23 March, 2023 03:30 PM IST | Mumbai | Amit Trivedi
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મને ઘણી વાર આ વિનંતી કરવામાં આવે છે : ‘કૃપા કરીને મને કેટલીક સારી મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓનાં નામ જણાવો.’ આવી જ વિનંતી રોકાણના અન્ય વિકલ્પો, જેમ કે સ્ટૉક્સ, ડિબેન્ચર્સ, રિયલ એસ્ટેટ વગેરે માટે પણ કરવામાં આવે છે.
રોકાણના શ્રેષ્ઠ સાધન કે શ્રેષ્ઠ મ્યુચ્યુઅલ ફન્ડ યોજનાઓ વિશેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપવા અગત્યના છે.
સૌથી પહેલો સવાલ એ છે કે સારી મ્યુચ્યુઅલ ફન્ડ યોજના એટલે શું?
મોટા ભાગે રોકાણકારો ઊંચું વળતર આપતી સ્કીમને સારી સ્કીમ ગણે છે. આ ઊંચું વળતર અન્ય વિકલ્પોની તુલનાએ માપવામાં આવે છે. ઘણા લોકો એવું માની લેવાની ભૂલ કરે છે કે કોઈ સ્કીમ સારી છે, કારણ કે એમાં તાજેતરના ભૂતકાળમાં સારું વળતર મળ્યું હતું.
આ પણ વાંચો: રોકાણમાંથી નિશ્ચિત રકમનો ઉપાડ કરવા માટે ઉપયોગી થતો સિસ્ટમૅટિક વિધડ્રૉવલ પ્લાન
ઉક્ત પ્રશ્નનો જવાબ આપતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે :
૧. શું તમે યોગ્ય સરખામણી કરી રહ્યા છો? ઘણા કિસ્સાઓમાં, રોકાણનાં બે અલગ-અલગ સાધનોની સરખામણી કરવામાં આવે છે. દા.ત. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફન્ડની કામગીરીની સરખામણી બૅન્કની ફિક્સ્ડ ડિપોઝિટ સાથે અથવા સોના સાથે કરવામાં આવે છે. સરખામણી હંમેશાં બે સમાન સાધનો વચ્ચે હોવી જોઈએ. સૌથી વધુ યોગ્ય રીત સ્કીમના બેન્ચમાર્ક સાથે સ્કીમની કામગીરીની તુલના કરવાની છે.
૨. શું સ્કીમમાં વધારે જોખમ હતું? ઘણી વાર સ્કીમ્સ વધારે જોખમો લેતી હોવાથી એમની કામગીરી સારી રહે છે. જોકે જ્યારે એ જોખમો વાસ્તવિકતા બની જાય છે ત્યારે એ જ સ્કીમમાં ભયંકર મોટું નુકસાન થઈ શકે છે, જેને સહન કરવાનું બધાનું ગજું કદાચ ન હોય.
૩. ભૂતકાળની કામગીરી ભવિષ્યમાં ટકે અને ન પણ ટકે. તમે કોઈ રોકાણના સાધનમાં મળેલું જે વળતર જોઈ રહ્યા છો એ ભૂતકાળમાં મળ્યું હતું અને આજના રોકાણકારોને જે વળતર મળશે એ ભવિષ્યમાં મળશે. કોઈ સ્કીમની કામગીરીનું આકલન કરવા માટે ભૂતકાળની કામગીરી જ ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ હકીકત એ છે કે એના પરથી ભવિષ્યનો કોઈ અંદાજ મળી શકતો નથી. આથી જ તમામ મ્યુચ્યુઅલ ફન્ડ્સની જાહેરખબરોમાં કહેવામાં આવે છે કે ભૂતકાળમાં થયેલું પ્રદર્શન કદાચ ભવિષ્યમાં ટકી ન પણ રહે.
મ્યુચ્યુઅલ ફન્ડની પસંદગી કરતાં પહેલાં અન્ય ઘણી બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. એક મહત્ત્વની બાબત એ છે કે સ્કીમ યોગ્ય હોય એ જરૂરી છે. એ શ્રેષ્ઠ જ હોય એવી અપેક્ષા રાખી શકાય નહીં.
ભૂતકાળની કામગીરીને આધારે યોજનાઓ પસંદ કરવાનો પ્રયાસ કરવાથી ઘણા રોકાણકારોને યોજના દ્વારા આપવામાં આવતો લાભ મળતો નથી. કાર્લ રિચાર્ડ્સે ‘ધ બિહેવિયર ગૅપ’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં તેમણે રોકાણના વિકલ્પમાં પ્રાપ્ત થયેલા વળતર અને રોકાણકારને મળેલા વળતર વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. આ તફાવત રોકાણકારની ભૂલોને કારણે થાય છે, જેને લીધે ખર્ચ અને કરવેરાનું પ્રમાણ વધી જાય છે અને સ્કીમમાં મળેલા વળતર જેટલું વાસ્તવિક વળતર મળતું નથી.
ઉક્ત ચર્ચાનો અર્થ કહો કે સારાંશ કહો, એ એવો છે કે તમારે શ્રેષ્ઠ રોકાણ પસંદ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે એક સારા રોકાણકાર બનવું અગત્યનું છે.
તમે સારા રોકાણકાર ત્યારે કહેવાઓ છો, જ્યારે તમે -
૧. તમારાં નાણાકીય લક્ષ્યોને આધારે રોકાણ કરો છો.
૨. તમારા આયોજન મુજબ અને રોકાણની પ્રકૃતિને અનુરૂપ તમારા રોકાણને પૂરતો સમય આપો છો અને
૩. ઘણા બધા સોદાઓ કરવાનો પ્રયાસ કર્યા વિના તમારાં રોકાણોના વળતરને લાંબા સમય સુધી વધવા દો છો.