નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ તમારા ઇન્શ્યૉરન્સ પોર્ટફોલિયોની સમીક્ષા કરી લો

03 April, 2024 07:25 AM IST  |  Mumbai | Nisha Sanghvi

ઇન્શ્યૉરન્સ પોર્ટફોલિયોનું ખૂબ જ ચોકસાઈથી આયોજન કરવું જોઈએ અને સમયાંતરે એની સમીક્ષા પણ કરતાં રહેવું જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

પહેલી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થઈ ગયું છે. તમારી નાણાકીય બાબતોને સંબંધિત નવાં આયોજનો કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે. જેવી રીતે આ સમયે તમારા ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોની સમીક્ષા તેમ જ આયોજન તમે કરો છો એવી જ રીતે તમારા ઇન્શ્યૉરન્સ પોર્ટફોલિયોની પણ સમીક્ષા કરવા માટેનો આ સમય છે. કૌટુંબિક રચનામાં ફેરફાર, આવક તેમ જ ખર્ચાઓમાં થયેલા ફેરફારો, ઍસેટ્સ તેમ જ લાયબિલિટીમાં થયેલા ફેરફારો વગેરે જેવા આપણા જીવનના બદલાતા સંજોગો અનુસાર આપણી ઇન્શ્યૉરન્સ માટેની આવશ્યક્તાઓ પણ બદલાતી રહે છે. ઇન્શ્યૉરન્સ પોર્ટફોલિયોનું ખૂબ જ ચોકસાઈથી આયોજન કરવું જોઈએ અને સમયાંતરે એની સમીક્ષા પણ કરતાં રહેવું જોઈએ.  

૧. જીવનશૈલીમાં ફેરફાર
વ્યક્તિની જીવનશૈલીમાં થતા બદલાવો અનુસાર ઇન્શ્યૉરન્સનું કવરેજ પણ બદલવું જરૂરી છે. જ્યારે આવકમાં વૃ​દ્ધિ થાય ત્યારે જીવનશૈલી પણ ઊંચી થતી હોય છે, જેમ કે આવકમાં વૃ​દ્ધિ થયા પછી સારા એરિયામાં ઘર ખરીદીને લોકો સ્થળાંતરિત થતા જોવા મળે છે, જેને કારણે જીવનશૈલી મોંઘી બને છે. ઘરનું ભાડું, મેઇન્ટેનન્સ ચાર્જિસ, નજીકની શાળા અને એની ફી, હૉસ્પિટલમાં સારવારનો ખર્ચ વગેરે જેવા ઘણા બધા ખર્ચાઓમાં એકંદરે વૃ​દ્ધિ થાય છે. કદાચ નવી ગાડીની ખરીદી કરી હોય તો એનું ઈએમઆઇ, પેટ્રોલ/ડીઝલ તેમ જ એના મેઇન્ટેનન્સનો ખર્ચ પણ વધે છે. ઊંચી જીવનશૈલી જાળવવાનો આનંદ લેવા માટે હેલ્થ ઇન્શ્યૉરન્સ પણ વધારવો જોઈએ.    

૨. ફુગાવો 
જેમ આરોગ્યસેવાઓની કિંમતમાં વધારો થાય છે એમ આરોગ્ય વીમાના કવરેજની રકમ પણ  વધારવી મહત્ત્વપૂર્ણ બને છે. પાંચ વર્ષ પહેલાં લેવામાં આવેલી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીની કવરેજની રકમ આજે તમારી નાણાકીય જવાબદારીઓને સંચાલિત કરવા માટે અપૂરતી હોઈ શકે છે. આરોગ્યસેવાઓના સતત વધી રહેલા ખર્ચ સાથે હૉસ્પિટલોમાં કરાતી સારવારોના ખર્ચમાં પણ ધરખમ વધારો થયોછે. એટલે એને ધ્યાનમાં રાખીને તમારી હેલ્થ ઇન્શ્યૉરન્સ પૉલિસીમાં પણ બદલાવો કરવાનું  એટલું જ મહત્ત્વપૂર્ણ છે. 

૩. જીવનમાં ઘટતી મહત્ત્વપૂર્ણ ઘટનાઓ 
લગ્ન થવાં, બાળકો થવાં, છૂટાછેડા થવા વગેરે જેવી અન્ય જીવનમાં ઘડાતી મહત્ત્વની ઘટનાઓ કે જેમાં જીવનમાં વ્યક્તિઓનો ઉમેરો અથવા બાદબાકી થતી હોય એવા સંજોગો પછી ઇન્શ્યૉરન્સ પોર્ટફોલિયોની સમીક્ષા જરૂરી બને છે. પૉલિસીઓના રિન્યુઅલ વખતે આવા ફેરફારો કરવાનો યોગ્ય સમય હોય છે. 

૪. આવકમાં વૃ​દ્ધિ 
પગારમાં થયેલી વૃ​દ્ધિને કારણે અથવા વ્યવસાયમાંથી વધુ આવક મળવા લાગે ત્યાર પછી વ્યક્તિએ આરોગ્ય વીમાની સમીક્ષા કરવાની જરૂર છે. કમાણીમાં વધારો થાય એટલે ખર્ચમાં વધારો થતો હોય છે. હા, એ જરૂરી નથી કે આવકના પ્રમાણમાં જ ખર્ચો વધે, પરંતુ આવકમાં વધારો થાય ત્યારે તમારી વીમા-પૉલિસીમાંની કવરેજની રકમ પણ વધારવી જોઈએ.

૫. રોજગારની સ્થિતિમાં ફેરફાર
નોકરી છૂટી જાય ત્યારે અથવા વ્યવસાય બંધ થવાના કિસ્સામાં તમારો સ્વતંત્ર ઇન્શ્યૉરન્સ પોર્ટફોલિયો બનાવવો જોઈએ. કમાણી ઘટી ગઈ હોય એવા સંજોગોમાં પ્રીમિયમની ચુકવણી કરી શકાશે કે નહીં એ પણ વિચારણા કરી લેવી જોઈએ.

નિષ્કર્ષ : ઉપરોક્ત કેવળ અમુક મુદ્દાઓ આપ્યા છે, પરંતુ એવાં ઘણાં અન્ય પરિબળો છે જે નવી પૉલિસી ખરીદતી વખતે અથવા પૉલિસીને રિન્યુ કરતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ. જેમ સંપત્તિ અને જવાબદારીઓમાં થતા વધારા સાથે તેમનાં રોકાણનાં સાધનો અને રોકાણની રકમમાં લોકો વધારો કરે છે એવી જ રીતે તેમણે સમય સાથે ઇન્શ્યોરન્સના પોર્ટફોલિયોમાં પણ વધારો કરવો જોઈએ.

મેં તાજેતરમાં જ લગ્ન કર્યાં છે. શું હું મારા જીવનસાથીને મારી પૉલિસીમાં ઉમેરી શકું છું?
હા. તમે પૉલિસીને જ્યારે રિન્યુ કરો ત્યારે તમારા જીવનસાથીને એમાં ઉમેરી શકો છો અને તમારી વ્યક્તિગત પૉલિસીને ફૅમિલી ફ્લોટર પૉલિસીમાં રૂપાંતરિત કરી શકો છો. મારાં માતાપિતા એક જ ફૅમિલી ફ્લોટર પૉલિસી હેઠળ વીમો ધરાવતાં હતાં. મારી માતાનું નિધન થયું છે. તો હવે તેમની વીમા-પૉલિસીનું શું થશે? માતાના મૃત્યુનું પ્રમાણપત્ર અને એક વિનંતી પત્ર સાથે ઇન્શ્યૉરન્સ કંપનીને તમારાં માતાના મૃત્યુની જાણ કરવાની જરૂર છે. મૃત્યુ પછીની તારીખથી પૉલિસીની બાકી અવધિ સુધીનું પ્રીમિયમ પ્રમાણાનુસાર ઇન્શ્યૉરન્સ કંપની પાછું પણ આપી શકે છે અને નવા વર્ષે પૉલિસીના રિન્યુઅલ વખતે ક​ન્ટિન્યુટીના લાભો સાથે ઇન્ડિવિજ્યુઅલ પૉલિસી કેવળ તમારા પિતાના નામ સાથે આવશે.

business news share market stock market finance news