20 December, 2022 02:06 PM IST | Mumbai | Anil Patel
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
નાયકા પાંખા કામકાજ વચ્ચે ઑલટાઇમ તળિયે ગયો, પૉલિસી બાઝાર પાંચ ટકાની તેજીમાં : એલઆઇસી પોણાસાત ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ સાડાબાર ટકા અને ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સાડાનવ ટકા ઊંચકાયા : શુગર ઉદ્યોગના ૩૮માંથી ૩૭ શૅર વધ્યા, ૩૪ શૅર સાડાચારથી ૨૦ ટકાના જમ્પમાં બંધ થયા : અદાણીના ૧૦માંથી ૮ શૅર પ્લસ, અદાણી એન્ટરપ્રાઇઝિસ સર્વોચ્ચ સપાટીએ : બ્રિટાનિયામાં નવાં શિખર જારી, ટીસીએસ મેઇન બેન્ચમાર્કમાં ટૉપ લૂઝર રહ્યો : નૅશનલ ફર્ટિ, આરસીએફ તથા ફેક્ટ જેવા સરકારી ખાતર શૅરમાં નવી ટૉપ દેખાઈ : માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની
વિશ્વબજારો માટે નવું સપ્તાહ એક રીતે ૨૦૨૨ના વર્ષે કામકાજનું આખરી સપ્તાહ છે, કેમ કે પછીના સપ્તાહમાં બજારો ચાલુ તો રહેવાનાં છે, પરંતુ કામકાજ પૂરા અઠવાડિયાનું નથી. ચાઇના ખાતે કોવિડનો ઉત્પાત વધી ગયો છે. રી-ઓપનિંગ સ્મૂધ નહીં હોય. શાંઘાઈ માર્કેટ ગઈ કાલે બે ટકા જેવું બગડ્યું છે. જપાન ખાતે મધ્યસ્થ બૅન્કની બે દિવસની પૉલિસી મીટિંગ શરૂ થઈ છે. બજાર એક ટકાથી વધુ નરમ હતું. ઇન્ડોનેશિયા, હૉન્ગકૉન્ગ, તાઇવાન અડધા ટકાની આસપાસ માઇનસ હતાં. એક માત્ર સિંગાપોર અડધો ટકો સુધર્યું છે. યુરોપ નરમાઈની હૅટ-ટ્રિક બાદ સોમવારે ટેક્નિકલ કરેક્શનમાં અડધા ટકાની આજુબાજુ રનિંગમાં પ્લસ દેખાતું હતું. ઘરઆંગણે શૅરબજાર તાજેતરની નોંધપાત્ર નબળાઈ બાદ પ્રત્યાઘાતી સુધારામાં ૪૬૮ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫૧ પૉઇન્ટ વધી બંધ થયાં છે. પૉઝિટિવ ઓપનિંગ બાદ ક્ષણિક ઘટાડે ૬૧,૨૬૫ની ઇન્ટ્રા-ડે બૉટમ બાદ શૅરઆંક આખો દિવસ સારો એવો પૉઝિટિવ ઝોનમાં જોવાયો છે અને બજાર ૬૧,૮૪૫ની ઇન્ટ્રા-ડે ટૉપની નજીક, ૬૧,૮૦૬ બંધ આવ્યું છે. સ્મૉલ કૅપ, મિડ કૅપ તથા બ્રૉડર માર્કેટના બેન્ચમાર્ક ટકાવારી રીતે સેન્સેક્સ નિફ્ટી તથા લાર્જ કૅપના મુકાબલે ઓછા વધ્યા હતા, પરંતુ સુધારો વ્યાપક હોવાથી માર્કેટ બ્રેડ્થ સારી એવી સ્ટ્રૉન્ગ બની છે. એનએસઈમાં ઘટેલા ૮૨૧ શૅરની સામે ૧૨૦૪ કાઉન્ટર વધ્યાં છે.
બન્ને બજારોના મોટા ભાગના સેક્ટોરલ વધીને બંધ હતા. આઇટી ટેક્નો, નિફ્ટી ફાર્મા તથા હેલ્થકૅર અને પીએસયુ નિફ્ટી નહીંવત્થી અડધા ટકા જેવા ડાઉન હતા. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સુધારામાં ૧૯૪ પૉઇન્ટ કે અડધો ટકો પ્લસ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૨૧ શૅર વધ્યા છે. આઇડીબીઆઇ જૈસે થે હતો. સીએસબી બૅન્ક સાત ટકાની તેજીમાં ૨૭૩ની નવી ટોચે ગયો છે. કર્ણાટકા બૅન્ક ૪.૪ ટકા, કરૂર વૈશ્ય ૨.૯ ટકા, ડીસીબી બૅન્ક બે ટકા, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ૪.૩ ટકા, કૅનેરા બૅન્ક સવાબે ટકા અપ હતા. યુકો બૅન્ક સવાસાત ટકાથી વધુના ગાબડામાં ૩૪ નીચે બંધ રહી ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર થયો છે. પંજાબ સિંધ બૅન્ક પાંચેક ટકા, સેન્ટ્રલ બૅન્ક ત્રણ ટકા, ઉજ્જીવન બૅન્ક પોણાત્રણ ટકા ડાઉન હતા.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ પોણો ટકો વધ્યો છે. અત્રે હુડકો, પીએનબી હાઉસિંગ, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ, સેન્ટ્રલ કૅપિટલ, જીઆઇસી હાઉસિંગ, યુટીઆઇ ઍસેટ મૅનેજમેન્ટ, જનરલ ઇન્શ્યૉરન્સ, એલઆઇસી, પૉલિસી બાઝાર જેવી જાતો પાંચથી સાડાબાર ટકા ઊછળી હતી.
અદાણી એન્ટરપ્રાઇઝિસ નવી વિક્રમી સપાટીએ, અદાણી પોર્ટ્સ નિફ્ટી ખાતે બેસ્ટ
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૪ તથા નિફ્ટીના ૫૦માંથી ૪૨ શૅર વધ્યા હતા. નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ ચાર ટકાની તેજીમાં ૮૯૪ બંધ આપીને મોખરે હતો. અદાણી એન્ટરપ્રાઇઝિસ ૪૧૦૪ની ઑલટાઇમ હાઈ બનાવી ત્રણ ટકા કે ૧૨૦ રૂપિયા ઊછળી ૪૧૦૧ બંધ આપી સેકન્ડ બેસ્ટ ગેઇનર બન્યો છે. મહિન્દ્ર ત્રણ ટકા નજીક ૧૨૮૮નો બંધ આપીને સેન્સેક્સમાં ટૉપ ગેઇનર રહ્યો છે. અન્ય ફ્રન્ટલાઇનમાં આઇશર, પાવરગ્રિડ, બજાજ ફીન સર્વ, ભારતી ઍરટેલ બેથી પોણાત્રણ ટકા પ્લસ હતા. કોલ ઇન્ડિયા, અપોલો હૉસ્પિટલ, ઍક્સિસ બૅન્ક, બજાજ ફાઇનૅન્સ, આઇટીસી, ટાઇટન, મારુતિ, હિન્દુ. યુનિલીવર, એચડીએફસી, એચડીએફસી લાઇફ, ડૉ. રેડ્ડીઝ લૅબ, બ્રિટાનિયા, નેસ્લે, હીરો મોટોકૉર્પ સવા ટકાથી માંડીને બે ટકા નજીક વધ્યા છે. રિલાયન્સ ૧.૪ ટકા વધીને ૨૬૦૦ના બંધમાં ૧૦૬ પૉઇન્ટ પ્રદાન કરી બજારને સર્વાધિક ફળ્યો છે.
ટીસીએસ એક ટકાથી વધુની નરમાઈમાં ૩૨૦૨ નીચે રહી બન્ને બજારમાં ટૉપ લૂઝર બન્યો છે. ઇન્ફી એક ટકાની નજીક, ઓએનજીસી તથા તાતા મોટર્સ પોણા ટકાથી વધુ, સનફાર્મા અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક અડધા ટકા આસપાસ માઇનસ હતા. અદાણી ગ્રુપ ખાતે અન્ય જાતોમાં અદાણી ટ્રાન્સ. સવા ટકો, અદાણી ગ્રીન પોણો ટકો, અદાણી ટોટલ પોણાબે ટકા, અંબુજા સિમેન્ટ દોઢ ટકા, એનડીટીવી સવા ટકો અપ હતા. ગ્રુપના ૧૦માંથી બે શૅર અદાણી પાવર પોણો ટકો તો અદાણી વિલ્મર સવા ટકો ઘટીને બંધ રહ્યા છે.
ઑટો અને એફએમસીજીમાં ઝમક, ઇન્ફી-ટીસીએસ આઇટી આંકને નડ્યા
ગઈ કાલે ઑટો ઇન્ડેક્સ ૧૬માંથી ૧૪ શૅરના સથવારે ૪૯૦ પૉઇન્ટ કે ૧.૭ ટકા વધ્યો છે. બજાજ ઑટો, અશોક લેલૅન્ડ, આઇશર, ક્યુમિન્સ ઇન્ડિયા તથા મહિન્દ્ર બેથી ત્રણ ટકા મજબૂત હતા. મારુતિ સુઝુકી, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ, ટીવીએસ મોટર, હીરો મોટોકૉર્પ ૧.૬થી બે ટકા ઊંચકાયા છે. અતુલ ઑટો ૨૮૨ના લેવલે ફ્લૅટ હતો. ઑટો કમ્પોનન્ટ્સ ક્ષેત્રે ૫૫ શૅર પ્લસ તો ૫૩ જાતો નરમ હતી. જેબીએમ ઑટો નવ ટકાના ઉછાળે ૪૫૦ થયો છે. પ્રિકોલ સાડાઆઠ ટકાની તેજીમાં ૨૧૫ હતો. જીજી ઑટો, પંકજ પીયૂષ, જૈનેક્સ સાડાચારથી પાંચ ટકા ડાઉન હતા.
એફએમસીજી બેન્ચમાર્ક ૮૧માંથી ૫૬ શૅરની આગેકૂચમાં ૧.૪ ટકા વધ્યા છે. શુગર ઉદ્યોગની તેજીથી આ બેન્ચમાર્કને ઠીક-ઠીક હૂંફ મળી હતી. ઉપરાંત એલટી ફૂડ્સ સાડાનવ ટકા, ગોડફ્રે ફિલિપ્સ પોણાછ ટકા, ડીએફએમ ફૂડ્સ ૪.૮ ટકા, જીએમ બ્રુઅરીઝ ૩.૩ ટકા અપ હતા. હેવી વેઇટ્સમાં આઇટીસી દોઢ ટકાથી વધુ, નેસ્લે ૧.૪ ટકા, હિન્દુ. યુનિલીવર ૧.૭ ટકા, વરુણ બેવરેજિસ ૧.૯ ટકા, મારીકો ૨.૨ ટકા પ્લસ હતા. બ્રિટાનિયા ૪૫૩૫ની નવી ટોચે જઈ પોણાબે ટકા ઊંચકાઈ ૪૫૨૫ બંધ રહ્યો છે.
આઇટીમાં અડધા ટકાની નરમાઈ હતી. અત્રે ૬૦માંથી ૩૦ શૅર નરમ હતા. ઇન્ફી ટીસીએસની એકાદ ટકાની નરમાઈ ઉપરાંત વિપ્રો મામૂલી માઇનસ હતો. ટેક મહિન્દ્ર અડધો ટકો વધ્યો છે. ટેક્નૉલૉજીસ સ્પેસમાં જસ્ટ ડાયલ ૪.૩ ટકા, ભારતી ઍરટેલ સવાબે ટકા, સનટીવી એક ટકો પ્લસ હતા. તાતા ટેલિ ત્રણ ટકા ઘટી ૯૫ બંધ આવ્યો છે.
શુગર શૅરોમાં બુલરન આગળ વધ્યો, ઉદ્યોગના ૩૮માંથી ૩૭ શૅર મજબૂત
શુગર શૅરો જબરી મીઠાશમાં ગઈ કાલે ઉદ્યોગના ૩૮માંથી ૩૭ શૅર વધ્યા છે. ધામપુર બાયો, પોની ઇરોડ, રાજશ્રી શુગર, શક્તિ શુગર, એસબીઈસી શુગર, ઉગર શુગર જેવા અડધો ડઝન શૅર નવા શિખરે ગયા હતા. સર શાદીલાલ, પિકાડેલી શુગર, ધામપુર સ્પેશ્યલિટી, રાજશ્રી શુગર, પાર્વતી સ્વીટનર, સિમ્ભોલી શુગર વીસેક ટકાની તેજીમાં બંધ હતા. શક્તિ શુગર, પોની ઇરોડ, દાલમિયાં શુગર, કેસીપી શુગર, રાણા શુગર, ધામપુર શુગર ૧૦.૭થી ૧૫.૪ ટકા ઊછળ્યા છે. ઉત્તમ શુગર અને બજાજ હિન્દુસ્તાનમાં ૧૦ ટકાની તેજી હતી. રેણુકા શુગર, મવાણા શુગર, ધામપુર બાયો, અવધ શુગર, ઉગર શુગર, કેએમ શુગર, વિશ્વરાજ, કેસર એન્ટર, મગધ શુગર ઇત્યાદિએ સવાપાંચથી દસેક ટકાનો જમ્પ માર્યો છે તો ધરણી શુગર, દાવણગીરી, રિગા શુગર, રાવલગાંવ, એસબીઈસી શુગર, ગાયત્રી શુગર, હનુમાન શુગર પાંચેક ટકા અને દ્વારકેશન પાંચ ટકા મજબૂત હતા. ઇનશૉર્ટ ૩૪ શુગર શૅર ગઈ કાલે સાડાચારથી વીસ ટકા સુધી ઊંચકાયા છે. બલરામપુર ચીની અડધો ટકો ઘટી છે. ખાતર શૅરો બહુધા પ્રૉફિટ-બુકિંગમાં રહ્યા છે. પારાદીપ, એરિસ ઍગ્રો, જીએસએફસી, રામા ફૉસ્ફેટ્સ, શિવા ઍગ્રો, ચંબલ ફર્ટિ બેથી સવાચાર ટકા ઘટ્યા છે. નાગાર્જુના ફર્ટિ પાંચ ટકાની ઉપલી સર્કિટે સાડાઅગિયાર રૂપિયા વટાવી ગયો છે. નૅશનલ ફર્ટિ ૧.૭ ટકાની આગેચૂકમાં ૭૭ હતો.
નાયકામાં નવું ઑલટાઇમ બૉટમ, એલઆઇસીમાં ૬.૭ ટકાની તેજી
સાર્થક ઇન્ડ. ત્રણ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસ થવાની પૂર્વસંધ્યાએ પોણો ટકો વધીને ૧૬૪ બંધ થયો છે. શીલા ફોમ્સ શૅરદીઠ એક બોનસમાં બુધવારે બોનસ બાદ થશે. ભાવ ગઈ કાલે ૨૬૦૦ના લેવલે ફ્લૅટ હતો. ક્વીન્ટ ડિજિટલ મીડિયામાં ૩૭ શૅરદીઠ ૪૨ના પ્રમાણમાં ૧૦ના શૅરદીઠ ૫૦ના ભાવથી ૧૨૫ કરોડનો રાઇટ ૯ જાન્યુઆરીએ ખૂલવાનો છે. શૅર ૨૨ ડિસેમ્બરે એક્સ રાઇટ થશે. ભાવ સોમવારે સામાન્ય સુધારે ૩૦૧ થયો છે.
અમદાવાદી રેટન ટીએમટીમાં બોનસ તથા શૅર વિભાજન માટે ૨૧મીએ
બોર્ડ મીટિંગ છે. શૅર ગઈ કાલે ૪૫૬ની ઑલટાઇમ ટૉપ બતાવી સાધારણ વધી ૪૪૯ બંધ હતો.
નાયકા ૧૬૦ નીચે ઑલટાઇમ બૉટમ બનાવી ૨.૯ ટકા ગગડી ૧૬૩ થયો છે. પેટીએમ પોણા ટકાની નબળાઈમાં ૫૨૩, પૉલિસી બાઝાર પાંચ ટકાના ઉછાળે ૪૮૬, ઝોમૅટો ૬૨ના આગલા સ્તરે જૈસે-થે, એલઆઇસી અઢી ગણા કામકાજે ઉપરમાં ૭૪૧ વટાવી ૬.૭ ટકાના જમ્પમાં ૭૩૫ નજીક બંધ રહ્યા છે.
આ પણ વાંચો : નિફ્ટી ફ્યુચર ૧૮,૩૧૩ નીચે ૧૮,૩૦૦ અને ૧૮,૧૫૦ મહત્ત્વના સપોર્ટ
હિન્દુજા ગ્લોબલમાં શૅરના બાયબૅક માટે બજાર બંધ થયા પછી બોર્ડ મીટિંગ હતી. ભાવ અડધા ટકાના સુધારામાં ૧૪૦૪ ઉપર બંધ આવ્યો છે. સરકારી વીમા કંપની જનરલ ઇન્શ્યૉરન્સ ૧૯૩ની નવી ટૉપ દેખાડી ૧૨.૬ ટકાના ઉછાળે ૧૮૮ નજીક, ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ સાડાનવ ટકા ઊંચકાઈ ૧૩૪, હુડકો ૭.૭ ટકાના જમ્પમાં ૫૮ના શિખરે બંધ રહી છે.