અઝીમ પ્રેમજીએ એક વર્ષમાં કર્યું ૯૭૧૩ કરોડનું ડૉનેશન

29 October, 2021 02:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ભારતના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ ૫૭૭ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું

અઝીમ પ્રેમજી

સૉફ્ટવેર ક્ષેત્રની અગ્રણી વિપ્રો કંપનીના સ્થાપક અઝીમ પ્રેમજીએ ગયા નાણાકીય વર્ષમાં કુલ ૯૭૧૩ કરોડ રૂપિયાની સખાવત કરી હતી. આ રકમ રોજના ૨૭ કરોડ રૂપિયા જેટલી થાય છે. 
એડલગિવ હુરુન ઇન્ડિયા ફિલેન્થ્રોપી લિસ્ટ ૨૦૨૧ મુજબ પ્રેમજીએ કોરોનાના રોગચાળાના વર્ષમાં દાનની રકમ વધારી દીધી હતી. તેમના પછીના ક્રમે એચસીએલના શિવ નાડર હતા, જેમણે ૧૨૬૩ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. 
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ભારતના સૌથી વધુ ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીએ ૫૭૭ કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. કુમારમંગલમ બિરલાએ ૩૭૭ કરોડ અને ગૌતમ અદાણીએ ૧૩૦ કરોડ રૂપિયાની સખાવત કરી હતી. ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણી ૧૮૩ કરોડના દાન સાથે પાંચમા ક્રમાંકે હતા. આ બધાં નાણાંમાંથી મોટા ભાગની રકમ શિક્ષણ અને આરોગ્ય સેવા માટે વપરાય છે. 
ઉક્ત યાદીમાં ઉમેરાયેલા નવા દાતાઓમાં બિગ બુલ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાનો પણ સમાવેશ થાય છે. લાર્સન ઍન્ડ ટૂબ્રોના ભૂતપૂર્વ ચૅરમૅન એ. એમ. નાઈક ૧૧૨ કરોડના દાન સાથે યાદીમાં ૧૧મા ક્રમાંકે છે.
ટોચના દાતાઓમાં હિન્દુજા પરિવાર, બજાજ પરિવાર, અનિલ અગરવાલ પરિવાર અને બર્મન પરિવારનો સમાવેશ છે. મહિલા દાતાઓમાં રોહિણી ફિલેન્થ્રોપીસનાં રોહિણી નીલેકણી, યુએસવીનાં લીના ગાંધી તિવારી, થર્મેક્સનાં અનુ આગા વગેરે સામેલ છે. 
ક્ષેત્રવાર જોઈએ તો સૌથી વધુ દાતા ફાર્મા ઉદ્યોગના હતા. ત્યાર બાદ ઑટોમોબાઇલ અને ઑટો કમ્પોનન્ટ્સ તથા સૉફ્ટવેર અને સર્વિસિસ ક્ષેત્રનો ક્રમ આવે છે.

business news