18 January, 2023 02:59 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૈશ્વિક ખાંડના ભાવ તાજેતરમાં અનેક વર્ષોની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે તાજેતરમાં ભાવ ઘટ્યા છે, પરંતુ ભારતમાંથી ઓછા પુરવઠાને કારણે આગામી ત્રણ મહિનામાં વૈશ્વિક ખાંડના ભાવમાં વધુ વધારો થવાની સંભાવના છે, એમ ઉદ્યોગના સહભાગીઓએ જણાવ્યું હતું.
ભારત સરકારે ૨૦૨૨-’૨૩ (ઑક્ટોબર-સપ્ટેમ્બર) માટે ખાંડનો નિકાસ ક્વોટા ૬૦ લાખ ટન પર નિર્ધારિત કર્યો છે, જે ગયા વર્ષે ઓછા ઉત્પાદનની અપેક્ષાએ નિકાસ કરાયેલ ૧૧૨ લાખ ટનની તુલનાએ લગભગ અડધો હતો. એપ્રિલ પછી જ જ્યારે બ્રાઝિલ અને થાઇલૅન્ડથી સપ્લાય બજારમાં આવવાની શરૂ થશે ત્યારે જ આંતરરાષ્ટ્રીય ભાવ સાધારણ થવાની શક્યતા છે.
બ્રાઝિલ, ભારત અને થાઇલૅન્ડ ખાંડના અગ્રણી ઉત્પાદકો અને નિકાસકારો છે.
સામાન્ય રીતે વર્ષના આ સમયે, મોટા ભાગનો વૈશ્વિક પુરવઠો ભારતમાંથી આવે છે, કારણ કે એ દેશમાં પિલાણની ટોચની સીઝન છે. જોકે સરકારે પૂરતા પ્રમાણમાં સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને સ્થાનિક ભાવ પર નિયંત્રણ રાખવા માટે ચાલુ ખાંડની સીઝનમાં ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે.
નૅશનલ ફેડરેશન ઑફ કો-ઑપરેટિવ શુગર ફૅક્ટરીઝના મૅનેજિંગ ડિરેક્ટર પ્રકાશ નાયકનવરેએ જણાવ્યું હતું કે ભારતીય પુરવઠામાં કાપ મૂક્યાના સમાચાર આંતરરાષ્ટ્રીય ભાવમાં વધુ ઉછાળાને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો : વૈશ્વિક મકાઈના ભાવ ચાલુ વર્ષે ઊંચા રહેવાનો અંદાજ
કાચી ખાંડનો સૌથી સક્રિય માર્ચ કૉન્ટ્રૅક્ટ ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર ૧૯.૫૭ સેન્ટ પ્રતિ પાઉન્ડ હતો અને સફેદ ખાંડ લંડન ફ્યુચર્સ એક્સચેન્જ પર ૫૩૮.૫ ડૉલર પ્રતિ ટન હતી.
ગઈ ૨૩ ડિસેમ્બરે કાચી અને સફેદ ખાંડનો સૌથી વધુ સક્રિય માર્ચ કૉન્ટ્રૅક્ટ ઇન્ટરકોન્ટિનેન્ટલ એક્સચેન્જ પર પાઉન્ડ દીઠ ૨૧.૧૮ સેન્ટ અને લંડન ફ્યુચર્સ એક્સચેન્જમાં ૫૭૯.૬ ડૉલર પ્રતિ ટનની છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
બજારના સહભાગીઓ અપેક્ષા રાખે છે કે કાચી ખાંડના પ્રતિ પાઉન્ડ માટે આ ભાવ વધીને ૨૨ સેન્ટ્સ અને સફેદ ખાંડના ૫૮૦થી ૫૯૦ પ્રતિ ટન થશે, જે ૧૧ વર્ષની ઊંચી સપાટી હશે.
ઉત્પાદનમાં અપેક્ષિત ઘટાડાને જોતાં સરકાર આ વર્ષ માટે ખાંડના વધારાના નિકાસ ક્વોટાની જાહેરાત કરે એવી શક્યતા નથી, એમ ઉદ્યોગના સહભાગીઓએ જણાવ્યું હતું.
જો ભારત વર્તમાન સીઝનમાં ૩૪૦થી ૩૪૫ ટન ખાંડનું ઉત્પાદન કરે છે તો વધારાનો નિકાસ ક્વોટા અસંભવિત છે એમ જી. કે. ગોદાવરી બાયોરીફાઇનરીના સલાહકાર સૂદે જણાવ્યું હતું. જોકે જો ખાંડનું ઉત્પાદન ૩૫૦થી ૩૫૫ ટનનું થાય તો સરકાર વધારાના ૧૦ લાખ ટનની નિકાસને મંજૂરી આપી શકે છે, એમ સૂદે
જણાવ્યું હતું.