29 January, 2019 08:27 AM IST | | રોહિત પરીખ
બજેટ-2019
કૉન્ફેડરેશન ઑફ ઑલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT) દ્વારા થોડા દિવસ પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને બજેટ પહેલાં દેશના નાના વેપારીઓને એક સુવિધાનું પૅકૅજ જાહેર કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આ સુવિધાઓમાં GSTના રજિસ્ટર્ડ વેપારીઓને દસ લાખ રૂપિયા સુધીનો ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સ, બૅન્કોમાંથી સસ્તા વ્યાજે લોન, દેશના સો ટકા વેપારીઓને ડિજિટલ ઇન્ડિયા સાથે જોડવા માટે કમ્પ્યુટર જેવાં ઇલેક્ટ્રૉનિક ઉપકરણોમાં સબસિડી અને વિશેષ બૅન્ક-ચાર્જિસ, રીટેલ ટ્રેડ માટે નૅશનલ ટ્રેડ પૉલિસી અને ઇન્ટર્નલ ટ્રેડ માટે મિનિસ્ટ્રી ઑફ ઇન્ટર્નલ ટ્રેડ, સરકાર અને વેપારીઓ વચ્ચેના સમન્વય માટે ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ, મહિલા ઉદ્યમી યોજના જેવી સુવિધાઓની માગણી કરવામાં આવી હતી.
આ પહેલાં CAIT તરફથી ૨૦૧૯ના લોકસભાના ઇલેક્શનમાં વેપારીઓની વૉટબૅન્ક ઊભી કરવાનો અને એના માધ્યમથી દેશના રાજકીય પક્ષોનું નાક દબાવવાનો એક અનોખો નિર્ણય લેવામાં આવ્યો હતો. દેશનાં વ્યાપારી સંગઠનોને એકત્રિત કરીને સરકાર સામે વેપારીઓની વિવિધ માગણીઓને લઈને નવો જુવાળ પેદા કરવા માટે CAIT દ્વારા દેશભરમાં રથયાત્રા યોજવામાં આવી હતી. આજની ભયંકર મંદીમાંથી વેપારીઓને ઉગારવા માટે CAIT તરફથી નરેન્દ્ર મોદીને પત્ર લખીને આવી રહેલા ૨૦૧૯-’૨૦ના બજેટમાં અથવા તો બજેટ પહેલાં નાના વેપારીઓને સુવિધાઓનું એક પૅકેજ જાહેર કરવાની માગણી કરવામાં આવી હતી.
આ બાબતની માહિતી આપતાં CAITના રાષ્ટ્રીય સભ્ય અને ખાદ્ય તેલ વ્યાપારી અસોસિએશન-મહારાષ્ટ્રના અધ્યક્ષ શંકર ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘દેશના વેપારીઓના વેપારને સરળ બનાવવા માટે અને વેપારમાં વિકાસ માટે CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી. સી. ભારતીયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે થોડા દિવસ પહેલાં નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને આ બજેટમાં અથવા તો બજેટ પહેલાં નાના વેપારીઓ માટે એક સુવિધાઓનું પૅકૅજ જાહેર કરવાની માગણી કરી છે.’
આ સુવિધાઓમાં GSTના રજિસ્ટર્ડ વેપારીઓને ઉત્તર પ્રદેશની સરકારની જેમ કેન્દ્ર સરકાર તરફથી દસ લાખ રૂપિયા સુધીનો ઍક્સિડન્ટ ઇન્શ્યૉરન્સ આપવાની માગણી કરવામાં આવી છે એવી જાણકારી આપતાં શંકર ઠક્કરે કહ્યું હતું કે ‘આ સાથે GSTના રજિસ્ટર્ડ વેપારીઓ માટે સરકાર પેન્શન સ્કીમ તૈયાર કરવાની અને GSTની પ્રક્રિયાને સરળ બનાવવા ઉપરાંત ‘એક રાષ્ટ્ર એક ટૅક્સ’ અંતર્ગત જમ્મુ-કાશ્મીર સહિત બધાં જ રાજ્યોમાંથી પ્રોફેશનલ ટૅક્સ અને ટોલ-ટૅક્સ હટાવવાની માગણી કરવામાં આવી છે. GSTના ૧૮ ટકાના સ્લૅબને નાબૂદ કરવા અને ૨૮ ટકાના સ્લૅબને ફક્ત મોસ્ટ લક્ઝુરિયસ આઇટમો સુધી સીમિત રાખવાની, ઑટો-પાર્ટ્સ અને સિમેન્ટ જેવી આઇટમોને ૨૮ ટકાના સ્લૅબમાંથી હટાવીને ૧૨ ટકાના સ્લૅબમાં લાવવાની, બધી જ આઇટમોના GSTનો વ્યવસ્થિત અભ્યાસ કરીને રોજિંદી જરૂરિયાતની આઇટમો અને રૉ-મટીરિયલનો પાંચ ટકા GSTના સ્લૅબમાં સમાવેશ કરવાની તથા મુદ્રા યોજનામાંથી બૅન્કોના રોલનો અંત લાવીને નૉન-બૅન્કિંગ ફાઇનૅન્સ કંપનીઓ અને માઇક્રો ફાઇનૅન્સ ઇન્સ્ટિટ્યુશનના માધ્યમથી વેપારીઓને લોન મળે એવી વ્યવસ્થા ઊભી કરવાની પણ માગણી કરવામાં આવી છે. ’
આંતરિક વ્યાપારની વૃદ્ધિ માટે અને એનું વ્યવસ્થિત સંચાલન થાય એ માટે સરકારે એક ટ્રેડ પ્રમોશન કાઉન્સિલની રચના કરવાની જરૂર છે જે સરકાર અને વેપારીઓ વચ્ચે એક સેતુ બનીને કામ કરે. આંતરિક વ્યાપાર માટે સરકાર ઘણા લાંબા સમયથી ઈ-કૉમર્સની વિચારણા કરી રહી છે. આના માટે સરકારે એક રાષ્ટ્રીય વેપારનીતિ બનાવવી અત્યંત જરૂરી છે. સરકારે એક નિષ્પક્ષ અને પારદર્શક ઈ-કૉમર્સ પોર્ટલ શરૂ કરવાની જરૂર છે જેના માધ્યમથી સરકાર વેપારીઓને ઈ-પોર્ટલ ખોલવામાં સહાય કરી શકે. આના માટે સરકારે એક રેગ્યુલેટરી ઑથોરિટી રચવાની જરૂર છે.
વચગાળાના બજેટ પાસેથી જુદી-જુદી ઇન્ડસ્ટ્રીઓના અગ્રણીઓ અને લોકોની શું અપેક્ષાઓ છે?
જ્વેલરોની નિકાસ-ક્રેડિટ સરળ કરો
૧) કરમુક્તિના સ્લૅબને ચારથી પાંચ લાખ રૂપિયા સુધી વધારો.
૨) ગોલ્ડમાં આયાત-ડ્યુટીમાં કાપ.
૩) જ્વેલરો માટે નિકાસ-ક્રેડિટમાં સરળતા.
૪) જ્વેલરીની ખરીદીમાં પૅન કાર્ડની મર્યાદામાં પાંચ લાખ સુધી વધારો.
૫) જ્વેલરી માટેનાં હોલમાર્કિંગ સેન્ટરોમાં વધારો કરવો અને હોલમાર્કિગ કેન્દ્રોના ઇન્ફ્રાસ્ટ્રકચરમાં પરિવર્તન કરવા માટેના નિયમોમાં સરળતા લાવવી.
૬) નાના અને મધ્યમ સુવર્ણકારો અને જ્વેલરોને બૅન્કિંગ લોન અને ક્રેડિટમાં સરળતા મળે એવા નિયમો બનાવવા.
- અનિલ જૈન, શ્રી મુંબાદેવી દાગીનાબજાર અસોસિએશનના સેક્રેટરી ગોલ્ડ ઇન્ડસ્ટ્રીની ડિમાન્ડ
૧) બુલિયન બૅન્કોની સ્થાપના ફક્ત સોના અને ચાંદીના સોદા માટે કરવામાં આવે.
૨) ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ અને રિકરિંગ અકાઉન્ટ શરૂ કરવામાં આવે.
૩) ઑનલાઇન ATM (ઑટોમૅટેડ ટેલર મશીન)ના કાર્ડમાં ગોલ્ડ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવે.
૪) ડોમેસ્ટિક અને નિકાસ માટે બુલિયન બૅન્ક દ્વારા ગોલ્ડ લોનની સરળ ઉપલબ્ધતા.
૫) વર્કિંગ કૅપિટલ માટે જ્વેલરોને લોન આપવામાં અગ્રતા આપવામાં આવે.
૬) નિકાસ અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્થાનો પર જ્વેલરી ઉદ્યોગની સ્થાપના કરવામાં આવે.
૭) શાંઘાઈ ગોલ્ડ એક્સચેન્જની જેમ ટ્રાન્સપરન્સી અને પ્રાઇસ ડિસ્કવરી માટે ગોલ્ડ એક્સચેન્જની તાત્કાલિક શરૂઆત કરવામાં આવે.
૮) બુલિયન દ્વારા ખરીદી કરી રહેલા બુલિયન ડીલરોને ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)માં સૅટ-ઑફ આપવામાં આવે.
૯) ડબ્બા-ટ્રેડિંગને બંધ કરવા માટે કૉમોડિટી ટ્રાન્ઝૅક્શન ટૅક્સને રદ કરવામાં આવે.
૧૦) હૅન્ડિક્રાફટ જ્વેલરી બિઝનેસને બચાવવા માટે અને આ ઉદ્યોગમાં વધુ રોજગારી ઊભી કરવા માટે જૉબવર્ક પરથી GST હટાવવામાં આવે.
૧૧) મેટ્રોપૉલિટન શહેરોથી શરૂ કરીને તબક્કાવાર રીતે ફરજિયાત હોલમાર્કિંગ અમલમાં મૂકવું, જેથી નાના જ્વેલરો બ્રૅન્ડને બદલે ગુણવત્તા સાથે સ્પર્ધા કરી શકે.
૧૨) દર વર્ષે બુલિયન પરથી બે ટકા ડ્યુટી ઘટાડવામાં આવે.
૧૩) હાથથી ઘડેલાં ઘરેણાં પરથી GST દૂર કરીને કુશળતાને ઉત્તેજન આપવામાં આવે.
૧૪) બુલિયનના નિકાસ પરથી મૂલ્ય વધારવાનાં ધોરણોને દૂર કરવામાં આવે.
૧૫) એશિયન દેશોમાંથી સોના અને સોનાની વસ્તુઓની આયાતને કાયમી સ્વરૂપે બંધ કરવામાં આવે.
૧૬) ઉત્પાદક, હોલસેલ, જૉબ વર્કર્સ અને રીટેલરો વચ્ચે ટ્રાન્સપરન્સી વધે એના માટે આવકવેરામાં ટર્નઓવર મેકૅનિઝમ શરૂ કરવામાં આવે.
૧૭) સોનાની મુદ્રીકરણ યોજના હેઠળ આવકવેરા ખાતા તરફથી પરિણીત મહિલાઓ ૫૦૦ ગ્રામ, અપરિણીત યુવતીઓ ૨૫૦ ગ્રામ અને એક મેમ્બર દ્વારા ૧૦૦ ગ્રામ સુધી સોનું ડિપોઝિટ કરવા સામે કોઈ જ સવાલ પૂછવામાં ન આવે.
૧૯) સોનાની મુદ્રીકરણ યોજના હેઠળ ગોલ્ડ બૉન્ડ અને ગોલ્ડ ડિપોઝિટ પરના વ્યાજને ઇન્કમ-ટૅક્સમાંથી બાકાત રાખવામાં આવે.
- સુરેન્દ્ર મહેતા, ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના નૅશનલ સેક્રેટરી
ટિમ્બરના વેપારીઓની અપેક્ષા
૧) અઢી ટકા ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સની નાબૂદી. GST ઍક્ટ ૧૭માં બધા જ ટૅક્સ આવી જતા હોવાથી ૧૨.૫ ટકા વૅટ (VAT - વૅલ્યુ ઍડેડ ટૅક્સ)ને બદલે ટિમ્બર પર ૧૮ ટકા GST લાદવામાં આવ્યો છે. આ સંજોગોમાં અઢી ટકા ટૅક્સ કલેક્ટેડ ઍટ સોર્સને નાબૂદ કરવો જરૂરી છે.
૨) ઇન્કમ-ટૅક્સની મર્યાદા જે અત્યારે ૨,૫૦,૦૦૦ રૂપિયાની છે એ પાંચ લાખ રૂપિયા સુધી થવી જોઈએ. ત્યાર પછી પાંચ લાખથી સાત લાખ રૂપિયા પર પાંચ ટકા, સાત લાખથી દસ લાખ રૂપિયા સુધી ૧૦ ટકા, દસ લાખ રૂપિયાથી ૧૫ લાખ રૂપિયા સુધી ૧૫ ટકા, ૧૫ લાખ રૂપિયાથી ૨૫ લાખ રૂપિયા સુધી ૨૦ ટકા અને ૨૫ લાખ રૂપિયાથી વધુ પર ૨૫ ટકા ઇન્કમ-ટૅક્સ હોવો જોઈએ.
૩) હાઉસિંગ લોન પરનું વ્યાજ ઇન્કમ-ટૅક્સમાંથી સંપૂર્ણ બાદ મળવું જોઈએ. આનાથી હાઉસિંગ સેક્ટર જે અત્યારે મંદીમાં છે એને બૂસ્ટ મળશે. એનો લાભ બીજાં ક્ષેત્રોને પણ મળશે.
૪) દેશના ઇન્ફ્રાસ્ટક્ચરની સુવિધાઓ વધારવા માટે કલમ ૮૦-C અંતર્ગત મળતા ડિડક્શનની મર્યાદા વધારીને ત્રણ લાખ રૂપિયા સુધીની થવી જોઈએ, જેથી મધ્યમવર્ગના પરિવારોની બચતમાં વધારો થઈ શકે.
૫) આજે મેડીક્લેમના પ્રીમિયમમાં જબરદસ્ત વધારો થઈ રહ્યો છે ત્યારે ૮૦–D હેઠળ મળતું ડિડક્શન ૩૦,૦૦૦ રૂપિયાથી વધારીને એક લાખ રૂપિયા સુધી કરવું જોઈએ જેથી લોકો એનો વધુ ને વધુ ફાયદો લઈ શકે.
૬) લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સને સરકારે રદ કરવો જોઈએ, કારણ કે સરકાર ઑલરેડી શૅર ટ્રાન્સફર ટૅક્સ લગાડે છે. તો ડબલ ટૅક્સ શા માટે?
- આશિષ મહેતા, ધ બૉમ્બે ટિમ્બર મર્ચન્ટ્સ અસોસિએશન, ભાયખલાના અધ્યક્ષ
ખેડૂતોની સબસિડીમાં વધારો કરો
૧) ખેડૂતોની સબસિડીમાં વધારો કરવો અને એના ફાયદા તેના ખાતામાં ટ્રાન્સફર કરવા.
૨) વગર વ્યાજે ખેડૂતોને મોસમી પાક પર લોન આપવામાં આવે.
૩) ટૅક્સની મુક્તિમર્યાદા અઢી લાખ રૂપિયાથી વધારીને સાડાત્રણ લાખ રૂપિયા સુધી કરવામાં આવે.
૪) ૩૦ જૂન સુધીમાં GSTના દરમાં પરિવર્તન લાવવો જરૂરી છે. ફક્ત બે જ દરો રાખવામાં આવે : એક ૧૫ ટકા અને લક્ઝુરિયસ આઇટમો પર ૨૮ ટકા.
૫) નિકાસને બૂસ્ટ આપવાની જરૂર છે.
૬) કૉપોર્રેટ ઇન્કમ-ટૅક્સના દરને ૨૫ ટકાનો કરવામાં આવે.
આ પણ વાંચો : બજેટ 2019: જાણો કેવું હતું પહેલું બજેટ, કેમ એક અંગ્રેજે કર્યુ હતું રજૂ ?
૭) સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા દોઢ લાખ રૂપિયાથી બે લાખની કરવામાં આવે.
- રાજેશ અજમેરા, બિઝનેસમૅન, પ્રભાદેવી