ઇન્ફોસિસના પરિણામે બજારનો શુક્રવાર કેવો જશે એની ચિંતામાં વધારો કરી દીધો

18 October, 2024 09:03 AM IST  |  Mumbai | Anil Patel

ભરોસાની ભેંસે પાડો જણ્યો, ઇન્ફોસિસે માત્ર ૪.૭ ટકાના વધારામાં ૬૫૦૬ કરોડ નેટ પ્રૉફિટ કરી નબળાં રિઝલ્ટ આપ્યાં

પ્રતીકાત્મક તસવીર

નરમાઈની હૅટ-ટ્રિકમાં સેન્સેક્સ ૪૯૫ પૉઇન્ટ અને નિફ્ટી ૨૨૧ પૉઇન્ટ વધુ ડાઉન, માર્કેટકૅપમાં ૬ લાખ કરોડ સાફ : ભરોસાની ભેંસે પાડો જણ્યો, ઇન્ફોસિસે માત્ર ૪.૭ ટકાના વધારામાં ૬૫૦૬ કરોડ નેટ પ્રૉફિટ કરી નબળાં રિઝલ્ટ આપ્યાં : ધારણાથી વિપરીત વિપ્રોની સારી કામગીરી, શૅરદીઠ એકનું ઉદાર બોનસ જાહેર : કેવળ QIBના જોરમાં હ્યુન્દાઇનો ઇશ્યુ સફળ થયો, રીટેલ પોર્શન માત્ર અડધો ભરાયો, પ્રીમિયમ તૂટીને ફક્ત ૧૫ રૂપિયા : બજાજ ઑટો લગભગ ૧૫૦૦ રૂપિયા અને ઑટો ઇન્ડેક્સ ૨૦૦૦ પૉઇન્ટ ડૂલ થયા : જેફરીઝના ડાઉન ગ્રેડિંગ પાછળ BSEનો શૅર વધુ લથડ્યો : બૅન્કિંગના ૪૧માંથી ૩૨ શૅર માઇનસ : માર્કેટ બ્રેડ્થ ખરાબ

નબળાઈની હૅટ-ટ્રિકમાં સેન્સેક્સ ગુરુવારે ૪૯૫ પૉઇન્ટ ઘટી ૮૧,૦૦૭ નજીક તો નિફ્ટી ૨૨૧ પૉઇન્ટ બગડી ૨૪,૭૫૦ નજીક બંધ થયો છે. બજારનું માર્કેટકૅપ ૬.૦૪ લાખ કરોડના ઘટાડે ૪૫૭.૨૫ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ઑલરાઉન્ડ નરમાઈને લઈ ખરાબ બનેલી માર્કેટ બ્રેડ્થમાં NSE ખાતે વધેલા ૫૮૪ શૅર સામે ૧૯૦૭ શૅર માઇનસ થયા છે. બજારનું ઓપનિંગ ૨૫૦ પૉઇન્ટના સુધારા સાથે ૮૧,૭૫૮ થયું હતું. આંક ઉપરમાં ૮૧,૭૮૧ વટાવી ગયો હતો. જોકે આ સુધારો ઘણો અલ્પજીવી હતો. બજાર તરત રેડ ઝોનમાં સરક્યું હતું. શૅર આંક નીચામાં ૮૦,૯૦૫ થયો હતો. બન્ને બજારના તમામ સેક્ટોરલ માઇનસ હતા. કેવળ આઇટી અને ટેક્નૉલૉજી ઇન્ડેક્સ એકાદ ટકો પ્લસ હતા. જોકે અત્રે ૫૬માંથી ૩૫ જાતો નરમ હતી.

અમેરિકન ડાઉ છેલ્લા ૪માંથી ૩ દિવસ ૪૩,૦૦૦ ઉપર જઈ નવા શિખરે બંધ થયો છે. જોકે એશિયન બજારો એનાથી ખાસ હરખાયાં નથી. ચાઇના, હૉન્ગકૉન્ગ તથા જપાન પોણાથી એક ટકો ઢીલાં હતાં. સામે ઇન્ડોનેશિયા અને સિંગાપોર એક ટકો સુધર્યો છે. યુરોપ રનિંગમાં સવા ટકા સુધી ઉપર દેખાયું છે. પાકિસ્તાની શૅરબજાર ૫૭૩ પૉઇન્ટની પીછેહઠમાં ૮૫,૬૩૨ હતું.

બજાર બંધ થયાં પછી જાહેર થયેલાં ઇન્ફીનાં પરિણામે શુક્રવાર કેવો જશે એની ચિંતા ઊભી કરી છે. કંપનીએ પાંચ ટકાના વધારામાં ૪૦,૯૮૬ કરોડની આવક પર ૪.૭ ટકાના વૃદ્ધિદરથી ૬૫૦૬ કરોડ ત્રિમાસિક નેટ પ્રૉફિટ દર્શાવ્યો છે. બજારની એકંદર ધારણા ૪૦,૮૨૦ કરોડની આવક તથા ૬૮૩૧ કરોડના ચોખ્ખા નફાની હતી. કંપનીએ ચાલુ વર્ષ માટે ૩-૪ ટકાના રેવન્યુ ગ્રોથના ગાઇડન્સિસને અપવર્ડ કરી પોણાચારથી સાડાચાર ટકાની રેન્જ આપી છે. ધારણા કરતાં નબળાં પરિણામની અસરને આ સારું ગાઇડન્સિસ કેટલી હદે નાબૂદ કરે છે એની ખબર આજે, શુક્રવારે પડી જશે. કંપનીએ શૅરદીઠ ૨૧ રૂપિયા ઇન્ટરિમ જાહેર કર્યું છે. રેકૉર્ડ ડેટ ૨૯ ઑક્ટોબર છે.  

ઇન્ફીથી વિપરીત વિપ્રોએ એક ટકાના ઘટાડા સાથે ૨૨,૩૦૦ કરોડની આવક પર ૨૧ ટકાના વૃદ્ધિદરથી ૩૨૦૧ કરોડ નેટ પ્રૉફિટ કરીને શૅરદીઠ એકનું ઉદાર બોનસ જાહેર કર્યું છે. બજારની એકંદર ધારણા ૨૨,૨૩૫ કરોડની આવક અને ૩૦૦૮ કરોડના નેટ પ્રૉફિટની હતી. આ પરિણામ વિપ્રોના શૅર માટે અવશ્ય પ્રોત્સાહક નીવડશે. 

બજાજ ઑટો લથડ્યો અને એની પાછળ ઑટો સેક્ટર બગડ્યું

બજાજ ઑટોનાં પરિણામ નબળાં આવતાં શૅરમાં ડી-રેટિંગ શરૂ થયું છે. બ્રોકરેજ હાઉસ એમ્કે ગ્લોબલે ૯૫૦૦ની ટાર્ગેટ પ્રાઇસથી વેચવાની સલાહ આપી છે. સિટી ગ્રુપવાળા ૭૮૦૦નો ભાવ લાવ્યા છે. જોકે HSBC ૧૪,૦૦૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે બુલિશ છે. આ બધામાં શૅર ગઈ કાલે ૧૬ ગણા ભારે વૉલ્યુમ સાથે નીચામાં ૧૦,૦૭૧ થઈ ૧૨.૯ ટકા કે ૧૪૯૫ રૂપિયાની ખુવારીમાં ૧૦,૧૨૨ બંધ આપીને નિફ્ટી ખાતે વર્સ્ટ પર્ફોર્મર બન્યો છે. બજાજ ઑટોમાં ખરાબી વચ્ચે ફેસ્ટિવલ સીઝન એકંદર નિરસ જવાના સંકેત વહેતા થતાં સમગ્ર ઑટો ઇન્ડસ્ટ્રીમાં માનસ ખરડાયું હતું. ઑટો ઇન્ડેક્સ ૧૭માંથી ૧૭ શૅરની નબળાઈમાં નીચામાં ૫૬,૭૩૨ થઈ ૨૦૪૭ પૉઇન્ટ કે સાડાત્રણ ટકા બગડી ૫૬,૭૮૧ બંધ આવ્યો છે. અત્રે મહિન્દ્ર, મારુતિ, હીરો મોટોકૉર્પ, અશોક લેલૅન્ડ, ટીવીએસ મોટર પોણાબેથી સવાત્રણ ટકા સાફ થયા હતા. બૉશ ૧૭૭૨ રૂપિયા કે સાડાચાર ટકા ડૂલ થયો છે. ટૂ-થ્રી વ્હીલર્સ, પૅસેન્જર કાર અને યુટિલિટી વેહિકલ્સ, કમર્શિયલ વેહ‌િકલ્સ ઉદ્યોગના તમામ ૧૭ શૅર ઘટ્યા છે. ઍસ્કોર્ટ્સ અઢી ટકા નરમ હતો. ઑટો એન્સિલિયરી ક્ષેત્રે ૨૪ શૅર પ્લસ તો ૧૦૦ જાતો માઇનસ થઈ છે. ઉરાવી, એલફોર્જ, ફ્રન્ટિઅર સ્પ્રિંગ, પ્રદીપ મેટલ્સ, એનએસએલ બેરિંગ્સ, પ્રિસીઝન કેમશાફ્ટ, ઑટો. કૉર્પો ઑફ ગોવા, રાણે એન્જિન જેવાં કેટલાંક કાઉન્ટર ત્રણથી પાંચ ટકા પ્લસ હતાં. સિયેટ, અપોલો ટાયર્સ, બાલક્રિશ્ન ઇન્ડ, જેકે ટાયર્સ દોઢથી ત્રણ ટકા તો ટીવીએસ શ્રીચક્ર સવાબે ટકા ડાઉન હતો. MRF અડધો ટકો ઘટ્યો છે.

નેસ્લેનો નફો માંડ એક ટકો ઘટ્યો એમાં શૅર સવાત્રણ ટકા ગગડ્યો

કોલ્ટે પાટીલ ડેવલપર્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં બાવીસ ટકાના વૃદ્ધિદર સાથે ૭૭૦ કરોડના વેચાણ સાથે બહેતરીન ગ્રોથ દર્શાવતાં ૩૦ ગણા કામકાજમાં ઉપરમાં ૪૪૬ વટાવી ૪.૭ ટકાની મજબૂતીમાં ૪૧૧ હતો. ઑબેરૉય રિયલ્ટી પરિણામની પૂર્વસંધ્યાએ ૨૦૬૭ના બેસ્ટ લેવલે જઈ અઢી ગણા વૉલ્યુમે ગગડી નીચામાં ૧૮૯૯ બતાવી સવાછ ટકા તૂટી ૧૯૦૫ હતો. ક્રિસિલે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૩ ટકા જેવા વધારામાં ૧૭૧ કરોડ પ્લસનો નેટ નફો કરતાં શૅર ૫૧૮૪ની ઇન્ટ્રા-ડે હાઈ દેખાડી અડધો ટકો ઘટી ૪૭૬૬ થયો છે. કૅર રેટિંગ ૧૨૭૮ના શિખરે જઈ ૨.૯ ટકા વધી ૧૨૫૮ હતી. એનાં રિઝલ્ટ ૨૩ ઑક્ટોબરે છે.

આવકમાં સવા ટકાના વધારા સામે નેસ્લેએ એકાદ ટકાના ઘટાડે ૮૯૯ કરોડ ચોખ્ખો નફો કરતાં ભાવ ૨૪૮૨ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૨૩૬૫ થઈ ૩.૪ ટકા ગગડી ૨૩૮૦ રહ્યો છે. હિન્દુસ્તાન યુનિલીવરનાં પરિણામ ૨૩મીએ છે. શૅર દોઢ ટકાની નરમાઈમાં ગઈ કાલે ૨૭૩૭ હતો. આઇટી કંપની એમ્ફાસિસે ૮ ટકાના વધારામાં ૪૨૩ કરોડના નફા સાથે સારી કામગીરી બજાવી છે. શૅર ઉપરમાં ૩૧૦૯ થઈ ૧૭૦ રૂપિયા કે પોણાછ ટકાની આગેકૂચમાં ૩૦૮૦ રહ્યો છે. માસ્ટેક પરિણામની પૂર્વસંધ્યાએ ૩૦૨૯ થયા બાદ દોઢ ટકા સુધી ૨૯૮૬ હતો. લાર્સન ટેક્નૉલૉજીસ સાધારણ રિઝલ્ટ પાછળ ૫૪૨૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૫૨૧૧ થઈ ૧.૮ ટકાની નબળાઈમાં ૫૨૫૬ હતો.

મુંબઈની મેન્બા ફાઇનૅન્સ જે સપ્ટેમ્બરમાં શૅરદીઠ ૧૨૦ના ભાવથી SME IPO લાવી હતી, એણે ૨૪મીએ બોર્ડ મીટિંગમાં ઇન્ટરિમ ડિવિડન્ડનો એજન્ડા સામેલ કરતાં શૅર નબળા માર્કેટમાંય ૧૭૨ના બેસ્ટ લેવલે જઈ ૧૩ ટકાની તેજીમાં ૧૬૭ આવ્યો છે. રાઘવ પ્રોડક્ટિવિટીમાં બોનસ અને પરિણામ માટે બોર્ડ મીટિંગ શુક્રવારે હોવાથી શૅર ૧૩૯૦ના શિખરે જઈ ૮.૮ ટકાની મજબૂતીમાં ૧૩૨૫ થયો છે. ૧૩ માર્ચે ભાવ ૫૩૨ની નીચી સપાટીએ હતો. કંપની ઇલેક્ટ્રૉડ્સ અને રિફ્રેક્ટરીઝ ક્ષેત્રમાં છે.

સારા રિઝલ્ટની આશામાં ઇન્ફોસિસ બન્ને બજારમાં ટૉપ ગેઇનર

આઇટી જાયન્ટ ઇન્ફોસિસ સારા પરિણામના આશાવાદમાં રિઝલ્ટ પૂર્વે સરેરાશ કરતાં સારા વૉલ્યુમે ઉપરમાં ૧૯૭૮ થઈ અઢી ટકા વધી ૧૯૬૯ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર બન્યો હતો. એના કારણે બજારને સર્વાધિક ૧૬૫ પૉઇન્ટનો ફાયદો થયો હતો. પરિણામ તથા બોનસ માટેની બોર્ડ મીટિંગ પૂર્વે વિપ્રો અડધા ટકાથી વધુ ઘટી ૫૨૯ બંધ રહ્યો છે. HDFC બૅન્કનાં પરિણામ શનિવારે ૧૯મીએ આવવાનાં છે. શૅર દોઢ ટકાની નબળાઈમાં ૧૬૭૩ બંધ રહી બજારને ૧૭૪ પૉઇન્ટ નડ્યો છે. ટેક મહિન્દ્ર, પાવર ગ્રિડ, લાર્સન એકથી સવાબે ટકા પ્લસ હતા. નિફ્ટી ખાતે બજાજ ઑટો પછી શ્રીરામ ફાઇનૅન્સ ચારેક ટકા તૂટી સેકન્ડ વર્સ્ટ પર્ફોર્મર હતો. સેન્સેક્સમાં નેસ્લે ટૉપ લૂઝર બન્યો છે. તાતા સ્ટીલ, ટાઇટન, બજાજ ફીનસર્વ, અલ્ટ્રાટેક, મહિન્દ્ર, હીરો મોટોકૉર્પ, અદાણી એન્ટર, ભારત પેટ્રો, તાતા કન્ઝ્યુમર, ગ્રાસીમ, મારુતિ, ભારતી ઍરટેલ જેવી અગ્રણી જાતો પોણાબે ટકાથી માંડી લગભગ સવાત્રણ ટકા ડૂલ થઈ છે.

ઍક્સિસ બૅન્ક પરિણામ પૂર્વે પોણાબે ટકા બગડી ૧૧૩૨ બંધ થયો છે. હૅવેલ્સ ઇન્ડિયાએ ચાલુ બજારે સાડાસાત ટકાના વધારામાં ૨૬૮ કરોડનો નફો દર્શાવતાં ૧૯૪૦ની ઇન્ટ્રા-ડે હાઈથી ગગડી ૧૭૮૭ થઈ પોણાછ ટકા ખરડાઈ ૧૮૨૬ બંધ આવ્યો છે. ટીસીએસ બીજા દિવસેય સાધારણ સુધરી ૪૧૦૬ રહ્યો છે. રિલાયન્સ પણ નામપૂરતો વધી ૨૭૧૩ હતો. પોન્ડી ઓક્સાઇડનો ત્રિમાસિક નફો ૧૬૮ ટકા વધી ૧૫૩૦ લાખ થતાં ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૧૧૭ બંધ થયો છે. સરકારી કંપની ઇરકોન સાથે MOU થવાના પગલે પટેલ એન્જિનિયરિંગ સવાચાર ટકા વધી ૫૭ નજીક સરક્યો છે. બૅન્ક નિફ્ટી એક ટકો ઘટ્યો છે. બૅન્કિંગ સેક્ટરના ૪૧માંથી કેવળ ૯ શૅર પ્લસ થયા છે.

હ્યુન્દાઇનો ઇશ્યુ પાર પડ્યો અને પ્રીમિયમ પણ પૂરું થયું

હ્યુન્દાઇ મોટરનો ૧૦ના શૅરદીઠ ૧૯૬૦ રૂપિયાની અપર બૅન્ડ સાથે ૨૭,૮૭૦ કરોડનો ગૉડઝિલા ઇશ્યુ એના આખરી દિવસે કુલ ૨.૪ ગણો ભરાઈ પૂરો થયો છે. એની સાથે જ ગ્રે માર્કેટમાં પ્રીમિયમ તૂટી ૧૫ થઈ ગયું છે. ભરણું સારી રીતે પાર પડ્યું એ કેવળ QIBની મહેરબાની છે. આ પોર્શન ૭ ગણો છલકાયો છે, જ્યારે HNI પોર્શન ૬૦ ટકા તો રીટેલ પોર્શન ૫૦ ટકા જ ભરાયો છે. શૅરદીઠ ૧૮૬ના ડિસ્કાઉન્ટ છતાં એમ્પ્લૉઇઝ ક્વોટા પોણાબે ગણો ભરાયો છે. લિસ્ટિંગ બાવીસમીને મંગળવારે છે જે લગભગ ડિસ્કાઉન્ટમાં હશે અને ડિસ્કાઉન્ટમાં ન થયું તો પણ આ શૅર લિસ્ટિંગ પછી ડિસ્કાઉન્ટમાં જવાનો છે એ નક્કી માનજો.

SME સેગમેન્ટમાં અમદાવાદી લક્ષ્ય પાવરટેક બીજા દિવસના અંતે ૧૬૭ ગણો ભરાઈ ગયો છે. પ્રીમિયમ સહેજ વધી ૧૭૨ થયું છે. ચેન્નઈની ફ્રેશારા ઍગ્રો એક્સપોર્ટનો શૅરદીઠ ૧૧૬ના ભાવનો ૭૫૩૯ લાખનો SME ઇશ્યુ પ્રથમ દિવસે બાર ગણો ભરાયો છે. પ્રીમિયમ ૭૫ હતું એ વધી હાલમાં ૯૦ થઈ ગયું છે. કલકત્તાની પ્રણિક લૉજિસ્ટિક્સ ૭૭ની ઇશ્યુ પ્રાઇસ અને ગ્રે માર્કેટમાં ૧૨ના પ્રીમિયમ સામે ૭૯ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૮૩ બંધ થતાં એમાં ૭.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે.

મુંબઈની વારિ એનર્જીસનો ૧૦ના શૅરદીઠ ૧૫૦૩ની અપર બૅન્ડવાળો ૪૩૨૧ કરોડનો મેઇન બોર્ડનો ઇશ્યુ સોમવારે ખૂલવાનો છે. ગ્રે માર્કેટમાં ફૅન્સી છે, પ્રીમિયમ વધી ૧૫૮૦ થયું છે. પંજાબ સરકાર સાથે ફ્રૉડ બદલ અરૅસ્ટ થયેલા પ્રમોટર દીપક કુમાર સિંઘલની દીપક બિલ્ડર્સ પણ ૧૦ના શૅરદીઠ ૨૦૩ની અપર બૅન્ડમાં ૨૬૦ કરોડનો આઇપીઓ સોમવારે કરવાનો છે. પ્રીમિયમ ૩૨નું છે. વસઈ થાણેની પ્રીમિયમ પ્લાસ્ટનો શૅરદીઠ ૪૯ના ભાવનો ૨૬૨૦ લાખનો SME ઇશ્યુ ૨૧મીએ ખૂલશે. હાલ ગ્રે માર્કેટમાં પાંચ રૂપિયાનું પ્રીમિયમ ક્વોટ થાય છે.

રેલવે શૅર સિલેક્ટિવ ફૅન્સીમાં, બીએસઈનો શૅર વધુ ડૂલ થયો

સરકારે ઉત્તર પ્રદેશ ખાતે રેલવેના ૨૬૪૨ કરોડના મલ્ટિ-ટ્રૅકિંગ પ્રોજેક્ટને મંજૂરી આપતાં રેલવે શૅરોમાં સિલેક્ટિવ ફૅન્સી જોવા મળી છે. રેલવિકાસ નિગમ ઉપરમાં ૫૧૪ વટાવી બે ટકા વધી ૪૮૯, ટીટાગર રેલ ૧૨૨૪ નજીક જઈ ૩.૪ ટકા ઊંચકાઈ ૧૧૭૧, હિન્દસ્તાન રે‌ક્ટિફાયર્સ ૧૦૬૯ની નવી ટૉપ બનાવી ૧૦ ટકાના ઉછાળે ત્યાં જ બંધ હતાં. ઇરકોન ૨૩૧ વટાવી અંતે ૨૨૩ના લેવલે ફ્લૅટ રહ્યો છે. આઇઆરએફસી પ્રારંભિક મજબૂતીમાં ૧૫૪ થયા પછી એક ટકો ઘટી ૧૪૯ જોવાયો છે. આઇઆરસીટીસી, કૉર્નેકસ માઇક્રો, રેલટેલ પોણાબેથી બે ટકા ઘટ્યા છે. જ્યુપિટર વૅગન સવા ટકો પ્લસ હતો. SRF લિમિટેડમાં કંઈક ખરાબ સમાચારની આશંકા સાથે બ્રોકરેજ હાઉસ યુબીએસ તરફથી ૨૭૦૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૨૧૦૦ કરી વેચવાની ભલામણ થઈ છે. ભાવ નીચામાં ૨૨૧૦ થઈ ૧.૮ ટકા બગડી ૨૨૬૩ બંધ રહ્યો છે. એની પેરન્ટ્સ કામા હોલ્ડિંગ્સ પણ ૨.૪ ટકાની નરમાઈમાં ૨૫૮૫ હતો. MCXનાં પરિણામ ૧૯મીએ છે. શૅર ૬૫૮૦ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૬૩૨૫ થઈ પોણો ટકો ઘટી ૬૩૬૮ હતો. જેફરીઝના ડાઉન ગ્રેડિંગમાં આગલા દિવસે ૨૩૦ રૂપિયા બગડેલો BSE લિમિટેડ ગઈ કાલે પણ પોણાછ ટકા કે ૨૬૪ રૂપિયાની ખરાબીમાં ૪૨૫૭ બંધ આવ્યો છે. ઢીલાં પરિણામ સામે માર્જિનમાં ઘટાડાની નરમાઈ આગળ ધપાવતાં KEI ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે વધુ ૫.૪ ટકા કે ૨૩૭ રૂપિયા તૂટી ૪૧૪૪ રહ્યો છે. રેટિંગ કંપની ઇકરાનાં પરિણામ પચીસમીએ છે. શૅર ૭૭૦૦ના શિખરે જઈ ૩.૮ ટકા કે ૨૬૨ રૂપિયાના જમ્પમાં ૭૨૧૦ રહ્યો છે. સેન્ટ્રલ બૅન્કનો ત્રિમાસિક નફો ૫૧ ટકા વધીને ૯૧૩ કરોડ થયો છે. શૅર ૨.૮ ટકા વધી ૫૯ થયો છે. કરુર વૈશ્ય બૅન્કનો નફો પચીસ ટકા વધી ૧૦૬૦ કરોડ થવાની સાથે NPA ઘટતાં શૅર પાંચ ટકા ઊછળી ૨૧૪ બંધ આવ્યો છે.

business news sensex nifty share market stock market national stock exchange bombay stock exchange