મેડ ઇન સૌરાષ્ટ્ર 'છકડો' બનશે હવે ઇતિહાસ

01 May, 2019 01:22 PM IST  |  રાજકોટ

મેડ ઇન સૌરાષ્ટ્ર 'છકડો' બનશે હવે ઇતિહાસ

Image Courtesy: Go2India.com

છકડામાં તમે ક્યારેક તો બેઠા જ હશો. એમાંય જો તમે કાઠિયાવાડી હશો, તો તો આ વાહન સાથે તમારે ખાસ યાદો સંકળાયેલી હશે. અને હવે તે યાદો સંભાળીને રાખજો કારણ કે છકડો હવે કાયમ માટે યાદ બનવા જઈ રહ્યો છે. જી હાં, સૌરાષ્ટ્રની શાન ગણાતો છકડો હવે નિવૃત્ત થઈ રહ્યો છે. વરિષ્ઠ બિઝનેસ જર્નલિસ્ટ વિમુક્ત દવેના રિપોર્ટ પ્રમામે રિક્ષા બનાવતી ભારતની ત્રીજી સૌથી મોટી કંપની અતુલ ઓટો લિમિટેડ હવે છકડાનું ઉત્પાદન બંધ કરી રહી છે. અતુલ ઓટોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર જયંતી ચંદ્રાએ વિમુક્ત દવે સાથેની વાતચીતમાં કહ્યું છે કે,'ભારત સરકારે પ્રદૂષણ અને માર્ગ સલામતીને લગતા ધોરણોને વધુ કડક બનાવ્યા છે જેને છકડો પરિપૂર્ણ કરી શકે તેમ નથી અને આથી જ અતુલ ઓટોએ છકડાનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો છે'

વિમુક્ત દવેના રિપોર્ટ પ્રમામે છકડાનો જન્મ ગોલ્ફ કાર્ટમાંથી થયો હતો. જામનગરના જામ સાહેબે 1970ના અરસામાં જગજીવન ચાંદ્રાને જૂની ગોલ્ફ કાર્ટ આપી હતી. તેના પરથી જગજીવન ચાંદ્રાને છકડાનો વિચાર સ્ફૂર્યો. તે સમયે ટ્રાન્સપોર્ટેશન અઘરું હતું. અને ગ્રામીણ વિસ્તારોમાં માલ સામાનની હેરફેર માટે ગાડાનો ઉપયોગ થતો. ત્યારે જગજીવન ભાઈએ ગોલ્ફ કાર્ટ પરથી છકડાનો આઈડિયા કર્યો.

વિચાર હતો, પરંતુ તેને પરિપૂર્ણ કેમ કરવો તે સવાલ હતો. અને જગજીવના ચંદ્રાએ પોતાના પુત્ર જયંતી ચંદ્રા સાથે મળી અખતરા શરૂ કર્યા. અને ડીઝલથી ચાલતા એગ્રિકલ્ચર પમ્પમાંથી પહેલું વહેલું છકડાનું એન્જિન બનાવ્યું. એગ્રિકલ્ચર પમ્પની ડિઝાઈનમાં ફેરફાર કરી જગજીવન ભાઈના નિર્દેશ પ્રમામે જયંતીભાઈએ છકડાનું એન્જિન તૈયાર કર્યું.

પછીથી તેમાં માલસામાન લઈ જવા અને માણસોને બેસવા માટે જુદી જુદી ડિઝાઈન તૈયાર થઈ. અને છકડો માર્કેટમાં ઉતર્યો. છકડાના આવ્યા બાદ ગ્રામીણ વિસ્તારના પરિવહનની સમસ્યા ઘટી હતી. કારણ કે છકડો એક સાથે બે કામ આપતો હતો, તે લોકોને પણ લઈ જઈ શક્તો અને માલસામાનને પણ. એટલે સુધી કે લગ્ન પ્રસંગે જાનૈયાઓ પણ છકડામાં જતા હતા. વિમુક્ત દવેના રિપોર્ટ પ્રમાણે 1990ના સમય બાદ તો છકડો ખૂબ જ હિટ થયો હતો.

આ પણ વાંચોઃ ગુજરાત સ્થાપના દિવસઃઆજના દિવસે જ મુંબઈથી અલગ થયું હતું ગુજરાત, જાણો ઈતિહાસ

અતુલ ઓટો માટે છકડો પણ એક ધિક્તી પ્રોડક્ટ બન્યો. છકડો કાઠિયાવાડ સહિત આખા ગુજરાતની શાન બની ગયો. પણ હવે છકડો રિટાયર થવા જઈ રહ્યો છે. બોલીવુડની રામલીલા, હમ દિલ દે ચુકે સનમ અને પાર્ચ્ડ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકેલો છકડો હવે કદાચ ફિલ્મી પડદે જ જોવા મળશે. કારણ કે અતુલ ઓટો છકડાના ઉત્પાદન પર પૂર્ણવિરામ મૂકી રહી છે.

gujarat news rajkot