બૅન્કિંગ ફાઇનૅન્સની આગેવાની હેઠળ બજાર સળંગ ૭મા દિવસે પ્લસ, આઇટીમાં નરમ વલણ

12 April, 2023 12:31 PM IST  |  Mumbai | Anil Patel

લાર્સન નવી ટોચે જઈ પાછો પડ્યો, સોનાટા સૉફ્ટવેરમાં નવી ઑલટાઇમ હાઈ : નિફ્ટી ખાતે ટૉપ ફાઇવ લૂઝરમાં તમામ શૅર આઇટીના જોવાયા, ટીસીએસ પરિણામની પૂર્વસંધ્યાએ વર્સ્ટ પર્ફોર્મર બન્યો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ચોમાસાને લઈ સ્કાયમેટ અને હવામાન ખાતાના વિરોધાભાસી વરતારા : વિદેશી બાઇંગ વધવાની થીમમાં કોટક મહિન્દ્ર બૅન્ક પાંચ ટકાના ઉછાળા સાથે ટૉપ ગેઇનર : અદાણીના ૧૦માંથી ૭ શૅર વધ્યા, ત્રણમાં ઉપલી સર્કિટની આગેકૂચ : રિલાયન્સ ઇન્ફ્રા ૭ ટકા અને રિલાયન્સ પાવર ૧૪.૮ ટકાની તેજીમાં, નૅશનલ સ્ટાન્ડર્ડ‍્સ ૫૨૭ રૂપિયા ઊંચકાયો : લાર્સન નવી ટોચે જઈ પાછો પડ્યો, સોનાટા સૉફ્ટવેરમાં નવી ઑલટાઇમ હાઈ : નિફ્ટી ખાતે ટૉપ ફાઇવ લૂઝરમાં તમામ શૅર આઇટીના જોવાયા, ટીસીએસ પરિણામની પૂર્વસંધ્યાએ વર્સ્ટ પર્ફોર્મર બન્યો

ચોમાસું થોડુંક નબળું રહેવાની સ્કાયમેટ તરફથી કરાયેલી આગાહીના વળતા દિવસે જ સરકારી હવામાન ખાતાએ મૉન્સૂન નૉર્મલ રહેવાનો વરતારો આપ્યો છે. બન્નેમાંથી કોણ સાચું પડે છે એ જોવું રહ્યું. ખ્યાતનામ અર્થશાસ્ત્રી રૂબીનીએ જણાવ્યું છે કે અમેરિકા ખાતેની બૅન્કિંગ ક્રાઇસિસ પૂરી થઈ નથી. આગામી સમયમાં કેટલીક વધુ બૅન્કો અને નાણાસંસ્થાઓ મુશ્કેલીમાં મુકાશે. ક્રેડિટ રિસ્કની હાલત વકરશે. ધિરાણ મળવું મુશ્કેલ બનશે. અમેરિકા રિસેશનનો ભોગ બનશે. બૅડ લોન અને નાદારીના કિસ્સા વધશે. વિકસતા દેશોમાં ફુગાવો માથું ઊંચકશે. જોકે ભારતને લઈ રૂબીની પૉઝિટિવ મત ધરાવે છે. મંગળવારે વિશ્વબજારો સુધારાતરફી રહ્યાં છે. સાઉથ કોરિયા ૧.૪ ટકા, જપાન એક ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો, ઇન્ડોનેશિયા અડધા ટકાથી વધુ પ્લસમાં હતાં. ચાઇના તથા સિંગાપોર નામજોગ નરમ બંધ આવ્યાં છે. યુરોપ રનિંગમાં અડધાથી એકાદ ટકો ઉપર જણાયું છે. નાયમેક્સ ક્રૂડ ૮૦ ડૉલરની ઉપર તો બ્રેન્ટ ક્રૂડ ૮૫ ડૉલર નજીક હતા.

સળંગ છ દિવસના સુધારા બાદ સેન્સેક્સ મંગળવારે ૧૮૨ પૉઇન્ટ ગૅપ અપ ઓપનિંગમાં ૬૦ ઉપર ખૂલી છેવટે ૩૧૧ પૉઇન્ટની આગેકૂચમાં ૬૦,૧૫૮ બંધ આવ્યો છે. બજાર ઉપરમાં ૬૦,૨૬૮ અને નીચામાં ૫૯,૯૨૦ થયું હતું. નિફ્ટી ૯૮ પૉઇન્ટ વધીને ૧૭,૭૨૨ થયો છે. જૂજ અપવાદ સિવાય બન્ને બજારોનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧.૬ ટકા, મેટલ ઇન્ડેક્સ ૧.૯ ટકા, યુટિલિટી ૧.૭ ટકા, પાવર તથા ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ એક ટકો, ફાઇનૅન્સ ઇન્ડેક્સ એક ટકો, એફએમસીજી બેન્ચમાર્ક પોણો ટકો મજબૂત હતા. કૅપિટલ ગુડ્સ ૩૫,૯૪૯ના નવા શિખરે જઈ ૨૩ પૉઇન્ટ જેવા પરચૂરણ ઘટાડે ૩૫,૭૩૯ હતો. રિયલ્ટી ઇન્ડેક્સ પણ નજીવો ઘટ્યો છે. માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈમાં વધેલા ૧૨૯૭ શૅરની સામે ૭૬૪ જાતો ઘટી છે. 

કોટક મહિન્દ્ર બૅન્ક તગડા વૉલ્યુમે પાંચ ટકા ઊછળીને ટૉપ ગેઇનર 

સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૮ શૅર વધ્યા છે. કોટક મહિન્દ્ર બૅન્કમાં માર્ચ ક્વૉર્ટરના અંતે વિદેશી હોલ્ડિંગ ૧.૪૭ ટકા ઘટીને ૪૧.૨૨ ટકા જેવું થયું છે. આના કારણે અહીં વિદેશી રોકાણમાં વધારાનો ટેક્નિકલી અવકાશ સર્જાયો છે. નોમુરા માને છે કે ૬૯ કરોડ ડૉલરનું ભંડોળ આ શૅરમાં પ્રવાહિત થઈ શકે છે. આની અસરમાં શૅર છ ગણા કામકાજમાં ઉપરમાં ૧૮૫૦ વટાવી પાંચ ટકા ઊછલી ૧૮૪૮ બંધ આવ્યો છે. તાતા સ્ટીલ અઢી ટકા, આઇટીસી ૧.૯ ટકા, આઇસીઆઇસીઆઇ બૅન્ક દોઢ ટકો, બજાજ ફીનસર્વ ૧.૪ ટકા, મારુતિ સુઝુકી ૧.૪ ટકા, મહિન્દ્ર ૧.૩ ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૭ ટકા, આઇશર મોટર્સ પોણાત્રણ ટકા, બજાજ ઑટો ૧૧૬ રૂપિયા કે ૨.૯ ટકા અને હિન્દાલ્કો દોઢ ટકા અપ હતા. 

પરિણામની પૂર્વસંધ્યાએ ટીસીએસ દોઢ ટકો ઘટી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. ઇન્ફોસિસ અને એચસીએલ ટેક્નૉ ૧.૪ ટકાથી વધુ માઇનસ થયા છે. ટેક મહિન્દ્ર પોણા ટકાથી વધુ કટ થયો હતો. રિલાયન્સ અડધો ટકો સુધરી ૨૩૩૬ વટાવી ગયો છે. અદાણી એન્ટર પાંચેક રૂપિયા કે સાધારણ સુધારે ૧૮૦૨ હતો. અદાણી પોર્ટ્સ સામાન્ય વધ્યો છે. અદાણી ટ્રાન્સ, અદાણી ગ્રીન અને અદાણી ટોટલમાં પાંચ-પાંચ ટકાની તેજીની સર્કિટ આગળ વધી છે. અદાણી વિલ્મર પોણાબે ટકા તો અંબુજા સિમેન્ટ નહીંવત્ પ્લસ હતા. એનડીટીવી સવા ટકો ઘટ્યો છે. એસીસી સાધારણ તો અદાણી પાવર નામપૂરતો નરમ હતો. અદાણીના ૧૦માંથી ૭ શૅર વધ્યા છે. મોનાર્ક નેટવર્થ ઉપરમાં ૨૩૬ બતાવી સવાનવ ટકાના ઉછાળે ૨૨૮ વટાવી ગઈ છે. 

‘એ’ ગ્રુપ ખાતે રિલાયન્સ પાવર ૧૪.૮ ટકાની તેજીમાં સાડાબાર રૂપિયા થયો છે. રિલાયન્સ ઇન્ફ્રા સવાસાતેક ટકાના જમ્પમાં ૧૫૭ હતો. નિઓજેન કેમિકલ્સ ૧૪.૬ ટકા કે ૨૦૫ રૂપિયાના ઉછાળે ૧૬૧૯, ડીબી રિયલ્ટી ૧૩.૪ ટકા ઊંચકાઈ ૭૯ તો નૅશનલ સ્ટાન્ડર્ડ ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૫૨૭ રૂપિયાની મજબૂતીમાં ૫૮૦૩ થયો છે. સામે રોસારી બાયો સવાઆઠ ટકા, બ્રાઇટકોમ પાંચ ટકા, ફીલા ટેક્સ ચાર ટકા ગગડી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બન્યા છે. 

માથે પરિણામ વચ્ચે ટીસીએસ અને ઇન્ફોસિસમાં નરમાઈ

ટીસીએસ ઇન્ફીનાં પરિણામ માથે છે ત્યારે આઇટી આંક ૫૯માંથી ૩૨ શૅરના સુધારા વચ્ચે ૨૬૪ પૉઇન્ટ કે ૦.૯ ટકા ઘટ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી અને એચસીએલ ટેક્નૉ ૧.૪ ટકા, ટીસીએસ દોઢ ટકો, વિપ્રો અને ટેક મહિન્દ્ર પોણા ટકાથી વધુ બગડી નિફ્ટી ખાતે ટૉપ ફાઇવ લૂઝર બન્યા છે. લાટિમ અડધો ટકો કટ થઈ ૪૭૬૯ હતો. પર્સિસ્ટન્ટ, કોફોર્જ તથા લાર્સન ટેક્નૉ સવા ટકાની આસપાસ માઇનસ થયા છે. તાતા ઍલેક્સી ૧૭૯ રૂપિયા કે ૨.૯ ટકા ઊંચકાઈ ૬૩૭૭ હતો. સિગ્નેટી પોણાછ ટકાના ઉછાળે ૮૨૫, ય્નુજેન સૉફ્ટવેર સાડાપાંચ ટકા વધી ૪૬૯ તો કેપીઆઇટી ટેક્નૉ ૪.૭ ટકાની મજબૂતીમાં ૮૩૭ બંધ હતા. સોનાટા સૉફ્ટ ૯૦૨ની નવી ટૉપ બનાવી ચાર ટકાના જમ્પમાં ૮૯૪ નજીક સરક્યો છે. 

ઑન મોબાઇલ, સ્ટરલાઇટ ટેક્નૉ, તાતા ટેલી, તેજસનેટ, એમટીએનએલ, એચએફસીએલના એકથી ચારેક ટકાના સુધારામાં ટેલિકૉમ ઇન્ડેક્સ નહીંવત્ પ્લસ હતો. ભારતી અડધો ટકો પ્લસ તો વોડાફોન અડધો ટકો ડાઉન હતા. ઇન્ડસ ટાવર બે ટકા ડૂલ થયો છે. આઇટીની ચલણી જાતોના વસવસા સાથે રાઉટ મોબાઇલ, સારેગામા, નેટવર્ક ૧૮, સવાથી સવાત્રણ ટકા કપાતાં ટેક્નૉલૉજી  બેન્ચમાર્ક ૦.૯ ટકા માઇનસ હતો. ઝી એન્ટર અને સનટીવી એકથી સવા ટકો અપ હતા. 

લાર્સન ૨૩૩૦ના નવા શિખરે જઈ પ્રૉફિટ બુકિંગમાં નહીંવત્ ઘટી ૨૩૦૧ હતો. સિમેન્સ સવા ટકો ઘટી ૩૩૪૫ થયો છે. એબીબી સાડાત્રણ ટકા તો પ્રાજ ઇન્ડ અને થર્મેક્સ બે ટકા નરમ હતા. લક્ષ્મી મશીન્સ સવાત્રણ ટકા, પોલીકૅબ અઢી ટકા અને સીજી પાવર બે ટકા વધ્યા છે. ગ્રાઇન્ડવેલ પોણાબે ટકા વધી ૧૮૬૧ થયો છે. 

બૅન્કિંગ ફાઇનૅન્સ જોરમાં જોવાયું, મોનાર્ક સાડાનવ ટકા ઊંચકાયો 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે સવા ટકો કે ૫૩૨ પૉઇન્ટ વધી ૪૧,૩૬૬ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તમામ ડઝન શૅર પ્લસમાં આપીને ૧.૬ ટકા વધ્યો છે. બૅન્કિંગના ૩૭માંથી ૭ શૅર નરમ હતા. ઇક્વિટાસ બૅન્ક સવા ટકો નજીક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક પોણો ટકો તો સિટી યુનિયન બૅન્ક અડધો ટકો ઘટ્યો હતો. અન્ય પાંચ શૅર નહીંવત્થી સામાન્ય નરમ હતા. કોટક બૅન્ક વધવામાં મોખરે હતી. એચડીએફસી બૅન્કનાં પરિણામ ૧૫મીએ છે. શૅર સાધારણ વધીને ૧૬૬૬ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૭ ટકા, સ્ટેટ બૅન્ક એક ટકો, ઍક્સિસ બૅન્ક પોણો ટકો પ્લસ થઈ છે. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા, એયુ બૅન્ક બેથી પોણાત્રણ ટકા અને પંજાબ સિંધ બૅન્ક ૪.૪ ટકા મજબૂત હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૯૩ શૅરના સહારે એક ટકો વધ્યો છે. મોનાર્ક ૯.૪ ટકાની તેજીમાં મોખરે હતો. પૈસા લો ડિજિટલ સવાચાર ટકા, સ્ટાર હેલ્થ ચારેક ટકા, વીએલએસ ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, એડલવીસ ૩.૫ ટકા, હોમફર્સ્ટ ત્રણ ટકા મજબૂત હતા. એમસીએક્સ સાડાત્રણ ટકા ગગડી ૧૪૬૧ તો બીએસઈ લિમિટેડ સવા ટકો સુધરી ૪૬૩ બંધ હતા. એલઆઇસી સામાન્ય સુધારે ૫૫૦ વટાવી ગયો છે. પૉલિસી બાઝાર સવા ટકો પ્લસ અને નાયકા નહીંવત્ નરમ રહ્યા છે. એચડીએફસી અડધો ટકો, બજાજ ફીનસર્વ ૧.૪ ટકા અને બજાજ ફાઇ નજીવો સુધર્યો છે. આઇશર, બજાજ ઑટો, ટીવીએસ મોટર્સ, મારુતિ સુઝુકી, મહિન્દ્રના સવાથી પોણાત્રણ ટકાના સુધારામાં ઑટો ઇન્ડેક્સ એક ટકો વધ્યો છે. તાતા મોટર્સ તથા અશોક લેલૅન્ડ અડધો ટકો ડાઉન હતા. મારુતિનાં પરિણામ ૨૬ એપ્રિલે છે. 

આઇટીસી નવા બેસ્ટ લેવલે, શુગર શૅરોમાં તેજીની રૂખ 

એફએમસીજી આંક ૧૬,૮૧૧ની વિક્રમી સપાટી નજીક ૧૬,૬૯૮ થઈ પોણો ટકો વધી ૧૬,૬૭૨ બંધ આવ્યો છે. અત્રે ૮૦માંથી ૫૫ જાતો પ્લસ હતી. હિન્દ ફૂડ્સ સવાસાત ટકા, બજાજ હિન્દુ. સવાપાંચ ટકા, ઉગર શુગર સાડાત્રણ ટકા વધ્યા છે, ટેસ્ટી બાઇટ સાડાચાર ટકા કે ૪૧૪ રૂપિયા ખરડાઈને ૮૬૬૦ હતો. આઇટીસી ૩૯૮ની નવી ટૉપ બનાવી ૧.૯ ટકાની મજબૂતીમાં ૩૮૬ રહ્યો છે. હિન્દુ. યુનિલીવર અડધો ટકો અને નેસ્લે પોણો ટકો જેવા સુધર્યા છે. શુગરમાં ઉત્પાદનમાં ઘટાડા વચ્ચે ભાવ વધવાના વલણથી તેજીનો નવો તખ્તો ગોઠવાતો જાય છે. ગઈ કાલે ઉદ્યોગના ૩૭માંથી ૩૧ શૅર વધ્યા છે. સર શાદીલાલ પોણાનવ ટકાની તેજીમાં ૧૪૩ થયો છે. રાજશ્રી શુગર ૩.૯ ટકા ઘટ્યો હતો. 

મેટલ બેન્ચમાર્ક ૧.૯ ટકા કે ૩૬૨ પૉઇન્ટ વધ્યો છે. હિન્દુ. ઝિન્ક નહીંવત્ નરમ હતી. બાકીના નવ શૅર વધ્યા છે. જેએસડબ્લ્યુ સ્ટીલ ૩.૬ ટકા, તાતા સ્ટીલ અઢી ટકા, જિંદલ સ્ટીલ ૨.૪ ટકા, હિન્દાલ્કો દોઢ ટકો, વેદાન્ત એક ટકો અપ હતા. સાંડૂર મૅન્ગેનિઝ સવાપાંચ ટકાના ઉછાળે ૧૨૪૧ થયો છે. એનર્જી, પાવર અને યુટિલિટીમાં અદાણી ગ્રુપ સિવાય અન્યમાં જિંદલ ડ્રીલિંગ ૭.૫ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા સવાસાત ટકા, રિલાયન્સ પાવર ૧૪.૮ ટકા, ટૉરન્ટ પાવર ૪.૮ ટકા, વારિ રીન્યુ. ૪.૪ ટકા વધ્યા હતા. ઑઇલ ઇન્ડિયા એક ટકો નરમ તો ઓએનજીસી સવા ટકો પ્લસ થયો છે. જીએસપીએલ ત્રણ ટકા ઊંચકાઈ ૨૭૭ તો વારિ રીન્યુ. ૯૪૫ની નવી ટૉપ બનાવી સાડાચાર ટકાની આગેકૂચમાં ૯૨૮ થયો છે.  

રૂપિયો ૧૭ પૈસા ઘટીને ૮૨ની પાર પહોંચ્યો

ભારતીય રૂપિયો ડૉલર સામે સતત નબળો પડી રહ્યો છે અને મંગળવારે ૧૭ પૈસા નબળો પડીને ૮૨ની ઉપર પહોંચી ગયો હતો. રૂપિયામાં ચાલુ સપ્તાહમાં વધુ કરેક્શનની પણ શક્યતા દેખાઈ રહી છે. ભારતીય રૂપિયો ડૉલર સામે ૮૧.૯૭ ખૂલ્યો હતો અને દિવસ દરમિયાન ૮૨.૧૫ સુધી પહોંચીને છેલ્લે ૮૨.૧૩૫૦ પર બંધ રહ્યો હતો. આગલા દિવસે રૂપિયો ૮૧.૯૬ પર બંધ રહ્યો હતો. ડૉલર ઇન્ડેક્સ વિશ્વની મુખ્ય છ કરન્સી સામે ૧૦૨.૧૮ની સપાટી પર પહોંચ્યો હતો, જે આગલા દિવસે ૧૦૨.૨૦ની સપાટી પર બંધ રહ્યો હતો. 

business news share market stock market national stock exchange bombay stock exchange nifty sensex indian rupee