂ થાય, વ્યાજદર ૬ ટકા સુધી પચે તો ડૉલરમાં દેવું ધરાવતા ઘણા ઇમર્જિંગ અને ફ્રન્ટિયર દેશોની તકલીફ વધે. સંખ્યાબંધ દેશોએ નાદારી વેઠવી પડે. ફૉરેક્સ રિઝર્વ ઓછી હોય, વિદેશી દેવું ડૉલરમાં હોય તો બૅલૅન્સ ઑફ પેમેન્ટ કટોકટી સર્જાય. ૧૯૯૭માં ઘણા એશિયા દેશોમાં ઊંચી વેપારખાધ, ઊંચી ચાલુ ખાતાની ખાધ, ઊંચો ફુગાવો હોવાથી કરન્સી સ્પેક્યુલેટરોએ શૉર્ટ સેલિંગ અટૅક કરતાં સાઉથ ઈસ્ટ મોટી કરન્સી કટોકટી સર્જાઈ હતી. આમાંથી બોધપાઠ લઈ થાઇલૅન્ડ, તાઇવાન જેવાં અર્થતંત્રોએ સ્ટેબિલિટી મેળવી, પણ ઇન્ડોનેશિયા કે ફિલિપીન્સ એ કટોકટીમાંથી ખાસ કશું શીખ્યા નહીં. ઇન્ડોનેશિયામાં બૉન્ડ બબલ અને કૅપિટલ આઉટફ્લોનું રિસ્ક છે. ૧૯૯૦-૨૦૧૦ના સમયગાળામાં સમુરાઈ બૉન્ડમાં યેન કૅરી ટ્રેડ, યુઆન ડિમસુમ બૉન્ડ ટ્રેડ અને ભારતીય ડાયમન્ડ બજારમાં એનડીએફ બજારમાં સ્વિસ ફ્રાન્ક કૅરી ટ્રેડ જેવી પ્રોડક્ટમાં જબ્બર માર્કેટિંગ થયું હતું પણ રિઝર્વ બૅન્કે સમયસર રિંગ ફેન્સિંગ કરી લીધું. હવે ફરી પાછું એક તોફાન દેખાઈ રહ્યું છે. પાકિસ્તાન અને શ્રીલંકામાં કરન્સી મેલ્ટડાઉન, બંગલાદેશ, ઇજિપ્તમાં કૅપિટલ કન્ટ્રોલ હજી ટ્રેલર છે. આગળ જતાં ઇથિયોપિયા, યુક્રેન, રશિયા, નાઇજીરિયા, આર્જેન્ટિના, મ્યાનમાર, મલાવીમાં બૉન્ડ ડિફૉલ્ટ દેખાય છે. કરન્સી મૅનેજરે પૉલિટિકલ રિસ્ક અસેસમેન્ટ માટે માઇન્ડફુલ રહેવું પડે એવી હાલત છે.
રૂપિયાની વાત કરીએ તો ફુગાવો મચક આપતો નથી. આરબીઆઇએ બે રેટ હાઇક આપવા પડે. બજેટમાં કૅપેક્સ ૩૩ ટકા વધ્યું છે. બજારમાં નાણાંની અછત દેખાય છે. રિઝર્વ બૅન્ક રેપો ઑક્શન વડે નાણાપુરરવઠો વધારી રહી છે, પણ કૅપેક્સ બૂમ, સરકારી બોરોઇંગમાં વધારો જોતાં હજી લિક્વિડિટી વધારવી પડશે. ચોમાસાના મામલે અલ નીનોની ચિંતા ખોટી પડે તો સારું. તેલ-અનાજમાં તેજી ભારતને પોસાય એમ નથી. રૂપિયો હાલમાં ૮૧.૫૦-૮૩ વચ્ચે રેન્જબાઉન્ડ છે, એપ્રિલ-જૂનમાં ૮૧.૫૦-૮૩.૮૦ જેવી રેન્જ દેખાય છે.
ચીનમાં કોવિડ જતો રહ્યો છે. સરકાર સોશ્યલ પ્રોજેક્ટમાં ૧૦ ટ્રિલ્યન ડૉલર જેવું કૅપેક્સ વધારશે. ચીનમાં જીડીપી વિકાસદર ૬.૫ ટકા અંદાજાય છે. યુરોપમાં ફુગાવો થોડો ઘટ્યો છે. ઇમર્જિંગ યુરોપમાં કરન્સી નબળી પડે. યુરો નબળો પડે. પાઉન્ડ પણ થોડો ઘટે એમ લાગે છે.
અમેરિકામાં ચિપ્સ ઍક્ટ, ઇન્ફ્રા સ્પેન્ડિંગ, ગ્રીન ફન્ડિંગમાં ત્રણ ટ્રિલ્યન, ચીનમાં સોશ્યલ સ્પેન્ડિંગમાં ૧૦ ટ્રિલ્યન, રશિયા-યુક્રેનમાં રીકન્સ્ટ્રક્શનમાં એક ટ્રિલ્યન એમ મોટી કૅપેક્સ સુનામી આવી રહી છે. શૉર્ટ ટર્મ કરન્સી રેન્જ ડૉલેક્સ ૧૦૨-૧૦૬, યુરો ૧.૦૩-૧.૦૮, યેન ૧૩૨-૧૩૮, રૂપિયો ૮૨.૩૦-૮૩.૫૦, પાઉન્ડ ૧.૧૬-૧.૨૧ ગણાય.