બૅન્ક નિફ્ટી નવી ટોચે, FIIની ૧૪,૦૦૦ કરોડની જંગી લેવાલી

21 September, 2024 09:00 AM IST  |  Mumbai | Kanu J Dave

મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર પાંચ ટકા ઊછળ્યો, સેબીના ઇન્ટરિમ ઑર્ડરની ઍક્સિસ બૅન્ક પર અસર ન થઈ, સ્થાનિકોની વેચવાલીને FII પચાવી ગઈ, બજાજ હાઉસિંગ ફાઇનૅન્સનો ઘટાડો અટક્યો : ઑટો, ઇન્ડિયા કન્ઝમ્પ્શન અને રિયલ્ટી ઇન્ડેક્સ ટૉપ ગેઇનર્સ

પ્રતીકાત્મક તસવીર

બજાર સતત તેજીના મૂડમાં શુક્રવારે પણ જોવા મળ્યું હતું. સેન્સેક્સે ૮૪,૦૦૦નો વધુ એક માઇલસ્ટોન ક્લિયર કર્યો હતો. નિફ્ટી પણ 2548.25નો નવો વિક્રમી હાઈ દેખાડી 25790.95 બંધ રહ્યો હતો. બૅન્કિંગ-ફાઇનૅન્સના સહારે તેજી આગળ વધી હતી અને મિડકૅપ સ્મૉલકૅપમાં પણ પાછો સળવળાટ સપ્તાહના છેલ્લા દિવસે જોવા મળ્યો હતો. શુક્રવારે બૅન્ક નિફ્ટી 53037.60ના પુરોગામી બંધ સામે 23235.80 ખૂલી સવારે ૧૦ વાગ્યા સુધીમાં 53037.60નું બૉટમ બનાવી દિવસના પહેલા તેજીના સ્પેલમાં 53683 આસપાસ ગયા પછી રીઍક્શનમાં 53150 સુધી દોઢેકના સુમારે હાયર બૉટમ બનાવી બીજા સ્પેલમાં થોડો કન્સોલિડેટ થયા પછીના ઉછાળામાં ક્લોઝિંગ પહેલાંની છેલ્લી દસેક મિનિટમાં 54066.10નો નવો ઐતિહાસિક હાઈ બનાવી અંતે 755.60 પૉઇન્ટ્સ, 1.42 ટકા વધી 53793.20 બંધ રહ્યો હતો. આમ ‘બૅન્ક નિફ્ટી નથી વધતો, નથી વધતો’નો કચવાટ પણ આજે શમી ગયો હતો. બીએસઈ ખાતે બૅન્કેક્સે પણ 61242.13નું નવું શ‌િખર સર કરીને 1.44 ટકાના ગેઇને 60955.12 બંધ આપ્યું હતું. બૅન્કેક્સના 865 પૉઇન્ટ્સના સુધારામાં 545નો ફાળો આઇસીઆઇસીઆઇ બૅન્કના 46.40 રૂપિયાના સુધારાએ, 271 પૉઇન્ટ‍્સનું કૉ‌ન્ટ્રિબ્યુશન એચડીએફસી બૅન્કના 32.7 રૂપિયાના ગેઇને અને 132 પૉઇન્ટ્સનું યોગદાન કોટક મહિન્દ્ર બૅન્કના ૩૨.૫૫ રૂપિયાના સુધારાએ આપ્યું હતું. પ્રાઇવેટ બૅન્ક્સના આ દેખાવ સામે જાહેર ક્ષેત્રની બૅન્ક એસબીઆઇના શૅરે ૯ રૂપિયા ઘટીને બૅન્કેક્સના ૮૭ પૉઇન્ટ્સ ઓછા કર્યા હતા. બૅન્કેક્સના ૧૦માંથી ૬ શૅરો સુધર્યા હતા અને ૪ ઘટ્યા હતા. નિફ્ટી બૅન્કે શુક્રવારે બાવન સપ્તાહનો નવો હાઈ બનાવ્યો એની સાથે-સાથે એના પ્રતિનિધિ શૅરોમાંથી એકમાત્ર આઇસીઆઇસીઆઇ બૅન્કે જ 1362.35 રૂપિયાનો નવો હાઈ બનાવ્યો હતો. કોટક મહિન્દ્ર બૅન્ક માત્ર ૨૦ પૈસાના ડિફરન્સે આવો રેકૉર્ડ સ્થાપી ન શકી. બૅન્કિંગ શૅરોની નબળાઈ-સબળાઈ જાણવા એ શૅરોની બાવન સપ્તાહના હાઈથી કેટલા ટકા દૂર છે એનો આધાર લઈ શકાય. સૌથી વધુ ૨૪ ટકા દૂર આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક બંધ 72.82 રૂપિયા અને એ પછી અનુક્રમે પીએનબી 108.5 રૂપિયા, 23 ટકા દૂર, બૅન્ક ઑફ બરોડા 235.40 રૂપિયા, 20 ટકા નીચે, બંધન બૅન્ક 209.87 રૂપિયા, 19 ટકાના અંતરે, સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા 784.5 રૂપિયા, 12 ટકાના ડિસ્ટન્સે, ઇન્ડસઇન્ડ બૅન્ક 1482 રૂપિયા, 12 ટકાના અંતરે, ફેડરલ બૅન્ક 185.53 રૂપિયા, સાડાઆઠ ટકા દૂર, એયુ સ્મૉલ ફાઇનૅન્સ બૅન્ક 730 રૂપિયા, સવાસાત ટકા નીચે, ઍક્સિસ બૅન્ક 1249.95 રૂપિયા, 6.69 ટકા દૂર અને એચડીએફસી બૅન્ક 1737.20 રૂપિયા એના બાવન સપ્તાહના 1794 રૂપિયાના હાઈથી 2.73 ટકા નીચે છે. આગામી દિવસોમાં આમાંથી કયો શૅર કેટલી ઝડપથી આ દૂરી તય કરી બાવન સપ્તાહના હાઈ પર પહોંચે છે એ જોવું રસપ્રદ નીવડશે. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ 385 પૉઇન્ટ્સ, 1.58 ટકા સુધરી 24789.20 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સે પણ 24905.35નો નવો હાઈ ઇન્ટ્રાડેમાં કર્યો હતો. ઍક્સિસ બૅન્કની સબસિડિયરી ઍક્સિસ કૅપિટલને સેબી તરફથી અમુક કામકાજ કરવા પર પ્રતિબંધ ફરમાવતા ઇન્ટરિમ ઑર્ડર અને એની બૅન્ક અને એની સબસિડિરી પરની સંભવિત અસરને લઈને ખુલાસો ઍક્સિસ બૅન્કે સ્ટૉક એક્સચેન્જને મોકલાવ્યો હોવાના સમાચારે શૅર 1230-1250 રૂપિયા વચ્ચે રમી 0.24 ટકા વધીને બીએસઈ ખાતે 1245.50 રૂપિયા રહ્યો હતો. નિફ્ટી મિડકૅપ સિલેક્ટ 24.95 પૉઇન્ટ્સ, 0.19 ટકા વધી 13112.50, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી 1062.30 પૉઇન્ટ્સ, 1.43 ટકાના ગેઇને 75481.85ના સ્તરે વિરમ્યા હતા.

નિફ્ટી 375.15 પૉઇન્ટ્સ, 1.48 ટકા વધી 25790.95 થયો હતો. નિફ્ટીમાં ટૉપ ગેઇનર મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 149 વધી 5.32 ટકાના સુધારાએ 2946 બંધ રહ્યો હતો. ગુડગાંવ (ગુરુગ્રામ)માં ચાલી રહેલી જેફરીઝની ઇન્વેસ્ટર કૉન્ફરન્સમાં ગુરુવારે કંપનીના પ્રતિનિધિઓએ ભાગ લીધો હોવાની જાણ શૅરબજારને કરી એના પગલે આ સુધારો જોવા મળ્યો હતો. બજાજ હાઉસિંગ ફાઇનૅન્સ શુક્રવારે 3.37 રૂપિયા સુધરી 163.49 બંધ થયો હતો. 150 રૂપિયાના ભાવે લિસ્ટિંગ પછી શૅરે 188.50 રૂપિયાનો હાઈ બનાવ્યો છે. ખાસ વૉલ્યુમ નહોતું. નિફ્ટીના ૪૪ શૅર વધ્યા અને ૬ જ  ઘટ્યા હતા. ટૉપ પાંચ ગેઇનર્સમાં જેએસડબ્લ્યુ સ્ટીલ 3.69 ટકા સુધરી 983 રૂપિયા થયો હતો. કંપનીની યુએસ સબસિડિયરી કંપનીએ કારખાનામાં એનર્જી સેવિંગના લક્ષ્ય હાંસલ કર્યાની એક્સચેન્જોને જેએસડબ્લ્યુ સ્ટીલે જાણ કરી હતી. એ જ રીતે લાર્સન ઍન્ડ ટૂબ્રો પણ 3 ટકા સુધરી નિફ્ટી ટૉપ પાંચ ગેઇનર્સમાં હતો. પાંચમા ક્રમે કોલ ઇન્ડિયા 2.84 ટકાના ગેઇન સાથે હતો. નિફ્ટી ફિફ્ટીમાં ટૉપ લૂઝર ગ્રાસિમ 2.33 ટકા ઘટી 2675 રૂપિયા રહ્યો હતો. એનએસઈના 77માંથી 67 ઇન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા. એમાં સૌથી વધુ 3.05 ટકા વધી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ 1101.60 રહ્યો હતો. સુધારામાં એ પછીના ક્રમે ઇન્ડિયા કન્ઝમ્પ્શન ઇન્ડેક્સ 2.13ના ગેઇન સાથે 12816 બંધ હતો. ઑટો ઇન્ડેક્સ મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્રના સથવારે 1.88 ટકા વધી 26394ના સ્તરે વિરમ્યો  હતો.

નિફ્ટીના 50માંથી 44, નિફ્ટી નેક્સ્ટ 50ના 50માંથી 46, નિફ્ટી બૅન્કના 12માંથી 5, નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસના 20માંથી 15 અને મિડકૅપ સિલેક્ટના 25માંથી 14 શૅર સુધર્યા હતા. સેન્સેક્સના 30માંથી 26 અને બૅન્કેક્સના 10માંથી 6 શૅર વધ્યા હતા. એનએસઈની વેબસાઇટ પરની માહિતી અનુસાર 2848 (2873) ટ્રેડેડ શૅરોમાંથી 1853 (908) વધ્યા, 924 (1885) ઘટ્યા અને 71 (80) સ્થિર રહ્યા હોવાથી માર્કેટ-બ્રેડ્થમાં સારો એવો સુધારો જોવા મળ્યો હતો. બાવન સપ્તાહના નવા હાઈ 122 (107) શૅરોએ અને નવા લો 37 (44) શૅરોએ નોંધાવ્યા હતા. ઉપલી સર્કિટે 114 (78) તો નીચલી સર્કિટે 63 (162) શૅર ગયા હતા.

રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક સપ્તાહમાં 48.79 ટકા વધ્યો

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો શૅર સમીક્ષા હેઠળના સપ્તાહમાં 48.79 ટકા સુધર્યો છે. છઠ્ઠી સપ્ટેમ્બરે 212.57 રૂપિયા ક્વોટ થતો હતો એ શુક્રવારે 316.29 રૂપિયા બંધ રહ્યો હતો. કંપનીએ દેવામાં ઘટાડો કર્યો હોવાના સમાચારે આટલો સુધારો થયો હતો. બૉમ્બે સબર્બન ઇલેક્ટ્રિક સપ્લાયને અનિલ અંબાણીએ હસ્તગત કર્યા પછી જાન્યુઆરી 2008ની 2641 રૂપિયાની ટોચ અને 2020માં 8.65 રૂપિયાનું બૉટમ આ શૅર જોઈ ચૂક્યો છે.

રિઝર્વ બૅન્કના બુલેટિન મુજબ આ સપ્ટેમ્બરનું આઇપીઓ માર્કેટ ૧૪ વર્ષમાં બિઝીએસ્ટ

આરબીઆઇએ એના બુલેટિનમાં નોંધ લીધી છે કે સપ્ટેમ્બરમાં કુલ ૨૮ કંપનીઓ બજારમાંથી ભંડોળ ઊભું કરશે એથી આ સપ્ટેમ્બર ૧૪ વર્ષમાં સૌથી બિઝીએસ્ટ મહિનો પુરવાર થશે. સ્મૉલ ઍન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ આઇપીઓમાં ભારે રસને કારણે આ બજાર ધમધમતું હોવાની નોંધ પણ આરબીઆઇએ લીધી છે. રિઝર્વ બૅન્કે અરજદારોને લાગતા શૅરોમાંથી 54 ટકા એકાદ સપ્તાહમાં જ તેઓ વેચી દેતા હોવાની બાબતને ગતિશીલ બજારની નિશાની ગણાવી છે. જોકે લિસ્ટેડ કંપનીઓ મોટા ભાગે ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ પ્લેસમેન્ટનો વિકલ્પ અપનાવતી હોવાથી 2024ના પ્રથમ ૮ મહિનામાં આ રીતે ૬૦,૦૦૦ કરોડ રૂપિયાની માતબર રકમ ઊભી કરી હોવાનું પણ આરબીઆઇએ બુલેટિનમાં જણાવ્યું છે.

સંસ્થાકીય નેટ લેવાલી

FIIની 14064.05 કરોડ રૂપિયાની જંગી નેટ લેવાલી સામે ડીઆઇઆઇની 4427.08 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહેતાં એકંદરે 9636.97 કરોડ રૂપિયાની નેટ લેવાલી કૅશ સેગમેન્ટમાં જોવા મળી હતી. બીએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન વધીને 471.72 (465.47) લાખ કરોડ રૂપિયા થયું હતું.  

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange