કરેક્શન વેકેશન પર, પરંતુ એકધારી તેજી ક્યાં સુધી?

30 September, 2024 07:46 AM IST  |  Mumbai | Jayesh Chitalia

વિશેષ ટિપ- શૅરબજારમાં સંપત્તિસર્જન સ્ટૉક્સ જાળવી રાખવાથી થાય, સતત લે-વેચ કરવાથી માત્ર પ્રૉફિટ-લૉસની રમત થાય.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

દર થોડા દિવસે શૅરબજારના બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવી ઊંચી સપાટી બનાવી રોકાણકારોને આનંદ સાથે મૂંઝવણમાં પણ મૂકી રહ્યા છે. તેજીની ગાડીને બ્રેક નાની લાગે છે, પણ એની સ્પીડ વધુ વેગ પકડે છે; પરંતુ આમ ક્યાં સુધી? એ સવાલનો કોઈ સ્પષ્ટ જવાબ મળતો નથી. આવામાં સાવચેત-સજાગ-સંયમિત રહેવામાં શાણપણ ગણાય 

ઇન્વેસ્ટમેન્ટ સર્કલના મિત્ર ભરતભાઈ ધ્રુવે તાજેતરમાં મોકલેલા એક મેસેજમાં આજના સમય માટે બહુ સરળ છતાં વિચારપ્રેરક વાત જોવા મળી. મેસેજ કહે છે, એક સમય એવો હતો જ્યારે લોકો શૅરબજારમાં પ્રવેશતાં ડરતા હતા અને હાલ સમય એવો છે કે લોકોને શૅરબજારમાંથી બહાર નીકળતાં ભય લાગે છે. આટલા વિધાનમાં શૅરબજારની વર્તમાન પરિસ્થિતિનો સાર અને સંકેત આવી જાય છે.

ખાડા-ખાબોચિયાંમાં પણ દોડતી ગાડી

શું થયું છે શૅરબજારને કે લોકોને? અર્થતંત્ર સારી કામગીરી કરી રહ્યું છે, બજારમાં નાણાપ્રવાહ સતત આવી રહ્યો છે, વિદેશી રોકાણનો પ્રવાહ પણ ઊછળી-ઊછળીને આવતો રહ્યો છે, આશાવાદ ઇન્ડેક્સ કરતાં પણ ઊંચે જઈ રહ્યો છે, જેને પરિણામે તેજીની ગાડી પૂરપાટ દોડી રહી છે, એને કોઈ ખાડા-ખાબોચિયાં દેખાતાં નથી. સાવ જ બિનઅનુભવી કહેવાય એવો નવો વર્ગ દેખાદેખીમાં કે પછી ગાડરિયા પ્રવાહમાં બજારમાં રોકાણ અથવા સટ્ટો કરવા લાગ્યો છે. IPOમાં બેફામ અરજીઓથી ભરણાં અનેકગણાં છલકાઈ રહ્યાં છે, સ્મૉલ અને મિડકૅપ ઉપરાંત લાર્જ સ્ટૉક્સના ભાવો બેધડક વધતા જાય છે, ફન્ડામેન્ટલ્સ સારા-મજબૂત હોવાની વાત ખરી, પરંતુ કેટલા? એની સામે ભાવોનાં લેવલ કેટલાં વાજબી? આ સવાલ થાય છે એમ છતાં જવાબ વિના બધા જ લોકો કોઈ પણ લેવલે રોકાણ કરવા ઉત્સુક છે. શૅરબજારમાં લોકોનું ગાંડપણ અને સટ્ટાકીય વલણ હદ વટાવીને આગળ વધી રહ્યું છે. આ નિશાની માત્ર તેજીની નથી, તેજીના અતિરેકની પણ છે, હવે વાજબી તેજી અને તેજીના અતિરેક વચ્ચેની ભેદરેખા  સમજવામાં કોઈને રસ નથી, બધાને હાલ તો કમાણીમાં જ રસ છે.

બુલિશ ટ્રેન્ડના સંકેત આપતા અહેવાલ

એક રસપ્રદ વાત એ છે કે ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (FII)ની ફ્યુચર્સ અને ઑપ્શન્સમાં ૧૦ ટ્રિલ્યન રૂપિયાની પોઝિશન ઊભી છે જે બુલિશ ટ્રેન્ડનો નિર્દેશ કરે છે. એક તરફ અહીં અર્નિંગ સીઝન (કંપની પરિણામોની) શરૂ થવા જઈ રહી છે અને બીજી તરફ અમેરિકામાં ઇલેક્શનનાં નગારાં વાગી રહ્યાં છે. રિઝર્વ બૅન્કની પૉલિસીની જાહેરાત નજીક ઊભી છે.  દરમ્યાન કરેક્શનના ભણકારા પણ દર્શાવાઈ રહ્યા છે જે શૉર્ટ ટર્મ માટે આવી શકે. વૉલેટિલિટીની શક્યતા પણ ઊભી છે, પરિણામે સાવચેતી પણ આવશ્યક બનશે. સેન્સેક્સ ૮૫ હજાર અને નિફ્ટી ૨૬ હજાર પાર કરી પાછા ફર્યા છે. જોકે હવે પછીનો ટ્રેન્ડ મહદંશે બુલિશ રહેશે અને ઇન્ડાઇસિસ નવી ઊંચાઈ તરફ આગળ વધવાની તેમ જ  અમેરિકાના સંજોગો ગ્લોબલ ગ્રોથમાં સહભાગી બનવાની આશા નક્કર બની રહી છે.

FPI ફન્ડ્સનો રોકાણપ્રવાહ

ફેડરલ રિઝર્વના રેટ-કટ બાદ ફૉરેન ઇન્વેસ્ટર્સની લેવાલીએ જોર પકડ્યું છે જે હજી વધવાની શક્યતા ઊંચી ગઈ છે, કેમ કે ભારતીય અર્થતંત્ર વધુ મજબૂતી તરફ આગળ વધી રહ્યું છે અને ફેડ તરફથી વધુ બે રેટ-કટ આ જ વર્ષમાં આવવાના સંકેત છે. અગાઉ FPI દ્વારા ઑગસ્ટના પ્રથમ પંદર દિવસમાં પંદર જેટલાં સેક્ટર્સમાં ૨૮ હજાર કરોડ રૂપિયાથી વધુ રકમના સ્ટૉક્સનું વેચાણ કરાયું હતું, જેમાં પણ સૌથી વધુ તેમણે ફાઇનૅ​ન્શિયલ સેક્ટરના સ્ટૉક્સ વેચ્યા હતા જે આશરે ૧૪ હજાર કરોડ રૂપિયાથી વધુ છે. બૅન્કિંગ અને ફાઇનૅ​ન્શિયલ સેક્ટરમાં આમ પણ તેમનું સૌથી વધુ રોકાણ રહ્યું હતું એટલે તેમણે આ સેક્ટરના સ્ટૉક્સમાંથી હળવા થઈ નફો લેવાનું પસંદ કર્યું છે જે રોકાણકારો માટે પણ મહત્ત્વનો સંકેત છે. જ્યારે બીજો સંકેત એ છે કે FPIએ હાલમાં સૌથી વધુ ખરીદી હેલ્થકૅર અને ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) સ્ટૉક્સમાં કરી છે. મ્યુચ્યુઅલ ફન્ડસનો રોકાણપ્રવાહ પણ તેજીને વેગ આપવાની સક્રિય ભૂમિકા ભજવી રહ્યો છે.

હવે રિઝર્વ બૅન્કની પૉલિસી પર મીટ

ગુરુવારે બજારે ફરી ઉછાળો મારીને સેન્સેક્સને ૮૬ હજાર નજીક અને નિફ્ટીને ૨૬ હજાર પાર મૂકી દીધો ત્યારે બજારમાં ચિંતાની લાગણીએ પણ છલાંગ લગાવી હતી, આવી આક્રમક તેજી આમ જ ચાલ્યા કરશે? ક્યાં સુધી ચાલશે? તો હવે પ્રૉફિટ બુક ક્યારે કરવો? કેમ કે માર્કેટ તો નિયમિત વધ્યા જ કરે છે અને ઊંચા ભાવોએ પણ ખરીદી આવ્યા કરે છે. કરેક્શન જાણે વેકેશન પર ગયું હોય એમ ગાયબ છે, ક્યારેક આવે છે તો પણ નહીંવત સમાન. ઘટશે ત્યારે ખરીદીશું એવા વિચારોમાં કેટલાય લોકો ચૂકી ગયા અને ત્યાં સુધીમાં ભાવો એકદમથી વધી ગયા હોવાનું જોઈ મૂંઝવણ પણ વધી છે. દરમ્યાન શુક્રવારે સાધારણ કરેક્શને દર્શન દીધાં હતાં, જયારે કે મોટા ભાગનો વર્ગ વધુ કરેક્શનની રાહમાં છે, જેઓ નાણાં હાથ પર રાખી બેઠા છે અને ખરીદીની તકનો ઉપયોગ કરવા માગે છે. અલબત્ત, હેવી કરેક્શનના કોઈ અણસાર અત્યારે દેખાતા નથી, ગ્લોબલ લેવલે કોઈ નેગેટિવ ઘટના બને તો વાત જુદી થઈ શકે. હાલ તો પ્રૉફિટ-બુકિંગ જ કરેક્શન માટે કારણ બની શકે એવા સંજોગો છે. હવે માર્કેટ માટે એક મોટું પરિબળ રિઝર્વ બૅન્કની પૉલિસીનું ઊભું છે. રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં ઘટાડો કરશે કે કેમ એ સવાલ હજી અધ્ધર છે. જો આમ થયું તો બજાર એક નવી છલાંગ મારશે એમ કહી શકાય.

મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત

નૅશનલ થર્મલ પાવર કૉર્પોરેશન (NTPC)ની સહયોગી NTPC ગ્રીન એનર્જી ૧૦ હજાર કરોડ રૂપિયાનો IPO લાવવાની તૈયારીમાં છે. નોંધપાત્ર વાત એ છે કે FPI ભારતીય IPO માર્કેટમાં છેલ્લા ૧૧ મહિનાથી નેટ બાયર્સ રહ્યા છે, તેમણે આ ૧૧ મહિનામાં IPOની ઇ​ક્વિટીઝમાં ૭૪ હજાર કરોડ રૂપિયા જેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે.  IPOમાં કથિત ગરબડ બદલ SEBIની કડક નજર મર્ચન્ટ બૅન્કર્સ પર પડી છે એટલે કેટલાક મર્ચન્ટ બૅન્કર્સ લાઇસન્સ ગુમાવે એવી શક્યતા છે.

ટ્રેડર્સ મોટે ભાગે ગુમાવે છે, રોકાણકારો કમાય છે : રમેશ દામાણી

શૅરબજારના મોસ્ટ એક્સપર્ટ અને સ્માર્ટ-વેટરન ઇન્વેસ્ટર ગણાતા રમેશ દામાણીએ હાલમાં જે કહ્યું છે એને ગંભીરપણે ધ્યાનમાં લેવા જેવું છે. દામાણીના કહેવાનુસાર લાર્જકૅપ સ્ટૉક્સમાં તાજેતરમાં જે આક્રમક લેવાલી આવી એ હવે પછી તેજીને મોટી બ્રેક લાગવાનો સંકેત કહી શકાય. કોઈ પણ તેજી ઇનડેફિનેટ (અનિ​શ્ચિત) સમય સુધી ચાલી શકે નહીં. લોકો સ્મૉલ અને મિડકૅપથી હવે લાર્જકૅપમાં આક્રમક લેવાલ બનતાં હવે જોખમ વધ્યું હોવાનું કહી શકાય. હકીકતમાં જે રોકાણકારો ખરીદીને શૅર્સ હોલ્ડ કરે છે તેઓ જ સંપત્તિસર્જન કરે છે, જ્યારે કે ઝડપી કમાણીની લાલસામાં ટ્રેડિંગમાં રત રોકાણકારો-ટ્રેડર્સ મોટે ભાગે ગુમાવે છે, જેના આંકડા તાજેતરમાં SEBIના અહેવાલમાં જાહેર થયા છે. શૅરબજારમાં જે પણ સ્કૅમ થયા છે એ મોટે ભાગે ટ્રેડર્સ અથવા ઝડપી કમાણીની દોટ કરનારા લોકો તરફથી થયા છે, પ્યૉર રોકાણકારો તરફથી નહીં.

 

business news share market stock market nifty sensex national stock exchange bombay stock exchange