24 November, 2023 01:37 PM IST | Mumbai | Mayur Mehta
સોનાની પ્રતીકાત્મક તસવીર
અમેરિકનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં ઇન્ટરેસ્ટ રેટનું ભાવિ ફરી ડામાડોળ બનતાં સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૨૨ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૨૪૦ રૂપિયા વધી હતી. ચાંદી સતત ત્રીજે દિવસે વધી હતી.
વિદેશ પ્રવાહ
અમેરિકાનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન આગામી એક વર્ષ માટે વધીને સાત મહિનાની ઊંચાઈએ પહોંચતાં ઇન્ટરેસ્ટ રેટ ૨૦૨૪માં ઘટશે કે કેમ? એ વિશે અનિશ્ચિતતા વધતાં સોનાએ બુધવારે ઓવરનાઇટ ફરી ૨૦૦૦ ડૉલરની સપાટી તોડી હતી, પણ ગુરુવારે ફરી સોનામાં ઘટ્યા ભાવથી બપોર બાદ ઉછાળો જોવા મળ્યો હતો. સોનું બુધવારે ઘટીને ૧૯૮૬.૨૦ ડૉલર થયા બાદ બુધવારે એક તબક્કે વધીને ૧૯૯૯.૩૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૯૪થી ૧૯૯૫ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી પણ વધી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત બીજે દિવસે રેન્જબાઉન્ડ ૧૦૩.૭૨ પૉઇન્ટના લેવલે રહ્યો હતો. અમેરિકન અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટમાં ઘટાડો થતાં અને ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન વધતાં ઇન્ટરેસ્ટ રેટ લાંબો સમય ઊંચા રહેશે એવી ધારણાને પગલે ડૉલરમાં મૂવમેન્ટ અટકી હતી. જોકે ઑસ્ટ્રેલિયન સેન્ટ્રલ બૅન્કે ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ વધવાનો સંકેત આપતાં ઑસ્ટ્રેલિયન ડૉલર ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યો હતો.
અમેરિકન ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર ઑક્ટોબરમાં ૫.૪ ટકા ઘટ્યા હતા જે સપ્ટેમ્બરમાં ચાર ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૩.૧ ટકા ઘટવાની હતી. એપ્રિલ ૨૦૨૦ પછીનો આ બીજા ક્રમનો સૌથી મોટો ઘટાડો હતો. ખાસ કરીને ટ્રાન્સપોર્ટ ઇક્વિપમેન્ટના ઑર્ડરમાં ઘટાડો થતાં ઓવરઑલ ગુડ્સ ઑર્ડર ઘટ્યા હતા. ઍરક્રાફ્ટના ઑર્ડર પણ ઑક્ટોબરમાં ૦.૧ ટકા ઘટ્યા હતા જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા ઘટ્યા હતા.
અમેરિકાનું આગામી એક વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન નવેમ્બરમાં વધીને સાત મહિનાની ઊંચાઈએ ૪.૫ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૪.૨ ટકા રહ્યું હતું અને માર્કેટની ધારણા ૪.૪ ટકાની હતી. અમેરિકામાં ગેસ પ્રાઇસ આગામી એક વર્ષમાં ફરી જૂન ૨૦૨૨ની ઊંચાઈએ પહોંચવાની આગાહી કરાઈ હતી. પાંચ વર્ષના ઇન્ફ્લેશનનું એક્સપેક્ટેશન ૧૨ વર્ષની ઊંચાઈએ ૩.૨ ટકાએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ત્રણ ટકા હતું.
અમેરિકન કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ નવેમ્બરમાં ઘટીને ૬૧.૩ પૉઇન્ટે પહોંચ્યું હતું જે પ્રિલિમિનરી રિપોર્ટમાં ૬૦.૪ પૉઇન્ટ હતું, પણ ઑક્ટોબરમાં ૬૩.૮ પૉઇન્ટ હતું. અમેરિકાનું કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સતત ચોથા મહિને ઘટ્યું હતું. જુલાઈમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ૭૧.૪ પૉઇન્ટ હતું. અમેરિકાની કરન્ટ ઇકૉનૉમિક કન્ડિશનનો ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને ૬૮.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૭૦.૬ પૉઇન્ટ હતો, જ્યારે કન્ઝ્યુમરના એક્સપેક્ટેશનનો ઇન્ડેક્સ ઘટીને ૫૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૯.૩ પૉઇન્ટ હતો.
અમેરિકાના નવા અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૧૮ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૪,૦૦૦ ઘટીને ૨.૦૯ લાખે પહોંચ્યા હતા, જે અગાઉના સપ્તાહે ત્રણ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. એક્ઝિસ્ટિંગ અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ૨૨,૦૦૦ વધીને ૧૮.૪૦ લાખે પહોંચ્યા હતા જે અગાઉના સપ્તાહે બે વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા.
અમેરિકન ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૧૭ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦ બેસિસ પૉઇન્ટ ઘટીને આઠ સપ્તાહની નીચી સપાટીએ ૭.૪૧ ટકાએ પહોંચ્યા હતા. નવેમ્બર મહિનાનાં ત્રણ સપ્તાહમાં મૉર્ગેજ રેટ ૪૫ બેસિસ પૉઇન્ટ ઘટ્યા હતા. એક વર્ષ અગાઉ ૩૦ વર્ષના મૉર્ગેજ રેટ ૬.૬૭ ટકા અને બે વર્ષ અગાઉ મૉર્ગેજ રેટ ૩.૨૪ ટકા હતા. મૉર્ગેજ રેટ ઘટતાં ૧૭ નવેમ્બરે મૉર્ગેજ ઍપ્લિકેશન ત્રણ ટકા વધી હતી. મૉર્ગેજ ઍપ્લિકેશન સતત ત્રીજે સપ્તાહે વધી હતી.
ઑસ્ટ્રેલિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં પ્રિલિમિનરી રિપોર્ટમાં ઘટીને ૪૭.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૮.૨ પૉઇન્ટ હતો. અમેરિકન મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં સતત નવમા મહિને ઘટીને સાડાત્રણ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. ઑસ્ટ્રેલિયાના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નવેમ્બરમાં સતત બીજે મહિને ઘટીને ૪૬.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૪૭.૯ પૉઇન્ટ હતો. ઑસ્ટ્રેલિયાનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટર બન્નેનો ગ્રોથ પ્રિલિમિનરી રિપોર્ટમાં ઘટતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ નવેમ્બરમાં ઘટીને ૨૭ મહિનાની નીચી સપાટીએ ૪૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૪૭.૬ પૉઇન્ટ હતો. પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ પણ સતત બીજે મહિને ઘટ્યો હતો.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકી ઇન્ફ્લેશન વધવાની આગાહીને પગલે ૨૦૨૪માં ફેડ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી શકશે કે કેમ? એ વિશે ફરી શંકાઓ ઊભી થઈ રહી છે. ફેડનો હેડલાઇન ઇન્ફ્લેશનનો ટાર્ગેટ બે ટકાનો છે અને આગામી એક વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૪.૫ ટકાનું છે. ફેડના તમામ મેમ્બરો ઇન્ફ્લેશનને બે ટકા સુધી લાવવા માટે કૃતનિશ્ચયી હોવાથી જ્યાં સુધી ઇન્ફ્લેશન બે ટકાના ટાર્ગેટ સુધી ન આવે ત્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી નથી. ઇન્ફ્લેશન બે ટકા સુધી પહોંચ્યા બાદ ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની સાઇકલ શરૂ થશે. ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટશે એવી ધારણાથી અમેરિકન ડૉલર ઇન્ડેક્સ સતત ઘટતો હતો, પણ છેલ્લા બે દિવસથી ડૉલર ઇન્ડેક્સનો ઘટાડો અટકી ગયો છે. જોકે સોનું ૨૦૦૦ ડૉલરની સપાટીને વટાવી ગયું હતું. ડૉલર ઇન્ડેક્સ બે દિવસથી ઘટતો અટકી જતાં સોનાએ ફરી ૨૦૦૦ ડૉલરની સપાટી તોડી હતી. આમ, સોનામાં હાલ મોટી તેજીનો વેપાર કરવામાં સાવચેતી રાખવાની જરૂર છે. ૨૦૨૪માં સોનામાં જરૂર તેજી થશે, પણ તેજીનો આધાર અમેરિકાનું ઇન્ફ્લેશન કેટલું ઘટે છે? એની પર રહેશે.