જ્યાં-જ્યાં અદાણી ત્યાં બધું પાણી-પાણી

22 November, 2024 06:58 AM IST  |  Mumbai | Anil Patel

અદાણી ગ્રુપના શૅરોમાં મોટું રોકાણ કરી લાઇફલાઇન પૂરી પાડનાર અમેરિકન GQG પાર્ટનર્સનો શૅર પણ ઑસ્ટ્રેલિયન બજારમાં ૨૩ ટકા તૂટી ૧.૯૬ ડૉલર થયા

ગૌતમ અદા‍ણી અને તેમના ભત્રીજા સાગર અદાણી

ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સામે ન્યુ યૉર્કમાં અરેસ્ટ વૉરન્ટ નીકળ્યું, ભારતમાં સોલર એનર્જી પ્રોજેક્ટ મેળવવા આશરે ૨૦૨૯ કરોડ રૂપિયાની લાંચ આપવાનો ગંભીર આરોપ ઃ રાહુલ ગાંધીએ માગણી કરી તત્કાળ ધરપકડની

અદાણી ગ્રુપના તમામ ૧૧ શૅર ગગડ્યા, માર્કેટકૅપમાં સવાબે લાખ કરોડ રૂપિયાનું ધોવાણ ઃ અદાણી ગ્રુપની પાછળ સ્ટેટ બૅન્ક સહિતની સરકારી બૅન્કો, LIC, વિદેશી રોકાણકાર GQG પાર્ટનર્સ, અદાણીનાં બૉન્ડ... સઘળું ડૂલ ઃ ભારતમાં લાંચ-રુશવત આપવા બદલ મોટા ગજાના ભારતીય ઉદ્યોગપતિ પર અમેરિકામાં કેસ દાખલ કરી અરેસ્ટ વૉરન્ટ રજૂ થવાની અભૂતપૂર્વ ઘટના


ગૌતમ અદાણી ફરી પાછા ચર્ચાના ચકડોળે ચડ્યા છે. અફકોર્સ એ માટેનાં કારણ રાબેતા મુજબ સારાં નથી‌. અદા‍ણી અને તેમના ભત્રીજા સાગર અદાણી સહિત ૭ જણ સામે અમેરિકામાં લાંચ-રુશવત તથા છેતરપિંડીનો કેસ થયો, જેમાં અદાલતે કસૂરવાર ગણીને તેમની ધરપકડ માટેનું વૉરન્ટ રજૂ કરી દીધું હોવાના અહેવાલ છે. દેશના બહુ મોટા ગજાના ઉદ્યોગપતિ સામે અમેરિકામાં આ પ્રકારનાં પગલાં લેવાયાં હોય એવું અમારા ધ્યાનમાં તો નથી. અમૃતકાળ છે, ન બનવાનું બની રહ્યું છે અને બનતું રહેશે. ભારતમાં કેટલાક અમલદારોને લાંચ આપવા માટે ભારતીય ઉદ્યોગપતિ પર અમેરિકાની કોર્ટમાં કેસ ચાલશે. આખો કાંડ જાહેર થયા પછી ખાસ્સો સમય મૌન રહ્યા પછી ગૌતમ અદાણીએ સમગ્ર મામલાને ‘તથ્યહીન આક્ષેપ’ લેખાવી એમાં કશો દમ નહીં હોવાનો બચાવ કરતાં કહ્યું છે કે ‘તમામ આરોપ નિરાધાર છે, અમે નિર્દોષ છીએ. આ પુરવાર કરવા માટે તમામ પ્રકારની કાનૂની લડત અમે આપીશું.’

હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે એ સમયે ગૌતમ અદાણીની નેટવર્થ રોજેરોજ ગગડવા માંડી હતી, કુલ ૧૫૦ અબજ ડૉલર સાફ થઈ ગયા હતા. આ નવા બ્રાઇબ ઍન્ડ ફ્રૉડ કાંડને પગલે ગઈ કાલે અદાણી ગ્રુપનું લગભગ સવાબે લાખ કરોડ રૂપિયા (ચોક્કસ કહીએ તો ૨,૨૪,૦૧૪ કરોડ રૂપિયા)નું માર્કેટકૅપ ડૂલ થયું છે અને આ તો શરૂઆત છે. ગુરુવારે અદાણી ગ્રુપના તમામ ૧૧ શૅર સાડાબાવીસ ટકા સુધી તૂટ્યા છે એટલું જ નહીં, અદાણી ગ્રુપે તાજેતરમાં જેને ટેકઓવર કરી ઓપન ઑફર જાહેર કરી છે એ ITD ‌સિમેન્ટેશન, ઓરિયેન્ટ સિમેન્ટ અને PSP પ્રોજેક્ટ્સના શૅર પણ બગડ્યા છે. આ ત્રણ જાતોનું માર્કેટકૅપ ૯૭૫ કરોડ ઘટ્યું છે. વાત અહીં નથી અટકતી, અદાણી ગ્રુપની પાછળ-પાછળ એની સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંબંધ ધરાવનાર હર કોઈ કંપનીને વત્તે-ઓછે અંશે ફટકો પડ્યો છે જેમાં LIC, મોનાર્ક નેટવર્થ અને સ્ટેટ બૅન્ક સહિતની સરકારી બૅન્કોનો પણ સમાવેશ છે. હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે ધરાશાયી થયેલા અદાણી ગ્રુપના શૅરોમાં મોટું રોકાણ કરી લાઇફલાઇન પૂરી પાડનાર અમેરિકન GQG પાર્ટનર્સનો શૅર પણ ઑસ્ટ્રેલિયન બજારમાં ૨૩ ટકા તૂટી ૧.૯૬ ડૉલર થયા બાદ ૧૯ ટકાથી વધુની ખરાબીમાં ૨.૧૩ ડૉલર બંધ આવ્યો છે. GQG પાર્ટનર્સના સૂત્રધાર રાજીવ જૈનને અદાણી ગ્રુપમાં કરેલા રોકાણ વિશે સમીક્ષા કરવાની ખાતરી આપવાની ફરજ પડી છે. અદાણી તરફથી વિદેશી કરન્સીમાં જે બૉન્ડ ઇશ્યુ થયાં છે એના ભાવમાંય ઐતિહાસિક કડાકો બોલાયો છે. જે બૉન્ડ ઇશ્યુ ત્રણ ગણો ભરાઈ ગયો એને પણ બ્રાઇબરી-કાંડ બહાર આવતાં રદબાતલ જાહેર કરવામાં આવ્યો છે.

આ મામલાને લઈ ઘણા સવાલ ઊઠે છે: બ્રાઇબ-કાંડના કારસા પાછળ કોનું ભેજું કામ કરી ગયું? કોણે સળી કરી? આનું પરિણામ શું આવશે? 

business news adani group gautam adani share market stock market national stock exchange bombay stock exchange