22 November, 2022 05:21 PM IST | Mumbai | Paresh Kapasi
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
ગયા વખતના લેખમાં આપણે આવકવેરા ખાતા દ્વારા કરવામાં આવતી સર્ચ અને સીઝરની કાર્યવાહી વિશે વાત શરૂ કરી હતી. આજે એના કેટલાક વધારાના મુદ્દા પર નજર કરીએ.
ખાતાને કરચોરી કરનારને ત્યાં સર્ચ કરવાનો અને ત્યાર બાદ જો કોઈ ગેરકાનૂની સંપત્તિ ધ્યાનમાં આવે તો એની જપ્તી કરવાનો અધિકાર છે. કરવેરાના અધિકારીઓ કરચોરીને પકડવા માટે આવા દરોડા પાડતા હોય છે.
કાયદા મુજબ જો કરચોરી થયાનું અથવા તો પ્રૉપર્ટી કે મૂલ્યવાન વસ્તુઓ બેહિસાબી રીતે રાખવામાં આવી હોવાની શંકા જાય તો આવકવેરાના અધિકારીઓ દરોડા પાડી શકે છે.
તેઓ આ મુજબની જગ્યાઓએ દરોડા પાડી શકે છે અને અહીં જણાવ્યા મુજબની વસ્તુઓ જપ્ત કરી શકે છે... કોઈ પણ રહેણાક પ્રૉપર્ટી કે જગ્યા, બિઝનેસના હેતુસર વપરાતી પ્રૉપર્ટી કે પરિસર કોઈ વાહન કે ઑટોમોબાઇલ, બૅન્કનાં કે નાણાકીય સંસ્થા પાસેનાં લૉકર, હિસાબની માહિતી અને વ્યવહારોની નોંધ ધરાવતા ચોપડા કે લેજર, કરદાતાએ ખરીદેલાં કે વેચેલાં બૉન્ડ કે શૅર તથા ઘરેણાં, સોનું કે અન્ય મૂલ્યવાન ધાતુઓ આવકવેરા ધારાની કલમ ૧૩૨એ મુજબ અન્ય કોઈ સરકારી ખાતાએ જપ્ત કરેલા હિસાબના ચોપડા કે મૂલ્યવાન વસ્તુઓની તપાસ કરવાની અધિકૃત અધિકારીઓને સત્તા છે.
સર્ચ અને સીઝરની કાર્યવાહી પાર પાડવાનો અધિકાર કોને છે?
આવકવેરા ધારાની કલમ ૧૩૨(૧)માં કહેવામાં આવ્યું છે કે સર્ચ અને સીઝર માટે આવકવેરા ખાતાના પ્રિન્સિપલ ડિરેક્ટર જનરલ, ડિરેક્ટર જનરલ, પ્રિન્સિપલ ડિરેક્ટર, ડિરેક્ટર, પ્રિન્સિપલ ચીફ કમિશનર, ચીફ કમિશનર, પ્રિન્સિપલ કમિશનર અથવા કમિશનર એ બધામાંથી કોઈ પણ અધિકારી અહીં જણાવ્યા મુજબના અધિકારીઓને સર્ચ અને સીઝર માટે અધિકાર આપી શકે છેઃ
ઍડિશનલ ડિરેક્ટર, ઍડિશનલ કમિશનર, જૉઇન્ટ ડિરેક્ટર, અસિસ્ટન્ટ ડિરેક્ટર, ડેપ્યુટી ડિરેક્ટર, અસિસ્ટન્ટ કમિશનર, ડેપ્યુટી કમિશનર અને ઇન્કમ ટૅક્સ ઑફિસર.
જેમને દરોડો પાડવાની સત્તા આપવામાં આવી છે એ અધિકારીના અધિકાર આ પ્રમાણેના હોય છેઃ
તેઓ પોતાની ધારણા મુજબ જ્યાં બેહિસાબી આવક દર્શાવતા હિસાબના ચોપડા, અન્ય દસ્તાવેજો, નાણાં, સોના-ચાંદી, ઘરેણાં કે અન્ય મૂલ્યવાન વસ્તુઓ રાખવામાં આવ્યાં હોય એ ઇમારત, સ્થળ કે વસ્તુમાં પ્રવેશીને સર્ચ કરી શકે છે.
જ્યાં ચાવી ઉપલબ્ધ ન હોય ત્યાં તાળાં તોડી શકે છે.
ઉક્ત વસ્તુઓ છુપાવીને રાખનાર શકમંદ વ્યક્તિની વ્યક્તિગત સર્ચ કરી શકે છે.
ઉક્ત વસ્તુઓ જપ્ત કરી શકે છે.
હિસાબના ચોપડા અને અન્ય દસ્તાવેજોમાં ઓળખચિહ્ન કરી શકે છે અને ઉતારા કે નકલ લઈ શકે છે.
સર્ચ દરમ્યાન મળી આવેલી મૂલ્યવાન વસ્તુઓની યાદી બનાવી શકે છે.
સર્ચ અને સીઝરની કાર્યવાહી દરમ્યાન કરદાતાના પણ કેટલાક અધિકારો હોય છે, જેમ કેઃ
મહિલાની વ્યક્તિગત સર્ચ કરવાની હોય તો મર્યાદાનું ચુસ્તપણે ભાન રાખીને ફક્ત મહિલા પાસે જ સર્ચ કરાવી શકાય છે.
ઓછામાં ઓછા બે માનનીય અને નિષ્પક્ષ સ્થાનિક રહેવાસીઓ સાક્ષી હોવા જોઈએ.
જો કોઈ અપાર્ટમેન્ટની સર્ચની કાર્યવાહી ચાલી રહી હોય અને એમાં કોઈ મહિલા રહેતી હોય અને જાહેરમાં આવે નહીં તો તેઓ સર્ચની કાર્યવાહી થવા પહેલાં ત્યાંથી પાછાં ખસી જવાનો અધિકાર ધરાવે છે.
કોઈ ઇમર્જન્સી સર્જાય તો મેડિકલ પ્રોફેશનલને બોલાવી શકાય છે.
બાળકોની સ્કૂલ બૅગ તપાસીને તેમને સ્કૂલે જવા દેવામાં આવે છે.
નિયમિત સમયે ભોજન અને અન્ય પ્રવૃત્તિઓ કરી શકાય છે.
સર્ચ દરમ્યાન સીલ કરવામાં આવેલી અને ફરીથી ખોલવામાં આવેલી વસ્તુઓ પર લાગેલાં સીલની ચકાસણી કરી શકાય છે.
પંચનામાની તથા અન્ય તમામ અનુસૂચિઓની નકલ પ્રાપ્ત કરી શકાય છે.
આવકવેરા ખાતાએ પોતાની સામે જે સ્ટેટમેન્ટ નોંધ્યું હોય એની નકલ મેળવી શકાય છે.
અધિકૃત વ્યક્તિઓ કે એમણે અધિકૃત કરેલી કોઈ વ્યક્તિની હાજરીમાં હિસાબના ચોપડા તપાસી શકાય છે અથવા એમાંથી ઉતારા લઈ શકાય છે.
સર્ચ અને સીઝર બાદના વ્યક્તિના અધિકારો
જો કોઈ વ્યક્તિને લાગે કે આવકવેરા ખાતાની કાર્યવાહી અનુચિત હતી, તો તેઓ એ દરોડાની વિરુદ્ધ વડી અદાલતમાં રિટ અરજી કરી શકે છે. ખાતાએ કરેલા અસેસમેન્ટને તેઓ કમિશનર ઑફ ઇન્કમ ટૅક્સ (અપીલ) સમક્ષ પડકારી શકે છે.
સર્ચ અને સીઝર દરમ્યાન કઈ વસ્તુઓ જપ્ત કરી શકાય છે?
બેહિસાબી રોકડ અને ઘરેણાં, હિસાબના ચોપડા, ચલાન, ડાયરી તથા અન્ય વસ્તુઓ, કમ્પ્યુટરની ચિપ તથા ડેટા સ્ટોરેજનાં અન્ય ડિવાઇસ અને પ્રૉપર્ટીને લગતા દસ્તાવેજો
જપ્ત કરી ન શકાય એવી વસ્તુઓઃ
કંપનીનો સ્ટૉક ઇન ટ્રેડ (રોકડ સિવાયનો), આવકવેરા ખાતા તથા વેલ્થ ટૅક્સ ખાતા સમક્ષ જાહેર કરાયેલી ઍસેટ્સ અથવા રોકડ, હિસાબના ચોપડામાં નોંધવામાં આવેલી ઍસેટ્સ, જેનો હિસાબ મળ્યો હોય એ રોકડ, વેલ્થ ટૅક્સ રિટર્નમાં જાહેર કરવામાં આવેલાં ઘરેણાં અને દરેક પરિણીત મહિલા દીઠ ૫૦૦ ગ્રામ સોનું, અપરિણીત મહિલા દીઠ ૨૫૦ ગ્રામ સોનું અને દરેક પુરુષ દીઠ ૧૦૦ ગ્રામ સોનું.
ટૂંકમાં, એમ કહી શકાય કે કાળાં નાણાં સર્જાતાં રોકવા માટે આવકવેરા ખાતું સર્ચ અને સીઝરની મહત્ત્વપૂર્ણ કાર્યવાહી કરી શકે છે.